<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

શોકિંગઃ મહિલાને મોંઘી પડી બિરયાની, કરાવવી પડી ૮ લાખની સર્જરી

બિરયાનીમાં રહેલું ચિકન બોન ગળામાં ફસાઈ જતાં ૩૪ વર્ષીય મહિલાએ સર્જરી કરાવવી પડીઃ આ ઓપરેશન ૮ કલાક ચાલ્‍યું

મુંબઇ,તા.૮: કુર્લાની ૩૪ વર્ષીય મહિલા, રૂબી શેખ (નામ બદલવામાં આવ્‍યું છે), માટે બિરયાની ખાવું ભારે પડ્‍યું. બિરયાનીમાં રહેલું ચિકન બોન ગળામાં ફસાઈ જતાં તેને ૮ કલાક લાંબી સર્જરી કરાવવી પડી. આ ઘટના ૩ ફેબ્રુઆરીના રોજ ઘટી હતી, જ્‍યારે રૂબી તેના પરિવાર સાથે ભોજન માણી રહી હતી. આ દરમિયાન ૩.૨ સેન્‍ટીમીટર લાંબુ ચિકનનું હાડકું ભૂલથી ગળી જવાયું હતું અને ખોટી દિશામાં ફસાઈ જતાં રૂબી માટે ગંભીર તકલીફ ઊભી થઈ.

ભોજન દરમિયાન ગળામાં હાડકું ફસાઈ જતાં રૂબીને તરત જ ક્રિટિકેર એશિયા હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી. ડોક્‍ટરોએ એક્‍સ-રે અને અન્‍ય ટેસ્‍ટ કર્યા અને જાણ્‍યું કે હાડકું ગળાની વચ્‍ચેના ભાગમાં C4-C5 વરટિબ્રલ ડિસ્‍ક વચ્‍ચે ફસાઈ ગયું છે. આ પરિસ્‍થિતિ અત્‍યંત ગંભીર હતી અને તાત્‍કાલિક સર્જરી કરાવવી જરૂરી થઈ પડી હતી.

૮ ફેબ્રુઆરીએ ENT સર્જન ડો. સંજય હેલાલે અને તેમની ટીમે રૂબીની ૮ કલાક લાંબી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી. ડોકટરોએ જણાવ્‍યું કે, આ પ્રકારના કેસ અસામાન્‍ય છે અને બહુ ઓછા જોવા મળે છે. સર્જરી દરમિયાન અન્નનળીની હલચલ અથવા એનેસ્‍થેસિયાના પ્રભાવના કારણે હાડકું ઉપરની તરફ ખસી ગયું હતું. ડૉ. હેલાલે જણાવ્‍યું કે આ અસામાન્‍ય અને અટપટા કેસને તેઓ મેડિકલ જર્નલમાં પ્રકાશિત કરવાનું વિચારી રહ્યા છે.

રૂબીના પરિવાર માટે આ ઓપરેશન મોટી આર્થિક મુશ્‍કેલી લઈને આવ્‍યું. ઓપરેશન માટેનો કુલ ખર્ચ આશરે ૮ લાખ રૂપિયા થયો હતો. રૂબીનો પતિ એક લોકલ ફેક્‍ટરીમાં સુપરવાઈઝર તરીકે કામ કરે છે અને આટલો મોટો ખર્ચ ઉઠાવવો તેના માટે મુશ્‍કેલ હતો. હૉસ્‍પિટલ દ્વારા દાનની મદદથી આર્થિક સહાય કરવામાં આવી અને સર્જરીના ખર્ચને અડધો કરી ૪ લાખ રૂપિયા કરવામાં આવ્‍યો.

સર્જરી બાદ ડોક્‍ટરોએ રૂબીને એક મહિના સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. આ ઘટના પછી રૂબી શેખે કહ્યું, હવે હું કદી બિરયાની નહીં ખાઉં. આ અનુભવ એટલો ભયાનક હતો કે હું હવે કયારેય બિરયાની બનાવીશ પણ નહીં.(૪૦.૭)

(10:08 AM IST)