<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

ફેબ્રુઆરીમાં ૩.૬૧ ટકા સાથે ફુગાવો સાત માસના તળિયે

રિટેલ મોંઘવારીમાં રાહતઃદેશની ઔદ્યોગિક ગતિવિધિઓ જાન્યુઆરી, ૨૦૨૫માં વાર્ષિક ધોરણે ૫ ટકા વધી છે જે ડિસેમ્બર, ૨૦૨૪માં ૩.૨ ટકા હતી

નવી દિલ્હી, તા.૧૨

દેશમાં રિટેલ મોંઘવારીમાં રાહત મળી છે. ફેબ્રુઆરીમાં રિટેલ મોંઘવારી ૪ ટકાથી ઘટી ૩.૬૧ ટકા થઈ છે. શાકભાજી અને ફળોના ભાવમાં ઘટાડાના કારણે રિટેલ મોંઘવારીનો દર ઘટ્યો હોવાનું કેન્દ્ર સરકાર દ્વારા જારી સત્તાવાર આંકડાઓ પરથી જાણવા મળ્યું છે.

આ ઘટાડા સાથે ચાલુ નાણાકીય વર્ષમાં ત્રીજી વખત રિટેલ ફુગાવો ૪ ટકાથી ઘટ્યો છે. ફુગાવાના આંકડા અર્થશાસ્ત્રીઓના અંદાજ ૩.૮ ટકા કરતાં પણ ઘટ્યા છે.

રિટેલ ફુગાવો ફેબ્રુઆરી, ૨૦૨૫માં ૩.૬૧ ટકા સાથે સાત માસના તળિયે પહોંચ્યો છે. જે અગાઉ ઑગસ્ટમાં ૩.૬૫ ટકા નોંધાયો હતો. ત્યારબાદ સતત ૪થી ૬ ટકાની રેન્જમાં રહ્યો હતો. ગતમહિને જાન્યુઆરીમાં રિટેલ ફુગાવો ૪.૩૧ ટકા રહ્યો હતો. શાકભાજી, ફળો, પ્રોટીનયુક્ત પદાર્થોના ભાવમાં ઘટાડાના પગલે રિટેલ મોંઘવારી ઘટી છે.

આરબીઆઇને રિટેલ ફુગાવો ૪ ટકા(+/- ૨%)ના દરે જાળવી રાખવાની જવાબદારી સોંપાઈ હતી. જે સફળતાપૂર્વક નિભાવવામાં આવી છે. લગભગ છેલ્લા એક વર્ષથી ફુગાવો આ દરે જળવાઈ રહ્યો છે. જેથી આરબીઆઇ નવ માર્ચે યોજાનારી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરોમાં ઘટાડો કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. અગાઉ ગત મહિને આરબીઆઇએ રેપો રેટમાં ૨૫ બેઝિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. તે પહેલાં આરબીઆઇએ ૨૦૨૨થી ફેબ્રુઆરી, ૨૦૨૩ સુધી વ્યાજના દરો ૨.૫૦ ટકા વધાર્યા હતા.

દેશની ઔદ્યોગિક ગતિવિધિઓ જાન્યુઆરી, ૨૦૨૫માં વાર્ષિક ધોરણે ૫ ટકા વધી છે. જે ડિસેમ્બર, ૨૦૨૪માં ૩.૨ ટકા હતી. આઈઆઈપી જાન્યુઆરીમાં ૫ ટકા સુધી વધ્યો છે. જેમાં માઈનિંગ ઉત્પાદન ૪.૪ ટકા, મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓ ૫.૫ ટકા અને વીજ ઉત્પાદન ૨.૪ ટકા વધ્યું છે.

શાકભાજી, ફળો, કઠોળ, ડેરી પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો નોંધાતા ખાદ્ય ચીજોનો ફુગાવો ફેબ્રુઆરીમાં ઘટી ૩.૭૫ ટકા થયો છે. જે અગાઉ જાન્યુઆરીમાં ૫.૯૭ ટકા હતો. ગ્રામીણ ક્ષેત્રમાં ખાદ્ય ચીજોનો ફુગાવો ૪.૦૬ ટકા નોંધાયો છે. જે શહેરમાં ૩.૨૦ ટકા હતો. એકંદરે ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારી જાન્યુઆરીમાં ૪.૫૯ ટકાથી ઘટી ફેબ્રુઆરીમાં ૩.૭૯ ટકા થઈ છે. જ્યારે શહેરી વિસ્તારોમાં મોંઘવારી ૩.૮૭ ટકાથી ઘટી ૩.૩૨ ટકા નોંધાઈ છે.

(10:36 PM IST)