News of Thursday, 13th March 2025
૪૦ કરોડ લોકો 'લોન્ગ ટર્મ કોવિડ'ની 'આફ્ટર ઇફેકટ'થી પ્રભાવિત
લોંગ ટર્મ કોવિડથી લીવર, ફેફસાં, કેન્સર, સાંધા, યાદશકિત અને હૃદય સંબંધી બીમારીઓમાં વધારો : મેડિટેશન, વોકિંગ એન્ડ લાફિંગને લાઇફનો હિસ્સો બનાવો : ડો. કશ્યપ લોન્ગ ટર્મ કોવિડની આફ્ટર ઇફેકટવાળા દર્દીઓમાં એક સાથે બેથી ત્રણ પ્રકારના કેન્સર થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે

નવી દિલ્હી, તા.૧૩ : કોવિડ–૧૯ને પાંચ વર્ષ લાંબો સમય થઇ ગયો છે, ત્યારે વિશ્વના તબીબી નિષ્ણાંતોએ એક નવી ચિંતા વ્યકત કરતાં જણાવ્યું છે કે દુનિયાના ૪૦ કરોડ લોકો 'લોન્ગ ટર્મ કોવિડ'થી પીડાતા હોઇ શકે. એટલે કે આ દર્દીઓને કોવિડની લાંબા ગાળાની 'આફ્ટર ઇફેકટ' જોવા મળી શકે છે. જેમાં લીવર પર સોજો, ફેફસા પર સોજો, સડન કાર્ડિયાક એરેસ્ટ, રેર કેન્સર, સાંધાની તકલીફો, મેમરી લોસ જેવા જટિલ રોગો દર્દીઓમાં જોવા મળી શકે છે.
આવા દર્દીઓને લાંબા ગાળાના કોઇ પણ સંકેતો દેખાય તો તેમણે તાકીદે તબીબી સલાહ લઇને સારવાર કરાવવી જોઇએ એવો મત અમેરિકાના કેન્સર કેર એન્ડ હેલ્થ પોલિસી ક્ષેત્રે કાર્યરત અને ઓક્નોલોજીના નિષ્ણાંત ડો. કશ્યપ પટેલે તાજેતરમાં જાહેર થયેલા એક રિસર્ચના આધારે વ્યકત કર્યો હતો. ડો. કશ્યપ પટેલે તાજેતરના 'લોન્ગ ટર્મ કોવિડ'ના શોધ–સંશોધન અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે,'લોન્ગ ટર્મ કોવિડ એટલે કે કોવિડની લાંબા ગાળાની આફ્ટર ઇફેકટ દુનિયાના પાંચથી છ ટકા એટલે ૪૦ કરોડ લોકોમાં જોવા મળી શકે છે. અમારા રિસર્ચમાં એવા ચોંકાવનારા તારણો સામે આવ્યા છે કે જે દર્દીઓને કોરોના કાળમાં કોરોના થયો હતો, તેઓ આટલા વર્ષો બાદ પણ એક અથવા તો બીજા જટિલ રોગોની ચપેટમાં છે. જેમાં લીવર પર સોજો, ફેફસા પર સોજો, રેર કેન્સર, જોઇન્ટ પ્રોબ્લેમ અને મેમરી લોસ અને સડન કાર્ડિયાક એરેસ્ટનું પ્રમાણ દર્દીઓમાં વધુ જોવા મળે છે.'
તેમણે જણાવ્યું હતું કે,'લોન્ગ ટર્મ કોરોનાના દર્દીઓમાં કેન્સરના પ્રમાણમાં ૩૦ ટકાનો વધારો થયો છે. યુવાનોને પણ કેન્સર થવાનું જોવા મળ્યું છે. એટલું જ નહીં કેન્સરની વધવાની સ્પીડ આવા દર્દીઓમાં વધુ જોવા મળે છે. ૧૭૫ દર્દીઓ એવા સામે આવ્યા કે તેમને એકસાથે બેથી ત્રણ પ્રકારના કેન્સર થયા હોય.'
સમગ્ર વિશ્વમાં લોન્ગ ટર્મ કોવિડની આફ્ટર ઇફેકટ ચિંતાનો વિષય બની હોવાનું ડો. કશ્યપે જણાવતાં કહયું હતું કે,'દુનિયામાં હાલ જાહેર સ્વાસ્થ્યની ચિંતામાં નોંધપાત્ર વધારો થયો છે. લોકોને એકાએક હાર્ટ એટેક આવવાની ઘટનાઓ વધી છે. લોકો ડિપ્રેશનમાં જઇ આપઘાત પણ કરી રહ્રયા છે. મુડ સ્વિંગ્સ થઇ જવા તો સાવ સામાન્ય બાબત બની ગઇ છે. તેથી જો કોઇ પણ વ્યકિતને ત્રણ મહિનાથી વધુ કોઇ પણ રોગના સામાન્ય લક્ષણ પણ દેખાય તો એણે તબીબનો સંપર્ક કરી સારવાર કરાવવી જોઇએ. આવા દર્દીઓની સારવાર માટે લો ડોઝ સ્ટિરોઇડ અપાય છે. તે ઉપરાંત ભારતમાં તો ઘરગથ્થુ ઉપાયો જેમ કે હળદર અને અશ્વગંધાનો ઉપયોગ કરવો જોઇએ. લોકોએ લાઇફ સ્ટાઇલ બદલવી જોઇએ. માનસિક તણાવ અને સોશિયલ મીડિયાથી દૂર રહીને ફેમિલી સાથે હસતા–બોલતા સમય વિતાવવો જોઇએ. સાદો પોષ્ટિક ખોરાક લેવો જોઇએ અને એથી પણ વધુ કે મેડિટેશન, વોકિંગ એન્ડ લાફિંગને લાઇફનો હિસ્સો બનાવવો જોઇએ.'
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
