News of Thursday, 6th March 2025
ટેરિફ પર વિવાદ થતા ટ્રમ્પની પીછેહટ ? હવે સમજૂતી કરવા તૈયાર : કેનેડા-મેક્સિકોને ટેરિફમાં રાહત અપાશે
ટ્રમ્પ સરકાર હવે બંને દેશો પાસેથી કેટલાક નવા પ્રોડક્ટ્સ સપ્લાય કરવા અને તેના પર લાગતા ટેરિફ મુદ્દે ચર્ચા કરી શકે

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-ચીન સહિત અનેક દેશો સાથે ‘ટેરિફ વૉર’ શરૂ કરી દીધી છે, જોકે તાજેતરમાં જ ટ્રમ્પના વલણો જોતા તેઓ પોતે જ મુશ્કેલીમાં મુકાયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. વાસ્તવમાં ભારતીય શેરબજારમાં આજે તેજી જોવા મળી છે, જેનું મુખ્ય કારણ અમેરિકા-કેનેડા-મેક્સિકો વચ્ચે થયેલા સમજૂતી કરાર હોવાનું કહેવાય છે.
મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકન કોમર્સ સેક્રેટરી હૉવર્ડ લટનિકે સંકેત આપ્યો છે કે, ટ્રમ્પ સરકાર કેટલીક બાબતોમાં ટેરિફ પર રાહત આપી શકે છે. ખાસ કરીને કેનેડા અને મેક્સિકો તરફથી આવતા સામાનો પર ટેક્સમાં રાહત મલી શકે છે
ટ્રમ્પ સરકારના આ વલણથી એવું મનાઈ રહ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ મેક્સિકો અને કેનેડા પરનો ટેરિફ ઘટાડી શકે છે અથવા બંને દેશો પાસેથી કેટલાક નવા પ્રોડક્ટ્સ સપ્લાય કરવા અને તેના પર લાગતા ટેરિફ મુદ્દે ચર્ચા કરી શકે છે.
બીજીતરફ ટ્રમ્પની ટેરિફ ચિમકીથી ચીને જાહેરમાં કહ્યું છે કે, જો તમે યુદ્ધ કરવા માંગતા હોય, તો કરજો, અમે તૈયાર છીએ. કેનેડા-મેક્સિકોએ પણ અમેરિકાની ટેરિફની ધમકી સામે બાયો ચઢાવી છે. આ તમામ બાબતો તેમજ સમજૂતીથી સંકેતો કહી રહ્યા છે કે, હવે ટ્રમ્પનો ટેરિફ દાવ ઊંધો પડી રહ્યો છે, વિવાદ છંછેડ્યા બાદ તેઓ બેકફુટ પર જઈ રહ્યા છે
અમેરિકા સુપરપાવર દેશ છે, જોકે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ અને વર્તમાન સમયને જોતા એવું લાગે છે કે, હવે અનેક દેશો અમેરિકાથી ડરી રહ્યા નથી. ટ્રમ્પે રાષ્ટ્રપ્રમુખ બનતા જ અનેક દેશો પર ટેરિફ લાદવાની ચિમકી આપી છે. તો સામે છેડે અન્ય દેશોએ પણ અમેરિકા પર ટેરિફ લાદવાની અથવા ટેક્સમાં વધારો કરવાની જાહેરાત કરી છે.
અમેરિકાની ટેરિફ ચિમકી બાદ કેનેડાએ પણ ટ્રમ્પ સાથે શિંગડા ભેરવ્યા હતા. વાસ્તવમાં ટ્રમ્પે કેનેડાથી સપ્લાય કરાતા ઉર્જા સિવાય તમામ સામાનો પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, જેના વળતા જવાબમાં કેનેડાના વચગાળાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડેએ પણ 30 અબજ કેનેડાઈ ડૉલરના મૂલ્ય અમેરિકી આયાત પર ટેરિફ લાદી દીધો. કેનેડાએ પણ અમેરિકી પ્રોડક્ટ્સ પર વધારાનો 25 ટકા સરચાર્જ લગાવી દીધો છે.
અમેરિકા-કેનેડા વચ્ચે ટ્રેડ વૉરની સૌથી મહત્ત્વની વાત એ છે કે, ટ્રુડોએ ટ્રમ્પ પર કેનેડાની અર્થવ્યવસ્થા બરબાર કરવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં કેનેડાા ઓન્ટારિયો પ્રાંતના પ્રીમિયર ડગ ફોર્ડે અમેરિકાની બત્તી ગુલ કરવાની ધમકી આપી છે. કેનેડાના ઓન્ટારિયો પ્રાતથી અમેરિકાના ત્રણ રાજ્યો મિનિસોટા, મિશિગન અને ન્યુયોર્કમાં લગભગ 15 લાખ ઘરોમાં વીજળી સપ્તાય કરવામાં આવે છે. આવી જ રીતે મેક્સિકોએ પણ અમેરિકન પ્રોડક્ટ્સ પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. જ્યારે ચીનની વાત કરીએ તો ચીને યુદ્ધ કરવા સુધીની ઈચ્છા વ્યક્ત કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચીને અમેરિકા પર એટલો ટેરિફ લાદ્યો છે, જેટલો અમેરિકાએ ચીન પર લાદ્યો છે.
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
