<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

નાના બાળકની જેમ કૂદવા લાગ્યા ૭૫ વર્ષના સુનીલ ગાવસ્કર

ટીમ ઈન્ડિયાની જીત પર ગદગદીત

દુબઈ, તા.૧૦ઃ ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે મ્હાત આપી ટ્રોફી જીતી છે. ૧૨ વર્ષ બાદ ફરી ભારતે ફરી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે, અગાઉ એમ એસ ધોનીની આગેવાનીમાં ૨૦૧૩માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી કુલ ત્રણ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચૂકી છે. ભારતીય ક્રિકેટ ટીમની જીત બાદ સ્ટેડિયમ અને સ્ટેડિયમની બહાર ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ બેટર સુનીલ ગાવસ્કરનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ટીમ ઈન્ડિયાની જીતથી સુનીલ ગાવસ્કર ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. તેઓ નાના બાળકની જેમ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. મેચ બાદ મેદાન પર કોમેન્ટ્રી કરી રહેલા ગાવસ્કર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આવો ઉત્સાહ ૭૫ વર્ષની ઉંમરે ભાગ્યે જ જોવા મળે છે.

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ આ મેચ ૪ વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી ન્યૂઝીલેન્ડની ટીમે ૭ વિકેટ ગુમાવીને ૨૫૧ રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ ૬ વિકેટ ગુમાવીને જીત હાંસલ કરી હતી. રોહિત શર્મા પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો અને તેણે ૭૬ રનની ઇનિંગ રમી હતી.

(11:02 AM IST)