હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકાના સ્ટોક માર્કેટે દોઢ માસમાં ૪.૭ લાખ કરોડ ડોલર ગુમાવ્યા
અમેરિકાના સ્ટોક માર્કેટમાં ગઈકાલે નોંધાયેલું ગાબડું ભારતના કુલ જીડીપી તથા શેરબજારની કુલ માર્કેટ કેપના ૫૦ ટકા

ન્યુયોર્ક, તા.૧૧: ટ્રમ્પના આકરા વલણોના કારણે અમેરિકામાં આ વર્ષે મંદી શરૂ થવાના સંકેતોએ વિશ્વનું ટોચનું સ્ટોક માર્કેટ કડડભૂસ થયું છે. તેણે ગઈકાલે જ ૧.૭ લાખ કરોડ ડોલર ગુમાવ્યા હતા. અમેરિકાનો ડાઉ જોન્સ ૨.૭૦ ટકા તૂટયો હતો. નાસડેકમાં પણ કડાકો નોંધાયો હતો. અમેરિકાના સ્ટોક માર્કેટમાં ગઈકાલે નોંધાયેલું ગાબડું ભારતના કુલ જીડીપી તથા શેરબજારની કુલ માર્કેટ કેપના ૫૦ ટકા છે. દેશની કુલ જીડીપી ૨૦૨૩-૨૪માં ૩.૮૯ લાખ કરોડ ડોલર હતી. જ્યારે એનએસઈ માર્કેટ કેપ ૫.૫૯ લાખ કરોડ ડોલર અને બીએસઈ માર્કેટ કેપ ૪.૫ લાખ કરોડ ડોલર છે.
અમેરિકાના શેરબજારમાં આ વર્ષે ફેબ્રુઆરીથી ચાલી રહેલી મંદીને ધ્યાનમાં લઈએ તો તેને જેટલું નુકસાન થયુ છે, તે ભારતીય શેરબજારની કુલ માર્કેટ કેપ અને દેશના જીડીપી કરતાં પણ વધુ છે. ફેબ્રુઆરીથી ગઈકાલ સુધી અમેરિકાની કુલ માર્કેટ કેપમાં ૪.૭ લાખ કરોડનું ગાબડું નોંધાયું છે. જે ભારતીય શેરબજારની કુલ માર્કેટ કેપ (૪.૫૦ લાખ કરોડ ડોલર-BSE)ના ૧૨૫ ટકા છે. દેશના જીડીપીના ગતવર્ષના સત્તાવાર આંકડાઓની તુલનાએ પણ વધુ છે.
વિશ્વની મહાસત્તા ધરાવતા અમેરિકાનો વૈશ્વિક શેરબજારની કુલ માર્કેટ કેપમાં ૫૫ ટકા હિસ્સો છે. અમેરિકાનું ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ ૩૧.૭૬ લાખ કરોડ ડોલરની માર્કેટ કેપ ધરાવે છે. જ્યારે નાસડેક ૩૦.૭૭ લાખ કરોડની માર્કેટ કેપ સાથે ટોચનું બીજુ સ્ટોક એક્સચેન્જ છે.
ભારતીય શેરબજારમાં છેલ્લા બે વર્ષથી નોંધાયેલી તેજીના લીધે ભારતનું નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) વૈશ્વિક સ્તરે પાંચમું ટોચનું એક્સચેન્જ બન્યું હતું. પરંતુ એફઆઈઆઈની સળંગ વેચવાલી અને છેલ્લા ત્રણ મહિનાથી નોંધાયેલી મંદીના કારણે એનએસઈ ૫.૫૯ લાખ કરોડ ડોલરની માર્કેટ કેપ સાથે છઠ્ઠા ક્રમે પહોંચ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦ જાન્યુઆરીએ અમેરિકાની સત્તાની કમાન સંભાળ્યા બાદ વિવિધ આકરા નિર્ણયો જાહેર કર્યા છે. જેમાં ટેરિફ વોર, અમેરિકા ફર્સ્ટ પોલિસીના લીધે ઈમિગ્રેશન નિયમોને કડક બનાવવા ઉપરાંત અમેરિકાની સરકારના ખર્ચાઓ પર કાપ મૂકવા કર્મચારીઓની છટણી અને સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા સહિતના પગલાંઓ સામેલ છે. ટ્રમ્પના આ પગલાંઓથી અમેરિકાના અર્થતંત્રમાં મંદીનું જોર વધ્યું છે. ટેરિફ વોરના લીધે વિશ્વમાં ટ્રેડ વોરની ભીતિ સર્જાઈ છે. તેમાં પણ ટ્રમ્પ ટેરિફ વોર લાગુ કરવા મુદ્દે અનિશ્ચિતતાઓ દર્શાવી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
