News of Thursday, 6th March 2025
છેલ્લા પાંચ માસમાં FIIની ૩ લાખ કરોડની વેચવાલી
ભારતીય શેરબજારમાં હોલ્ડિંગ ૧૩ માસના તળિયે પહોંચ્યું

મુંબઇ તા.૬: ભારતીય શેરબજાર માટે નવુ કેલેન્ડર વર્ષ ૨૦૨૫ અત્યારસુધી અપશુકનિયાળ રહ્યું છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી સેન્સેક્સ ૪૪૦૮.૭૮ પોઈન્ટ (૫.૬૪ ટકા), તો નિફ્ટી ૧૩૦૭.૫ પોઈન્ટ (૫.૫૩ ટકા) તૂટયો છે. ભારતીય શેરબજારમાં આટલા મોટા કડાકા પાછળ જવાબદાર પરિબળો પૈકી એક કારણ વિદેશી રોકાણકારોની મોટાપાયે વેચવાલી છે. વિદેશી રોકાણકારોએ છેલ્લા પાંચ માસમાં ભારતીય શેરબજારમાંથી રૂ. ૩,૨૩,૭૬૫.૨૩ કરોડનું રોકાણ પાછું ખેંચ્યું છે.આ વેચવાલીના પગલે તેમનું હોલ્ડિંગ ૧૩ માસના તળિયે નોંધાયું છે.
FIIની AUC ૧૩ માસના તળિયે
એફઆઈઆઈની એસેટ્સ અંડર કસ્ટડી (AUC) ફેબ્રુઆરી સુધીમાં રૂ. ૬૨.૩૮ લાખ કરોડ થઈ હતી. જે જાન્યુઆરી ૨૦૨૪ પછીની સૌથી નીચી સપાટી દર્શાવે છે. સપ્ટેમ્બર ૨૦૨૪માં ખ્શ્ઘ્ રૂ. ૭૭.૯૬ લાખ કરોડની ટોચથી રૂ. ૧૫.૫૮ લાખ કરોડ ઘટી છે.
ઓટો સેક્ટર્સમાં સૌથી વધુ વેચવાલી
વિદેશી રોકાણકારોએ સૌથી વધુ વેચવાલી ઓટો સેક્ટરમાં નોંધાવી છે. ફેબ્રુઆરીના બીજા અર્ધમાસિકમાં એફઆઈઆઈએ ઓટો સેક્ટરમાંથી રૂ. ૩૨૭૯ કરોડનું રોકાણ પાછું ખેંચ્યું છે. હેલ્થકેર સેગમેન્ટમાં રૂ. ૨૯૯૬ કરોડ અને એફએમસીજીમાં રૂ. ૨૫૬૮ કરોડના શેર્સની વેચવાલી દર્શાવી છે. આ સિવાય કંસ્ટ્રક્શન મટિરિયલ્સ (રૂ. ૧,૮૨૦ કરોડ), નાણાકીય (રૂ. ૧,૬૪૭ કરોડ), બાંધકામ (રૂ. ૧,૪૬૫ કરોડ) અને કેપિટલ ગુડ્સ (રૂ. ૧,૨૫૮ કરોડ) તથા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર અને ઓઇલ એન્ડ ગેસમાંથી અનુક્રમે રૂ. ૧,૨૪૧ કરોડ, રૂ. ૧,૨૩૪ કરોડ અને રૂ. ૯૪૩ કરોડનું વેચાણ કર્યું છે.
આ સેગમેન્ટમાં નોંધાવી લેવાલી
વિદેશી રોકાણકારોએ છેલ્લા પાંચ માસ સળંગ નેટ વેચવાલી વચ્ચે ઘણા સેક્ટર્સના શેર નીચા મથાળે ખરીદ્યા પણ હતાં. ટેલિકોમ, કેમિકલ, મીડિયા સેગમેન્ટમાં એફઆઈઆઈએ ક્રમશઃ ૫૬૬૧ કરોડ, ૧૧૨ કરોડ અને ૩૪ કરોડની ખરીદી નોંધાવી હતી.
એફઆઈઆઈની વેચવાલી પાછળના કારણો
ચીનમાં કોવિડ મહામારી દરમિયાન નોંધાયેલી આર્થિક મંદી છેક હવે રિકવર થઈ છે. ઓક્ટોબરથી ચીનનો મજબૂત આર્થિક ગ્રોથ અને વિદેશી રોકાણકારોને આકર્ષવા આર્થિક રાહત પેકેજના પગલે એફઆઈઆઈ ચીનના બજાર તરફ ડાયવર્ટ થયા છે. જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના કારણે ડોલરની સતત મજબૂતી પણ વેચવાલીનું એક કારણ રહ્યું છે. વિદેશી રોકાણકારોમાં ફેડ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની ભીતિ તેમજ છેલ્લા બે વર્ષથી મજબૂત તેજી સાથે વેગવાન બનેલા ભારતીય શેરબજારમાંથી પ્રોફિટ બુક કરવાનું વલણ જોવા મળ્યું છે.
નિષ્ણાતોના મતે ઓવરસોલ્ડ માર્કેટમાં ટેક્રિકલી રિકવરી જોવા મળી શકે છે. જો કે, એફઆઈઆઈ આ રિકવરીમાં ભાગ લેશે કે કેમ તે તો વૈશ્વિક પરિબળો જ નક્કી કરશે. વિદેશી રોકાણકારોની સતત વેચવાલીએ આર્થિક ગ્રોથ મંદ પડી શકે છે, તેમજ કોર્પોરેટ્સની આવક પણ ઘટી શકે છે. અમેરિકાના રાષ્ટ્ર-મુખ ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકાના આર્થિક વિકાસ લક્ષી પગલાંઓ વિદેશી રોકાણકારોને ભારતીય શેરબજારથી દૂર કરી શકે છે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
