હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૧૦ મહિનામાં સરકારે ૧.૯૫ લાખ કરોડની જીએસટી કરચોરી ઝડપી
જીએસટી ચોરીમાં થયો તોતિંગ વધારો

નવી દિલ્હી,તા.૧૧: કેન્દ્રીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના અધિકારીઓએ ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જાન્યુઆરી (૧૦ મહિનાના) સમયગાળા દરમિયાન ૨૫,૩૯૭ કેસમાં ૧.૯૫ લાખ કરોડ રૂપિયાની કરચોરી શોધી લીધી હતી, એમ સરકારે લોકસભામાં જણાવ્યું હતું. લોકસભામાં સરકાર તરફથી આપવામાં આવેલા આંકડાઓ અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્રીય અધિકારીઓ દ્વારા પકડવામાં આવેલી જીએસટી ચોરીના કુલ કેસોની સંખ્યા ૮૬,૭૧૧ છે અને કુલ જીએસટી ચોરી ૬.૭૯ લાખ કરોડ રૂપિયાથી વધુની હોવાનું જાણવા મળ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં (જાન્યુઆરી ૨૦૨૫ સુધી) કરચોરીના કુલ ૨૫,૩૯૭ કેસ નોંધાયા હતા, જેમાંથી કુલ ૧,૯૪,૯૩૮ કરોડ રૂપિયાની કરચોરી પકડાઈ હતી.
આ સમયગાળા દરમિયાન કરચોરીના કેસોમાં ૨૧,૫૨૦ કરોડ રૂપિયા સ્વેચ્છાએ જમા કરવામાં આવ્યા હતા. ચાલુ નાણાકીય વર્ષમાં આઇટીસી (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) છેતરપિંડીના કુલ ૧૩,૦૧૮ કેસ સામે આવ્યા છે જેમાં ૪૬,૪૭૨ કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. ૨,૨૧૧ કરોડ રૂપિયા સ્વેચ્છાએ જમા કરાવવામાં આવ્યા હતા. જીએસટી તપાસ શાખાના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૨.૩૦ લાખ કરોડ રૂપિયાની કરચોરીના ૨૦,૫૮૨ કેસ નોંધાયા હતા. વર્ષ ૨૦૨૨-૨૩માં ૧.૩૨ લાખ કરોડ રૂપિયા, ૨૦૨૧-૨૨ ૭૩,૨૩૮ કરોડ રૂપિયા અને ૨૦૨૦-૨૧માં ૪૯,૩૮૪ કરોડ રૂપિયાની જીએસટી ચોરીના કેસ નોંધાયા હતા. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને જીએસટીએન (ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ નેટવર્ક) એ અનુપાલન સુધારવા અને કરચોરી અટકાવવા માટે વિવિધ પગલાં લીધાં છે, જેમાં ગુપ્ત માહિતી પૂરી પાડવી, છેતરપિંડીભર્યા નોંધણીઓ અને શંકાસ્પદ ઇ-વે બિલ પ્રવળત્તિની શોધ અને ચકાસણી માટે રિટર્નની પસંદગી અને વિવિધ જોખમ પરિમાણોના આધારે ઓડિટ માટે કરદાતાઓની પસંદગીનો સમાવેશ થાય છે. ચૌધરીએ કહ્યું હતું કે, આ પગલાં મહેસૂલનું રક્ષણ કરવામાં અને કરચોરોને પકડવામાં મદદરૂપ થાય છે. ‘પ્રોજેક્ટ અનુશાન' (વિશ્લેષણ, ચકાસણી, વિસંગતતા સૂચિ) જેવા કેટલાક પગલાં પણ લેવામાં આવ્યા છે જેમાં ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ, ઈ-વે બિલ ડેટા વગેરે જેવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ્ય નકલી/છેતરપિંડીભર્યા જીએસટીઆઇએન (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આઇડેન્ટિફિકેશન નંબર) ને ઝડપથી ઓળખવાનો અને ગુપ્તચર અહેવાલો તૈયાર કરવાનો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
