<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

ટ્રેડ વોરમાં નવો વળાંક ! ચીને કેનેડા પર 100% ટેરિફ લાદી: વૈશ્વિક અર્થતંત્રમાં હડકંપ

ચીને કેનેડિયન રેપસીડ ઓઈલ, ઓઈલ કેક અને વટાણા પર 100% ટેરિફ અને ડુક્કરનું માંસ અને જળચર ઉત્પાદનો પર 25% ટેરિફ લાદ્યાછે

નવી દિલ્હી :વિશ્વમાં વેપાર યુદ્ધની ગરમી હવે વધુ તીવ્ર બની છે! ચીને શનિવારે કેનેડિયન કૃષિ અને ખાદ્ય ઉત્પાદનો પર ભારે ટેરિફ લાદી હતી, જેના કારણે વૈશ્વિક વેપારમાં હલચલ મચી ગઈ હતી. કેનેડા દ્વારા ગયા વર્ષે ઓક્ટોબરમાં ચાઈનીઝ ઈલેક્ટ્રિક વાહનો (EVs), સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 100% અને 25% ટેરિફ લાદવાના પ્રતિભાવમાં આ પગલું આવ્યું છે. ચીને કેનેડિયન રેપસીડ ઓઈલ, ઓઈલ કેક અને વટાણા પર 100% ટેરિફ અને ડુક્કરનું માંસ અને જળચર ઉત્પાદનો પર 25% ટેરિફ લાદ્યા છે.

  ચીનના કસ્ટમ્સ ટેરિફ કમિશનના નિવેદન અનુસાર, આ નવી ડ્યુટી 20 માર્ચથી અમલમાં આવશે. તેમાં કેનેડિયન રેપસીડ ઓઈલ, ઓઈલ કેક અને વટાણા પર 100% વધારાની ડ્યુટીનો સમાવેશ થાય છે. કેનેડિયન ડુક્કરનું માંસ અને જળચર ઉત્પાદનો (ફિશરીઝ) 25% વધારાના ટેરિફને આધીન છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકા, ચીન, કેનેડા અને મેક્સિકો વચ્ચે વેપાર તણાવ પહેલાથી જ વધી ગયો છે. આ વળતા હુમલાથી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે ચીન હવે કોઈપણ દેશની આર્થિક નીતિઓને નજરઅંદાજ કરશે નહીં. આ નિર્ણય માત્ર ચીન-કેનેડાના વેપારને જ નહીં પરંતુ વૈશ્વિક બજારોને પણ અસર કરશે

  કેનેડાએ ઓક્ટોબરમાં ચીની આયાત પર કડક પગલાં લાદ્યા હતા, જેમાં ચાઈનીઝ ઈવી પર 100% ટેરિફ અને ચીનથી આવતા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25% ટેરિફનો સમાવેશ થાય છે. ચીનના કસ્ટમ અધિકારીઓના જણાવ્યા અનુસાર, "ચીને વારંવાર કેનેડાને આ નિર્ણય રોકવા માટે વિનંતી કરી હતી, પરંતુ કેનેડાએ તપાસ કર્યા વિના આ વેપાર પ્રતિબંધો લાદી દીધા હતા, જેના કારણે બંને દેશો વચ્ચેના આર્થિક અને વેપાર સંબંધો પર અસર પડી છે."

 અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સમગ્ર વિશ્વમાં વેપાર યુદ્ધ ભડકાવવામાં લાગેલા છે અને આવી સ્થિતિમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા અને તેના સહયોગી દેશો વેપાર યુદ્ધમાં ઉતરશે તો તેમને જડબાતોડ જવાબ આપવામાં આવશે.

અમેરિકા, કેનેડા, ચીન અને મેક્સિકો વચ્ચે પહેલેથી જ ટ્રેડ વોર ચાલી રહ્યું છે. યુએસ અને ઈયુ દાવો કરે છે કે ચીન તેના ઉદ્યોગોને ભારે સબસિડી આપીને વૈશ્વિક વેપારમાં અયોગ્ય લીડ મેળવી રહ્યું છે. હવે ચીન-કેનેડા ટેરિફ વોર બાદ વ્યાપારી સંબંધો વધુ બગડવાની શક્યતા વધી ગઈ છે.

  .

(1:15 PM IST)