News of Friday, 14th March 2025
બેંક કર્મચારીઓ 2 દિવસની દેશવ્યાપી હડતાળ પર ઉતરશે : જાણો લેજો તારીખ નહિતર ધક્કો થશે !
યુનિયન ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)એ બે દિવસની હડતાળની જાહેરાત કરી :ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) સાથેની વાતચીત અનિર્ણિત રહ્યા બાદ આ નિર્ણય લેવાયો

નવી દિલ્હીઃ બેંક કર્મચારીઓ બે દિવસની હડતાળ પર ઉતરશે. યુનિયન ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)એ 24 અને 25 માર્ચે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) સાથેની વાતચીત અનિર્ણિત રહ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં 5-દિવસનું કાર્ય સપ્તાહ, તમામ પોસ્ટ પર ભરતી અને પબ્લિક સેક્ટરની બેંકોમાં કર્મચારીઓ અને ઓફિસર ડાયરેક્ટરની ખાલી જગ્યાઓ ભરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નાણા મંત્રાલયના તાજેતરના નિર્દેશને પાછો ખેંચવાની પણ માંગ કરવામાં આવી છે. જેના કારણે કર્મચારીઓની નોકરી પર ખતરો મંડરાઈ રહ્યો છે.
UFBU એ 9 બેંક કર્મચારી યુનિયનોનું જૂથ છે. તેમાં ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC), નેશનલ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોઈઝ (NCBE) અને ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) જેવા મુખ્ય યુનિયનો સામેલ છે. આ તમામ યુનિયનો મળીને 24 અને 25 માર્ચે બે દિવસની હડતાળ પર ઉતરવાના છે.
બેંક કર્મચારીઓની અનેક માંગણીઓ છે. સૌથી મહત્વની માંગ 5-દિવસના કાર્ય સપ્તાહની (સપ્તાહમાં 5 દિવસ કામ) છે. આ ઉપરાંત તમામ કેડરમાં ભરતી અને પબ્લિક સેક્ટરની બેંકોમાં વર્કમેન અને ઓફિસર ડાયરેક્ટરની ખાલી જગ્યાઓ ભરવાની પણ માંગ છે. NCBEના જનરલ સેક્રેટરી એલ. ચંદ્રશેખરે કહ્યું કે, IBA સાથે અનેક રાઉન્ડમાં વાતચીત કરાયા છતાં મુખ્ય મુદ્દાઓ ઉકેલાયા નથી.
યુનિયન ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) નાણા મંત્રાલયના નાણાકીય સેવા વિભાગના તાજેતરના નિર્દેશને પરત ખેંચવાની પણ માંગ કરી રહ્યું છે. આ નિર્દેશ પર્ફોર્મન્સ રિવ્યૂ અને પર્ફોર્મન્સ સાથે જોડાયેલા પ્રોત્સાહ સાથે સંબંધિત છે. યુનિયનનો દાવો છે કે, આવા ઉપાયોથી બેંક કર્મચારીઓની નોકરીની સુરક્ષાનો ખતરો છે. યુનિયન નાણાકીય સેવા વિભાગ દ્વારા જાહેર ક્ષેત્રની બેંકોના 'માઈક્રો-મેનેજમેન્ટ' સામે પણ વિરોધ કરી રહ્યું છે. તેનો આરોપ છે કે વિભાગની દખલગીરી બેંક બોર્ડની સ્વાયત્તતાને નબળી પાડે છે.
(11:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
