News of Friday, 14th March 2025
રાજધાની દિલ્હી NCR ના ઘણા જિલ્લાઓમાં અચાનક હવામાન પલટાતા હળવો વરસાદ ખાબકયો
રાજસ્થાનના ઘણા રાજ્યોમાં વરસાદ સંભાવનાઃ કાશ્મીરમાં હિમવર્ષા અને વરસાદને કારણે ઠંડીનું મોજું ફરી વળ્યું: બરફવર્ષા અને વરસાદની આગાહી કરવામાં આવી : ગુલમર્ગમાં વહેલી સવારે બરફવર્ષા શરૂ થઈ ગઈ: પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાના અહેવાલ મળી રહ્યા છે

નવી દિલ્હીઃ ગત સાંજે ઉત્તર પ્રદેશ અને રાજધાની દિલ્હી NCR ના ઘણા જિલ્લાઓમાં અચાનક હવામાન બદલાયું અને હળવો વરસાદ પડ્યો. વરસાદ પછી, જોરદાર પવન ફૂંકાવા લાગ્યો અને હવામાન ઠંડુ થઈ ગયું. વરસાદ સાથે કરા પડવાથી હવામાન ખુશનુમા બન્યું. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી.
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શુક્રવારે દિલ્હી-NCR માં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની અને હળવો વરસાદ કે ઝરમર વરસાદ પડવાની શક્યતા છે. આ કારણે હોળીના દિવસે લોકોને હળવા વરસાદનો સામનો કરવો પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, જ્યારે દિલ્હી, યુપી, બિહાર, રાજસ્થાન સહિત કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના છે. આ સાથે રાજસ્થાનના જયપુર અને બિકાનેરમાં ભારે વરસાદની શક્યતા છે.
છેલ્લા ત્રણ દિવસથી કાશ્મીરના ઊંચા પર્વતીય વિસ્તારોમાં સતત હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ડઝનબંધ કનેક્ટિંગ રોડ બંધ કરી દેવામાં આવ્યા છે. અનંતનાગના પહેલગામમાં ભૂસ્ખલનમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. ગુરેઝમાં ભારે હિમવર્ષા અને હિમપ્રપાતના ભયને કારણે, વહીવટીતંત્રે 15 માર્ચ સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ગુલમર્ગ રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું.
હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદની આગાહી કરી છે. મુસાફરો, પ્રવાસીઓ અને ટ્રાન્સપોર્ટરોને મુસાફરી કરતા પહેલા સલાહ લેવા કહેવામાં આવ્યું છે. બીજી તરફ, જમ્મુ વિભાગમાં મહત્તમ તાપમાનમાં વધારાને કારણે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. પશ્ચિમી વિક્ષોભની અસરને કારણે, સોમવારથી કાશ્મીરમાં હવામાન બદલાયું છે.
ગુરુવારે પણ, ખીણના ઊંચા પર્વતીય વિસ્તારો જેમ કે સાધના ટોપ, ગુરેઝ, રાજદાન ટોપ, સોનમર્ગ, યુસમાર્ગ, તંગદાર અને અન્ય ઊંચા પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા થઈ હતી. શ્રીનગરમાં પણ બુધવારે મધ્યરાત્રિથી વરસાદ શરૂ થયો હતો જે હજુ પણ સમયાંતરે ચાલુ છે. ગુલમર્ગમાં પણ વહેલી સવારે બરફવર્ષા શરૂ થઈ હતી અને સમયાંતરે ચાલુ રહી.
ગુલમર્ગ, અફરવત, સનશાઇન પીક, બુટાપાથરી અને અન્ય ટેકરીઓના ઉપરના ભાગોમાં ભારે હિમવર્ષાના અહેવાલ છે. ગુરેઝમાં પણ બરફવર્ષા થઈ હતી. અહીં પહેલેથી જ બરફવર્ષા થઈ રહી છે, તેથી આ વિસ્તાર બે થી અઢી ફૂટ બરફની ચાદરથી ઢંકાયેલો છે. ગુરેઝ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) મુખ્તાર અહેમદ અહંગરે 13 થી 15 માર્ચ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
