<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

ઋષિ આશ્રમમાંથી મળ્‍યો મહંતનો મૃતદેહ? પાડોશી-એક મહિલા પર હત્‍યાનો આરોપ

આશ્રમમાં મહંત સાથે રહેતી'તી એક યુવતી

ફર્રુખાબાદ તા.૧૧: ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદમાંથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં એક શખ્‍સ રાઘવ ચતુર્વેદી પાંચાલ ઘાટના આશ્રમમાં સાધુ બનીને રહેતો હતો. આ આશ્રમમાં તેની સાથે એક મહિલા પણ રહેતી હતી. મહિલાનું નામ મુન્ની હતું. તે દરરોજ સવાર-સવારમાં આરતીમાં સામેલ થવા માટે મંદિરે પહોંચી જતી હતી. પણ જ્‍યારે એક દિવસ સવારે તે મંદિર ન આવી તો લોકોને ચિંતા થઈ અને જ્‍યારે અમુક સાધુ-સંત, પૂજારી રાઘવ ચતુર્વેદીને જોવા તેમના રૂમમાં પહોંચ્‍યા તો અંદરનો નજારો જોઈ ચોંકી ગયા. જે બાદ ઘટનાસ્‍થળે પોલીસ પણ આવી, સાધુની હાલત જોઈ મહિલા પોલીસે આંખો બંધ કરી દીધી.

અહીં જણાવી દઈએ કે, પૂજારી રાઘવેન્‍દ્ર ચતુર્વેદી મૈનપુરીના કુકામઈ કુરાવલીના રહેવાસી હતા. તેમની ઉંમર લગભગ ૪૫ વર્ષ હોવાનું કહેવાય છે. અમુક વર્ષ પહેલા તે ફર્રુખાબાદના પાંચાલ ઘાટ બંધા સ્‍થિત સ્‍વામી રામાનંદ સરસ્‍વતીના આશ્રમમાં પહોંચ્‍યા અને સાધુ બનીને રહેવા લાગ્‍યા. જાણકારી અનુસાર, આ આશ્રમમાં તેમના કાકા સ્‍વામી દિવ્‍યાનંદ પણ રહેતા હતા, જેનું ૨૮ ડિસેમ્‍બર ૨૦૨૪માં મોત થઈ ગયું હતું. પણ સૌ કોઈ ત્‍યારે ચોંકી ગયા, જ્‍યારે પૂજારી રાઘવેન્‍દ્રની લાશ આશ્રમના રૂમમાં પડેલી જોવા મળી. લાશની હાલત જોઈ પોલીસને પણ હોશ ઉડી ગયા.

સૂચના મળતા જ પોલીસ આવી પહોંચી અને ઘટનાસ્‍થળ પર તપાસ થઈ રહી છે. હાલમાં પોલીસે લાશનું પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, પોસ્‍ટમોર્ટમ ડો. વિજય અનુરાગીએ કર્યું છે. જોકે પોસ્‍ટમોર્ટમમાં મોત પાછળનું કારણ જાણવા મળ્‍યું નથી. કહેવાય છે કે મળતકનો એક દાંત તૂટેલો હતો અને નાક પર ઈજાના નિશાન મળ્‍યા, પણ આ બંને મોતના કારણે હોઈ શકે નહીં. તો વળી મળતક મહંત રાઘવેન્‍દ્રના પરિવારે આરોપ લગાવ્‍યો છે કે, રાઘવેન્‍દ્ર પાસે પૈસા પણ હતા, તેને તેઓ આશ્રમમાં લગાવવા માગતા હતા. ઘટનાના બે દિવસ પહેલાથી તેમના આશ્રમમાં એક મહિલા પણ ગાયબ થઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતાં સીઓ સિટી એશ્વર્યા ઉપાધ્‍યાય ત્‍યાં આવી પહોંચ્‍યા. સીઓ સિટીએ જણાવ્‍યું કે, પાંચાલ ઘાટ ઋષિ આશ્રમમાં મહંતની લાશ પડેલી મળી. મહંતની લાશ પાસે અમુક દવાઓ પણ જોવા મળી હતી. પરિવારે હત્‍યાનો આરોપ લગાવ્‍યો છે. જોકે તેમના તરફથી કોઈ લેખિત ફરિયાદ મળી નથી. ફરિયાદ મળ્‍યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે મહિલા ફરાર છે, તે કોણ હતી, એ તો મળ્‍યા બાદ જ જાણી શકાશે. હાલમાં ગાયબ મહિલાને શોધવાનું કામ ચાલુ છે.(૩૮.૧૦)

(3:14 PM IST)