News of Saturday, 8th March 2025
ચીનના મળ્યો અમૂલ્ય ખનીજ ‘થોરિયમ’નો અધધધ ખજાનો :60,000 વર્ષ સુધી અખૂટ ઊર્જા મળી રહેશે
ચીનના ઉત્તર ભાગમાં આવેલા ‘ઈનર મોંગોલિયા’ પ્રાંતમાં આવેલા ‘બાયાન ઓબો’ ખાણ પરિસરમાંથી થોરિયમનો વિપુલ ખજાનો મળી આવ્યો

રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આણવા માટે અમેરિકા મધ્યસ્થી કરી રહ્યું છે એમાં એનો યુક્રેનના પેટાળમાં દટાયેલા દુર્લભ ખનીજો હડપી લેવાનો સ્વાર્થ છે. આ બાબતે અમેરિકાને જીદે ચઢેલું જોઈને ખ્યાલ આવે છે કે ખનીજોનું મહત્ત્વ શું છે. દરમિયાન તાજેતરમાં ચીનમાં એક એવા ખનીજનો મબલખ ભંડાર મળી આવ્યો છે જે ચીનને 60,000 વર્ષ સુધી અખૂટ ઊર્જા આપી શકે છે.
ચીનમાં જે બહુમૂલ્ય ખનીજનો અધધધ ખજાનો મળી આવ્યો છે એનું નામ છે થોરિયમ. ચીનના ભૂસ્તરશાસ્ત્રીઓએ દાવો કર્યો છે કે થોરિયમનો એટલો મોટો જથ્થો મળી આવ્યો છે કે એનાથી ચીનને 60,000 વર્ષ સુધી અખૂટ ઊર્જા મળી રહેશે
ચીનના ઉત્તર ભાગમાં આવેલા ‘ઈનર મોંગોલિયા’ (આંતરિક મોંગોલિયા) પ્રાંતમાં આવેલા ‘બાયાન ઓબો’ ખાણ પરિસરમાંથી થોરિયમનો વિપુલ ખજાનો મળી આવ્યો છે. હકીકતમાં ત્યાં લોખંડ મેળવવા માટે ખોદકામ કરાઈ રહ્યું હતું, જે દરમિયાન થોરિયમનો વિશાળ ભંડાર મળી આવ્યો હતો. આ ક્ષેત્ર આમ પણ દુર્લભ ખનીજો ધરાવતો દુનિયાનો સૌથી મોટો વિસ્તાર ગણાતું આવ્યું છે, એમાં હવે થોરિયમનો ‘થપ્પો’ થતાં એનું મહત્ત્વ ઔર વધી ગયું છે.
થોરિયમ (Thorium) એક કિરણોત્સર્ગી ધાતુ છે. ચાંદીની જેમ સફેદ ચળકાટ ધરાવતી આ ધાતુ યુરેનિયમ કરતાં 200 ગણી વધુ ઊર્જા ઉત્પન્ન કરે છે. એટલે કે જે કામ યુરેનિયમ કરે છે એ જ કામ થોરિયમનો એટલો જ જથ્થો વાપરીને 200 ગણો ફાયદો મેળવી શકાય છે.
યુરેનિયમમાંથી ઊર્જા મેળવવા માટે પરંપરાગત પરમાણુ રિએક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, પણ થોરિયમમાંથી ઊર્જા મેળવવા માટે ‘મોલ્ટેન-સોલ્ટ રિએક્ટર’ (MSR) ની જરૂર પડે છે. એની અંદર થોરિયમને લિથિયમ ફ્લોરાઈડ સાથે મિશ્રિત કરીને 1400 ડીગ્રી સેન્ટિગ્રેડના તાપમાને ગરમ કરવામાં આવે છે. આ પ્રક્રિયા થોરિયમને યુરેનિયમ-233માં પરિવર્તિત કરે છે, જે પછી વિભાજનમાંથી પસાર થઈને ઊર્જા મુક્ત કરે છે. પરંપરાગત પરમાણુ રિએક્ટરની સરખામણીમાં MSR દ્વારા થતી પ્રક્રિયામાં ઓછો કિરણોત્સર્ગી કચરો ઉત્પન્ન થાય છે.
હાલ ચીનમાં વિશ્વનું પહેલું ‘મોલ્ટેન-સોલ્ટ રિએક્ટર’ બનાવવામાં આવી રહ્યું છે. વર્ષ 2030 સુધીમાં તેનું નિર્માણકાર્ય પૂરું થઈ જવાની ધારણા છે.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
