<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

ભારતમાં ગર્ભાવસ્‍થા દરમિયાન ૨૪૦૦૦ માતાઓના મૃત્‍યુ

બેટી બચાવો...ની આ છે વાસ્‍તવિકતા : ભારતને વિશ્વ આરોગ્‍ય સંગઠનના અહેવાલમાં ડેમોક્રેટિક રિપબ્‍લિક ઓફ કોંગો અને ઇથોપિયા જેવા આફ્રિકન દેશો સાથે બ્રેકેટમાં મૂકવામાં આવ્‍યું

નવી દિલ્‍હી, તા.૧૦: કેન્‍દ્રની મોદી સરકારના બેટી બચાવો બેટી પઢાઓના નારાથી વિપરીત ભારતમાં ૨૦૨૦માં ગર્ભાવસ્‍થા દરમિયાન ૨૪૦૦૦ સગર્ભા માતાના મૃત્‍ચુ થયા હતા. જે વૈશ્વિક માતા મૃત્‍યુ દરના ૮.૩ ટકા હતા તેમ વિશ્વ આરોગ્‍ય સંગઠન (WHO)ના અહેવાલમાં જણાવાયું છે. સૌથી ખરાબ વાત એ છે કે ભારતને આ અહેવાલમાં ડેમોક્રેટિક રિપબ્‍લિક ઓફ કોંગો અને ઇથોપિયા જેવા આફ્રિકન દેશો સાથે બ્રેકેટમાં મૂકવામાં આવ્‍યું છે.

WHOના અહેવાલ મુજબ, વર્ષ ૨૦૦૦માં ૧૫ થી ૪૯ વર્ષની વય જૂથમાં ૧,૦૦૦ સ્રીઓ દીઠ સામાન્‍ય પ્રજનન દર (GFR) ૧૧૦ હતો, જે ૨૦૦૫ માં ઘટીને ૧૦૦ થયો હતો. ૨૦૧૦માં વધુ ઘટીને ૮૦ થયો અને ૨૦૧૫માં વધુ ઘટીને ૭૦ થયો અને પછી ૨૦૨૦માં ઘટીને ૬૦ થયો હતો.

WHOના અહેવાલ મુજબ, ૨૦૨૦માં સૌથી વધુ માતા મૃત્‍યુ દર ધરાવતા ત્રણ અન્‍ય દેશોમાં પણ ૧૦,૦૦૦ થી વધુ માતા મૃત્‍યુ નોંધાયા હતા. ભારતમાં ૨૪,૦૦૦ (૮.૩%), ડેમોક્રેટિક રિપબ્‍લિક ઓફ કોંગો (DRC) માં ૨૨,૦૦૦ (૭.૫%) અને ઇથોપિયામાં ૧૦,૦૦૦ (૩.૬%) માતા મૃત્‍યુ થયા હતા. નાઇજીરીયામાં માતા મૃત્‍યુની સૌથી વધુ અંદાજિત સંખ્‍યા હતી, જે ૨૦૨૦ માં અંદાજિત વૈશ્વિક માતૃત્‍વ મૃત્‍યુના એક ચતુર્થાંશ (૨૮.૫%) થી વધુ હતી.

મહારાષ્ટ્રનું ૨૦૨૫નું આર્થિક સર્વેક્ષણ ૭ માર્ચે રાજ્‍ય વિધાનસભામાં રજૂ કરવામાં આવ્‍યું હતું. તેમાં પ્રકાશિત થયેલી વિગત પ્રમાણે, ૨૦૧૧ ની વસ્‍તી ગણતરીના અંદાજો મુજબ ૧૦૦૦ પુરુષો દીઠ સ્રીઓનો તુલનાત્‍મક લિંગ ગુણોત્તર, જે ૧૯૬૧માં ૯૩૬ હતો, ૨૦૨૩-૨૪ સુધીમાં નજીવો ઘટાડો થયો છે અને ૯૨૯ થયો છે.

જોકે, આર્થિક સર્વેક્ષણમાં નોંધવામાં આવ્‍યું છે કે મહિલાઓમાં આયુષ્‍ય જે ૨૦૧૧-૧૫માં ૭૩.૯% હતું, તે ૨૦૧૬-૨૦૨૦માં વધીને ૭૪.૯% થયું હતું, તે ૨૦૨૧-૨૦૨૫માં નજીવું વધીને ૭૫.૯% થયું છે. જે ૨૦૨૬-૨૦૩૦માં વધીને ૭૬.૭% અને ૨૦૩૧-૩૫ સુધીમાં વધીને ૭૭.૫% થવાની ધારણા છે.(૨૩.૪)

(9:43 AM IST)