હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શું નેપાળ ફરીથી હિન્દુ રાષ્ટ્ર બનશે? રાજાશાહી પરત લાવવાની માંગઃ લોકો રસ્તા પર ઉતર્યા
નેપાળમાં જ્ઞાનેન્દ્ર શાહના સમર્થનમાં મોટી રેલી...હજારો લોકો રાજાશાહીની વાપસી ઇચ્છે છે લોકોએ રાજાશાહીની પુનઃસ્થાપનાની માંગ કરીઃ કિંગના સમર્થકોએ આર્થિક અસ્થિરતા અને ભ્રષ્ટાચાર માટે વર્તમાન સરકારને જવાબદાર ઠેરવી હતી

કાઠમંડુ, તા.૧૧: નેપાળની રાજધાની કાઠમંડુમાં આ રવિવારે બનેલી ઘટનાઓએ રાજકીય ઉથલપાથલ વધારી દીધી છે. નેપાળના ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહનું સ્વાગત કરવા માટે રવિવારે હજારો લોકો કાઠમંડુમાં એકઠા થયા હતા. જ્ઞાનેન્દ્ર શાહના સમર્થકોએ નેપાળમાં રાજાશાહી પુનઃસ્થાપિત કરવા અને હિન્દુ ધર્મને ફરીથી રાજ્ય ધર્મ બનાવવાની માંગ કરી છે. જ્યારે જ્ઞાનેન્દ્ર શાહ પશ્ચિમ નેપાળના પ્રવાસથી પાછા ફરી રહ્યા હતા, ત્યારે કાઠમંડુના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર લગભગ દસ હજાર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. આ દરમિયાન, ભીડે રાજા માટે મહેલ ખાલી કરો, રાજા પાછા આવો, દેશ બચાવો જેવા નારા લગાવ્યા. આપણે શું ઈચ્છીએ છીએ - રાજાશાહી અને નેપાળને હિન્દુ રાષ્ટ્ર બનાવો - આવા નારા લગાવવામાં આવ્યા.
૨૦૦૬માં ભારે વિરોધ પ્રદર્શનોને કારણે જ્ઞાનેન્દ્રએ સત્તા ગુમાવી દીધી. બે વર્ષ પછી, સંસદે રાજાશાહી નાબૂદ કરી. આ પછી નેપાળમાં રાજકીય અસ્થિરતા જોવા મળી છે. ૨૦૦૮ માં રાજાશાહીનો અંત આવ્યો ત્યારથી, નેપાળમાં ૧૩ સરકારોની રચના થઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં નેપાળની અર્થવ્યવસ્થામાં પણ ઘટાડો થયો છે. આનો ઉલ્લેખ કરીને જ્ઞાનેન્દ્ર શાહનું સ્વાગત કરવા માટે એકઠા થયેલા લોકોએ કહ્યું કે તેઓ દેશને બચાવવા માટે પરિવર્તન ઇચ્છે છે. સીએનએન સાથે વાત કરતા, ૭૨ વર્ષીય તીર બહાદુર ભંડારીએ કહ્યું, અમે નેપાળને બચાવવા અને રાજાને ફરીથી સ્થાપિત કરવા આવ્યા છીએ.
સીએનએન અનુસાર, જ્ઞાનેન્દ્ર શાહનું સ્વાગત કરવા આવેલા ૫૦ વર્ષીય કુલરાજ શ્રેષ્ઠાએ ૨૦૦૬માં રાજાશાહી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. હવે તે રસ્તા પર રાજાને ટેકો આપી રહ્યો છે. શ્રેષ્ઠાએ કહ્યું, દેશમાં સૌથી ખરાબ બાબત વ્યાપક ભ્રષ્ટાચાર છે. સત્તામાં રહેલા બધા નેતાઓ દેશ માટે કંઈ કરી રહ્યા નથી. હું રાજાશાહી દૂર કરવાના વિરોધ પ્રદર્શનોમાં સામેલ હતો. મને આશા હતી કે પરિસ્થિતિ સુધરશે પણ એવું થયું નહીં. રાજાશાહી ગયા પછી રાષ્ટ્ર વધુ નીચે ગયું છે. એટલા માટે મેં મારો વિચાર બદલી નાખ્યો છે.
જ્ઞાનેન્દ્રને મળેલા સમર્થન છતાં, તેમના સત્તામાં પાછા ફરવાની શકયતા હાલમાં ઓછી છે. તેઓ ૨૦૦૨ માં નેપાળના રાજા બન્યા અને ૨૦૦૫ સુધી કોઈપણ રાજકીય સત્તા વિના બંધારણીય રાજ્યના વડા રહ્યા. આ પછી, તેમણે સરકાર અને સંસદનું વિસર્જન કર્યું અને સંપૂર્ણ સત્તા પોતાના હાથમાં લઈ લીધી. તેમણે કટોકટીની સ્થિતિ જાહેર કરી અને દેશ પર શાસન કરવા માટે સૈન્યનો ઉપયોગ કર્યો. આ પછી, દેશભરમાં તેમની સામે ગુસ્સો જોવા મળ્યો. ઘણા લોકો હજુ સુધી આ ભૂલી શકયા નથી. આવી સ્થિતિમાં, જ્ઞાનેન્દ્ર માટે સત્તામાં પાછા ફરવાનો માર્ગ બહુ સરળ નથી.
નિષ્ણાતો માને છે કે નેપાળમાં રાજકીય પરિસ્થિતિ હજુ પણ અસ્થિર છે. આવી સ્થિતિમાં, જ્ઞાનેન્દ્ર શાહનું સ્વાગત કરવાનો કાર્યક્રમ નેપાળ માટે મહત્વપૂર્ણ છે. નેપાળના લોકોએ સ્પષ્ટપણે સંકેત આપ્યો છે કે તેઓ પરિવર્તન ઇચ્છે છે પરંતુ શું રાજાશાહીનું પુનરાગમન શકય બનશે? આ આગામી સમયમાં નક્કી કરવામાં આવશે. રાજાશાહી પરત લાવવાની માંગ પર જ્ઞાનેન્દ્ર શાહ તરફથી હજુ સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
