News of Saturday, 8th March 2025
ઓડીસામાં વિચિત્ર ઘટના :રમતા રમતા બાળકના માથામાં ફસાઈ ગયું સ્ટીલનું વાસણ: ડોક્ટરોએ બચાવ્યો તેનો જીવ
ઓડિશાના સુંદરગઢ જિલ્લામાં રમતી વખતે એક બાળકનું માથું સ્ટીલના વાસણમાં ફસાઈ જતા પરિવારના સભ્યો પણ ચિંતિત થયા જોકે, ડોક્ટરોના પ્રયાસોને કારણે બાળકનો જીવ બચી ગયો

ઓડિશાના સુંદરગઢ જિલ્લામાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં રમતી વખતે 4 વર્ષના બાળકનું માથું સ્ટીલના વાસણમાં ફસાઈ ગયું. જ્યારે પરિવારના સભ્યોએ બાળકો તરફ જોયું, ત્યારે તેઓ ચોંકી ગયા અને તેમના માથા પરથી સ્ટીલના વાસણ કાઢવાનો પ્રયાસ કરવા લાગ્યા. જોકે, તેમના અથાક પ્રયાસો છતાં, તેમને સફળતા મળી નહીં. જે બાદ પરિવાર તે બાળકને હોસ્પિટલ લઈ ગયો. જ્યાં ડોક્ટરોએ કાળજીપૂર્વક વાસણ કાપીને તેનો જીવ બચાવ્યો. આ ઘટના બોનાઈ પોલીસ હદ હેઠળના જાંગલા ગામમાં બની હતી.
મળતી માહિતી મુજબ, શુભમ નામનો બાળક ઘરમાં રમી રહ્યો હતો. આ દરમિયાન તેનું માથું આકસ્મિક રીતે સ્ટીલના વાસણમાં ફસાઈ ગયું. તેના પરિવારે તેને બહાર કાઢવા માટે ઘણી પદ્ધતિઓ અજમાવી, પરંતુ વાસણનું મુખ કડક હોવાથી તેને બહાર કાઢવું અશક્ય બની ગયું. ગભરાઈ ગયેલા શુભમના માતા-પિતા તેને બોનાઈ સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં લઈ ગયા.
શરૂઆતમાં ડોકટરોએ મેન્યુઅલી વાસણ કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમના પ્રયાસો નિષ્ફળ ગયા. જ્યારે બાળકની હાલત ગંભીર બની, ત્યારે પરિવારે તેને વધુ સારવાર માટે રાઉરકેલા લઈ જવાનું વિચાર્યું. જોકે, ફરજ પરના ડોકટરોએ એક છેલ્લો પ્રયાસ કરવાનું નક્કી કર્યું. ડો. પ્રભાત રંજન સિંહે તબીબી સ્ટાફ આકાશ રાય અને વીરેન્દ્ર નાયકની મદદથી ઉકેલ શોધી કાઢ્યો.
આ પછી, કાતર અને કટરનો ઉપયોગ કરીને, તેમણે સ્ટીલના વાસણને કાળજીપૂર્વક કાપ્યું. પછી શુભમનું માથું કાઢ્યું. જેના કારણે તેનો જીવ બચી ગયો. શુભમ હવે સુરક્ષિત છે અને સ્વસ્થ થઈ રહ્યો છે
.
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
