<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

હવે હિન્દુ દુકાનોમાંથી શુદ્ધ મટન ખરીદો:દુકાન પર મલ્હાર સર્ટિફિકેટ પ્રદર્શિત થશે: મહારાષ્ટ્રના મંત્રીએ જાહેરાત કરી

નીતિશ રાણેએ ઝટકા માંસ સપ્લાયર્સ માટે MalharCertification.com નામનું પ્લેટફોર્મ બનાવવાની જાહેરાત કરી: જે ફક્ત હિન્દુઓ દ્વારા ચલાવવામાં આવશે.

મહારાષ્ટ્રમાં માંસના વેપારને લઈને એક નવો વિવાદ ઉભો થયો છે. મંત્રી નિતેશ રાણેએ "મલ્હાર સર્ટિફિકેશન" નામની એક નવી પહેલ શરૂ કરી છે, જે ફક્ત હિન્દુ સમુદાય દ્વારા સંચાલિત ઝટકા માંસની દુકાનોને પ્રમાણિત કરશે. રાણેએ જાહેરાત કરી કે MalharCertification.com નામનું એક ઓનલાઈન પ્લેટફોર્મ સ્થાપવામાં આવશે જ્યાં હિન્દુ વેપારીઓ નોંધણી કરાવી શકશે અને પ્રમાણપત્રો મેળવી શકશે.

તેમનો દાવો છે કે આ પ્રમાણપત્ર ગ્રાહકોને હિન્દુ વિધિઓ અનુસાર તૈયાર કરેલું શુદ્ધ, ભેળસેળ રહિત ઝટકાનું માંસ મળશે તેની ખાતરી કરશે. રાણેએ આ પગલાને "મહારાષ્ટ્રના હિન્દુ સમાજ માટે એક મહત્વપૂર્ણ પગલું" ગણાવ્યું. તેમણે હિન્દુઓને ફક્ત "મલ્હાર સર્ટિફાઇડ" દુકાનોમાંથી જ માંસ ખરીદવા વિનંતી કરી છે, અને દલીલ કરી છે કે આનાથી હિન્દુ યુવાનોને આર્થિક રીતે સશક્ત બનાવવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે આનાથી ખાતરી થશે કે માંસના વેપારમાં હિન્દુ સમુદાયનું પણ પૂરતું પ્રતિનિધિત્વ હશે.

તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કહ્યું, “આજે આપણે મહારાષ્ટ્રમાં હિન્દુ સમુદાય માટે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ પ્રસંગે, Malhar Certification.com (https://malharcertification.com) લોન્ચ કરવામાં આવ્યું છે. મલ્હાર સર્ટિફિકેશન દ્વારા, અમને અમારી હકદાર મટન દુકાનો સુધી પહોંચ મળશે અને ત્યાં 100 ટકા હિન્દુ સમુદાય હશે અને વેચનાર પણ હિન્દુ હશે. મટનમાં ક્યાંય ભેળસેળ જોવા મળશે નહીં.


મલ્હાર સર્ટિફિકેશનની સરખામણી હલાલ સર્ટિફિકેશન સાથે કરવામાં આવી રહી છે, જે પ્રમાણિત કરે છે કે માંસ ઇસ્લામિક કાયદાઓ અનુસાર તૈયાર કરવામાં આવ્યું છે. જોકે, કેટલાક લોકો કહી રહ્યા છે કે રાણેના આ પગલાથી માંસના વ્યવસાયમાં ધાર્મિક ધોરણે વિભાજન થશે. પ્લેટફોર્મની વેબસાઇટ અનુસાર, મલ્હાર પ્રમાણપત્ર ખાતરી કરશે કે માંસ હિન્દુ ખાટીક સમુદાય દ્વારા પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને તૈયાર અને વેચવામાં આવે છે. આ પહેલ કેટલી સફળ થાય છે અને તેની સામાજિક-રાજકીય અસર શું પડશે તે જોવાનું બાકી છે.

 

(9:57 PM IST)