News of Saturday, 15th March 2025
રાજકોટના એટલાન્ટીસ બિલ્ડીંગમાં ભિષણ આગ : કાકા-ભત્રીજા સહિત ત્રણ યુવાનના મોતઃ બે ડિલીવરીબોય હતાં
રાજકોટના ૧૫૦ ફુટ રીંગ રોડ પર બીગ બાઝાર સામે આવેલા બિલ્ડીંગમાં ધુળેટીની સવારે ભભુકેલી આગથી નાસભાગઃ દસમા માળે ફસાયેલા લોકોને ફાયર બ્રિગેડે રેસ્કયુ કર્યાઃ ત્રણ મૃતકોમાં બે મુળ ઉનાના પસવાડાના કલ્પેશ લેવા (ઉ.વ.૨૯) અને તેના ભત્રીજા મયુર લેવા (ઉ.વ.૧૯) તથા ત્રીજો રાજકોટના અજય મકવાણા (ઉ.વ.૩૧)નો સમાવેશઃ ઘરકામ કરતી ૧૫ વર્ષની કવિતા નેપાળી ભાભીને બોલાવવા આવી ને દાઝી : ડી-વિંગ છઠ્ઠા માળે ફલેટ નં. ૫૦૩-૫૦૪ પાસે લોબીમાં એલીવેશન-ફર્નિચરનું કામ ચાલુ હતું પરંતુ ધુળેટીએ કારીગરોએ રજા રાખી હતીઃ બહાર પીઓપી વગેરેનો સામાન પડયો હોય કદાચ તેનાથી આગ વધુ પ્રસરી હોવાની શક્યતાઃ વિજપ્રવાહનો લોડ વધી જતાં શોર્ટ સરકિટ થયાનું પ્રાથમિક તારણઃ બ્લીંકીટનો ડિલીવરીબોય કલ્પેશ એલ્યુમિનીયમ ફોઇલ ડિલીવરી કરવા ૧૦મા માળે ગયો'તો તેનો ભત્રીજો મયુર સાથે ગયો અને મોત મળ્યું: જ્યારે સ્વીગીનો ડિલીવરી બોય અજય મકવાણા આઠમા માળે ફૂડ ડિલીવરી કરવા ગયો હતોઃ આગ ભભૂકતા ત્રણેય નીચે ઉતરતી વખતે લપેટમાં આવી ગયાની, કાચવાળુ બિલ્ડીંગ હોઇ ધૂમાડાથી ગુંગળામણ થયાની પણ શક્યતા : શહેરમાં એક તરફ રંગોના પર્વની ઉજવણી, બીજી તરફ આગની ઘટનામાં ત્રણ જીવ હોમાઇ જતાં કાળો કલ્પાંતઃ પરિવારોની તહેવારની ખુશી શોકમાં પરિણમી એફએસએલ અને પીજીવીસીએલની ટીમને સાથે રાખી ઘટના સ્થળે તપાસ કરાઇઃ શોર્ટ સરકિટને કારણે આગ લાગ્યાનું તારણઃ ડીસીપી જગદીશ બાંગરવા

જીવલેણ આગઃ તસ્વીરમાં એટલાન્ટીસ એપાર્ટમેન્ટની આગમાં મોતને ભેટેલા મુળ ઉના પસવાડાના કલ્પેશ લેવા, તેના ભત્રીજા મયુર લેવાના મૃતદેહો (ઉપર પ્રથમ બે તસ્વીર), રાજકોટના અજય મકવાણાનો મૃતદેહ (ત્રીજી તસ્વીર) તથા કલ્પેશ, મયુર અને અજયના ફાઇલ ફોટો જોઇ શકાય છે. નીચેની તસ્વીરમાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી સજ્જનસિંહ પરમાર, કલેકટર પ્રભવ જોષી, એસીપી ભરત બસીયા, એસીપી રાધિકા ભારાઇ, પીઆઇ વી.આર. વસાવા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ જાઇ શકાય છે. નીચે સોૈથી છેલ્લી તસ્વીર આગમાં બચી ગયેલી નેપાળી બાળા કવિતા દોરજીની છે. (ફોટોઃ અશોક બગથરીયા) : આગ ત્રણ જીવ ભરખી ગઇ : શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર બીગ બાઝાર સામે એટલાન્ટીસ એપાર્ટમેન્ટમાં ધુળેટીના દિવસે લાગેલી આગમાં ઉનાના પસવાડાના કાકા-ભત્રીજા અને રાજકોટના યુવાન મળી ત્રણના અરેરાટીભર્યા મોત થયા હતાં. અગા જ્યાં ભભૂકી હતી તે એપાર્ટમેન્ટ, ઘટના સ્થળે પહોંચેલા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, મ્યુ. કમિશનર તુષાર સુમેરા, કલેક્ટર પ્રભવ જોશી, નીચેની તસ્વીરમાં રહેવાસીઓ, ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, દંડક મનિષ રાડીયા, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, કોર્પોરેટર અશ્વિન પાંભર, રહેવાસી ડો. પ્રફુલ કામાણી, ડો. જયેશ ડોબરીયા, અતુલ શેઠ, ભાવેશ પટેલ સહિતના બિલ્ડરો તેમજ ફાયર બ્રિગેડનો સ્ટાફ આગના દ્રશ્યો જોઇ શકાય છે. ફાયર બ્રિગેડની ટીમોએ દસમા માળે ફસાયેલા જે. પી. જ્વેલર્સ પરિવારના છ સભ્યોને રેસ્કયુ કરી હેમખેમ બહાર કાઢયા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૧૫: શહેરમાં વધુ એક વખત આગની ઘટના ત્રણ લોકોના જીવ લઇ ગઇ છે. ૧૫૦ ફુટ રીંગ રોડ પર બીગ બાઝાર સામે આવેલા ૧૨ માળના એટલાન્ટીસ બિલ્ડીંગના છઠ્ઠા માળે બે ફલેટ વચ્ચેની લોબીમાં શોર્ટ સરકિટને કારણે ધુળેટીની બપોરે આગ ભભૂકી ઉઠતાં અને જોતજોતામાં આગળ આગળ પ્રસરી જતાં ઉપરના આઠમા અને દસમા માળેથી નીચે ઉતરી રહેલા હાલ રાજકોટ રહેતાં મુળ ઉનાના પસવાડાના ડિલીવરીબોય યુવાન, તેનો ભત્રીજો અને અન્ય એક ફૂડ ડિલીવર કંપનીનો ડિલીવરીબોય યુવાન આગની લપેટમાં આવી જતાં અને ધૂમાડાને કારણે ગુંગળાઇ જતાં ત્રણેયના કમકમાટી ભર્યા મોત થયા હતાં. જ્યારે ઘરકામ કરતી ૧૫ વર્ષની નેપાળી બાળા ભાભીને બોલાવવા આવી હોઇ તેને પણ ગુંગળામણ થતાં અને સ્હેજ દાઝી જતાં સારવાર માટે ખસેડાઇ હતી. હતભાગી મૃતકોના પરિવારજનોમાં રંગોનું પર્વ ધુળેટી ખુશીના રંગોને બદલે શોકનો સમંદર છલકાવી ગયું હતું.
અરેરાટીભરી આ ઘટનાની પ્રાપ્ત માહિતી ધુળેટીની સવારે મુજબ ૧૫૦ ફુટ રીંગ રોડ પર બીગ બાઝાર સામે એટલાન્ટીસ બિલ્ડીંગના ડી-વીંગમાં છઠ્ઠા માળે આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો ચાર ફાયર ફાઇટર, હાઇડ્રોલીક પ્લેટફોર્મ સહિતની સાથે પહોંચી જઇ આગ બુઝાવી હતી. બે ફલેટની વચ્ચેની જગ્યામાંથી સંભવતઃ શોર્ટ સરકિટને કારણે ભભૂકેલી આગ બાદમાં બંને તરફના ફલેટ નં. ૫૦૪ અને ૫૦૪માં ફેલાઇ ગઇ હતી. ફાયર બ્રિગેડના પચાસથી વધુના સ્ટાફે ફલેટમાં હાજર ૩૫થી વધુ રહેવાસીઓને રેસ્કયુ કર્યા હતાં. પાંચ લોકો જેમાં બે બાળકો, મહિલાઓ દસમા માળે ફસાયા હોઇ તેને કાચ તોડી હાઇડ્રોલીક પ્લેટફોર્મની મદદથી રેસ્કયુ કરી બચાવી લેવાયા હતાં.
જ્યારે પાંચ લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં એકને નજીવી ગુંગળામણ હોઇ પ્રાથમિક સારવાર બાદ રજા અપાઇ હતી. જ્યારે નાના મવા સર્કલ પાસે રહેતી કવિતા શેરસીંગ દોરજી (ઉ.વ.૧૫) સ્હેજ હાથના ભાગે દાઝી ગઇ હોઇ અને ધૂમાડાથી ગુંગળામણ થઇ હોઇ સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.
જ્યારે ત્રણ યુવાનને તબિબે મૃત જાહેર કર્યા હતાં. હોસ્પિટલ ચોકીના આસી. સબ ઇન્સ. રામશીભાઇ વરૂ, ચંદ્રસિંહ, ધર્મેન્દ્રભાઇ, ભાવેશભાઇ સહિતે જાણ કરતાં માલવીયાનગરના પીએસઆઇ વી.આર. ઝાલા સહિતનાએ હોસ્પિટલે પહોંચી મૃતકોની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, કલેક્ટર પ્રભવ જોષી, ડીસીપી સજ્જનસિંહ પરમાર, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયા, ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ.આર. ગોંડલીયા, માલવીયાનગર પીઆઇ જીજ્ઞેશ દેસાઇ, પ્ર.નગર પીઆઇ વી.આર. વસાવા, એસીપી રાધિકા ભારાઇ, એસીપી ટ્રાફિક જે. બી. ગઢવી, પીએસઆઇ, એએસઆઇ, રાઇટરો સહિતના હોસ્પિટલે પહોંચ્યા હતાં. તેઓ ઘટના સ્થળે પણ ગયા હતાં.
ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે ત્યાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, મ્યુ. કમિશનર તુષાર સુમેરા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, દંડક મનિષ રાડીયા, ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, કોર્પોરેટર અશ્વીન પાંભર, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, ફાયર ચેરમેન દિલીપભાઇ લુણાગરીયા સહિતના ત્યાં હાજર હતાં. ફાયર બ્રિગેડની ટીમોએ આગને કાબુમાં લઇ લીધી હતી પરંતુ આ આગ ત્રણ જિંદગીને ખતમ કરી ગઇ હતી.
પોલીસે મૃતકોની ઓળખ મેળવતા મૃતકોના નામ કલ્પેશ પીઠાભાઈ લેવા-ઠાકોર કોળી (ઉ.વ.૨૯, રહે. મુળ રામ મંદિર રોડ, પસવાડા ઉના તાલુકો ગીર સોમનાથ, હાલ રહે. હાલ હાઉસીંગ બોર્ડ ક્વાર્ટર નિલકંઠ મહાદેવ મંદિર પાસે કાલાવડ રોડ), તેનો કુટુંબી ભત્રીજો મયુર વિનુભાઈ લેવા (ઉ.વ.૧૯-રહે. મુળ પસવાડા તા. ઉના, હાલ રાજકોટ મવડી ગામમાં રૂમ રાખીને) તથા ત્રીજો મૃતક અજય ખીમજીભાઇ મકવાણા (ઉ.વ.૩૧- રહે.બ્લોક નં. ૩૦૪, વીરસાવરકર નગર આવાસ યોજના ક્વાર્ટર) હોવાનું ખુલ્યું હતું.
વધુ વિગત મુજબ કલ્પેશ લેવા ઓનલાઇન ઓર્ડર ડિલીવર કરતી કંપની બ્લીંકીટમાં ડિલીવરીબોય (રાઇડર) તરીકે નોકરી કરતો હતો. તે બે ભાઇ અને બે બહેનમાં સોૈથી નાનો અને પરિવારનો આધારસ્તંભ હતો. જ્યારે તેની સાથે મૃત્યુ પામનાર મયુર લેવા તેનો ભત્રીજો થતો હતો. મયુર રાજકોટ રહી કોલેજમાં અભ્યાસ કરતો હતો. તેને ધુળેટીની રજા હોઇ કાકા કલ્પેશ લેવા સાથે એટલાન્ટીસ બિલ્ડીંગમાં ડિલીવરી આપવા સાથે ગયો હતો. આ બંને સવારે ૧૦:૧૦ વાગ્યે બ્લીંકીટના સ્ટોર પરથી એલ્યુમિનિયમ ફોઈલ ૭૨ મીટર કિંમત રૂપિયા ૪૬૪ની લઈ ડિલિવરી માટે ગયા હતા. આ ઓર્ડર દસમા માળનો હતો. મયુર ત્રણ ભાઇમાં મોટો અને પરિવારનો આશાસ્પદ દિકરો હતો.
જ્યારે ત્રીજો મૃતક અજય મકવાણા સ્વીગીમાં ડિલીવરીબોય તરીકે નોકરી કરતો હતો. તે બે ભાઇમાં નાનો હતો. સંતાનમાં બે વર્ષની દિકરી છે. તે આઠમા માળે ફૂડ ડિલીવર કરવા ગયો હતો અને આગનો ભોગ બન્યો હતો. આમ કાકા-ભત્રીજા સહિત ત્રણના મોત થયા હતાં. જેમાં બે ડિલીવરીબોય હતાં. ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે આ ઘટના એટલાન્ટીસ બિલ્ડીંગના પાંચમા-છઠ્ઠા માળે બની હતી. જેમાં ફલેટ વચ્ચેની જગ્યામાં શોર્ટ સરકિટ થવાથી આગ ભભૂકી ઉઠયાનું તારણ છે. એફએસએલ અને પીજીવીસીએલની મદદથી તપાસ કરવામાં આવી હતી. છઠ્ઠા માળે ફલેટનું ફર્નિચર, પીઓપીનું કામ ચાલુ હતું પરંતુ ધુળેટીની રજા હોવાથી કોઇ કારીગર આવ્યા નહોતાં. આગ ભભૂકી અને ઉપરની તરફ આગળ વધી ત્યારે બે ડિલીવરીબોય સહિત ત્રણ નીચે ઉતરતી વખતે કદાચ આગમાં, ધુમાડામાં લપેટમાં આવી ગયા હતાં. આગ લાગી ત્યાં કોઇ કામ ચાલુ નહોતું તેવી વિગતો મળી છે. માલવીયાનગર પોલીસમાં આકસ્મિક મૃત્યુની નોંધ કરી આગળની તપાસ યથાવત રાખવામાં આવી છે.
બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતાં. ફાયર બ્રિગેડની ટીમે રેસ્કયુ કરીને પાંત્રીસેક લોકોને હેમખેમ બહાર કાઢી લીધા હતાં. આ બિલ્ડીંગમાં ખ્યાતનામ ઉદ્યોગપતિઓ, જ્વેલર્સ શો રૂમના માલિકો તેમના પરિવારો સાથે રહે છે. છઠ્ઠા માળે એક ફલેટનું ફર્નિચરનું કામ ચાલી રહ્યું છે, જો કે આ કામ ધુળેટીને કારણે કારીગરો આવ્યા ન હોઇ એક દિવસ પુરતુ બંધ હતું. ત્યાં બહારના ભાગે જ શોર્ટ સરકિટથી આગ ભભુકી હતી બાદમાં નજીકમાં પીઓપીને લગતો, ફર્નિચરને લગતો સામાન કદાચ પડયો હોઇ તેના કારણે આગ વધી ગયાની શક્યતા છે. (૧૪.૧૩)

બચી ગયેલી કવિતાએ કહ્યું-ભાભીને બોલાવવા ગઇ હતી, અચાનક ધૂમાડા અને
આગની જ્વાળા આવતાં નીચે ભાગી
ઞ્જઆગની ઘટનામાં બચી ગયેલી બાળા કવિતા શેરસિંગ દોરજી-નેપાળી (ઉ.વ.૧૫)ને સારવાર માટે દાખલ કરાઇ હતી. તે હાથમાં સ્હેજ દાઝી હતી અને ધૂમાડાને કારણે ગુંગળામણ થઇ હતી. તેણીના પિતા હયાત નથી. માતા, બહેનો, ભાઇ સાથે નાના મવા સર્કલ પાસે રહે છે. તેના ભાભી અનુષ્કા સમીર દોરજી એટલાન્ટીસ બિલ્ડીંગમાં હાઉસ કીપીંગનું કામ કરે છે. પોતે ભાભીને બોલાવવા માટે ગઇ હતી ત્યારે જ છઠ્ઠા માળે આગ લાગી હતી. જ્વાળા પોતાની તરફ આવતાં સ્હેજ દાઝી ગઇ હતી અને લિફટ તરફ ભાગી હતી. પણ લિફટ બંધ થઇ જતાં દાદરા ઉતરીને નીચેની તરફ ભાગી હતી.
કોલેજમાં ભણતાં ભત્રીજા મયુર સાથે કાળનો કોળીયો બનેલા કાકા કલ્પેશ લેવા બ્લીંકીટના રાઇડર તરીકે નોકરી કરતાં હતાં: એક મહિના પહેલા જ લગ્ન થયા હતાં
કલ્પેશ બે ભાઇ, બે બહેનમાં નાનો હતોઃ પિતા ખેતમજૂરી કરે છેઃ મયુર ત્રણ ભાઇમાં મોટો હતો અને રાજકોટ રહી કોલેજમાં ભણતો હતોઃ રજા હોવાથી કાકા સાથે ડિલીવરી કરવા ગયો અને મોત ભેટી ગયું: મુળ ઉના પસવાડાના પરિવારજનોમાં શોકની કાલીમા
રાજકોટઃ એટલાન્ટીસ એપાર્ટમેન્ટમાં ભભૂકેલી આગમાં ઉનાના પસવાડાના કલ્પેશ પીઠાભાઇ લેવા (ઉ.વ.૨૯) અને તેના ભત્રીજા મયુર વીનુભાઇ લેવા (ઉ.વ.૧૯) ભડથું થઇ ગયા હતાં. આ બંને કાકા-ભત્રીજા હાલમાં રાજકોટ અલગ અલગ વિસ્તારમાં રહેતાં હતાં. કલ્પેશ લેવા બ્લીંકીટ કંપનીમાં રાઇડર (ડિલીવરીમેન) તરીકે નોકરી કરતો હતો. તે બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો અને પરિવારનો આધાર હતો. તેના પિતાનું નામ પીઠાભાઇ કરસનભાઇ લેવા છે જે ખેતી કરી ગુજરાન ચલાવે છે. માતાનું નામ સાજીબેન છે. કરૂણતા એ છે કે કલ્પેશના લગ્ન હજુ એક મહિના પહેલા જ તા. ૩/૨ના રોજ થયા હતાં. તેના પત્નિનું નામ જલ્પા છે. જેના હાથમાંથી હજુ તો સુહાગણની મહેંદી પણ સુકાઇ નથી ત્યાં તેણીનો ચુડી ચાંદલો નંદવાઇ જતાં કાળો કલ્પાંત સર્જાયો હતો.કલ્પેશ લેવા સાથે મૃત્યુ પામનાર તેનો ભત્રીજો મયુર ત્રણ ભાઇમાં મોટો હતો અને રાજકોટ રહી કોલેજમાં ભણતો હતો. કલ્પેશના પિતાનું નામ વિનુભાઇ કાનાભાઇ લેવા છે અને માતાનું નામ શારદાબેન છે. ધુળેટીને દિવસે મયુર કાકા કલ્પેશને મળવા ગયો હતો. બાદમાં ડિલીવરીનો ઓર્ડર આવતાં મયુર પણ કાકા કલ્પેશ સાથે એથલેન્ટીસ બિલ્ડીંગમાં ઓર્ડર ડિલીવર કરવા ગયો હતો. પણ આ બંનેને ક્યાં ખબર હતી કે ત્યાં કાળ તેની રાહ જોઇને બેઠો છે. કાકા-ભત્રીજા બંનેના આ દુર્ઘટનામાં એક સાથે મૃત્યુ થતાં ઉના પસવાડાથી દોડી આવેલા સ્વજનોના આક્રંદથી પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ગમગીની દ્રશ્યો સર્જાયા હતાં.
સ્વીગીનો ડિલીવરીબોય વિર સાવરકર ક્વાર્ટરમાં રહેતો અજય મકવાણા બે ભાઇમાં મોટો હતોઃ પત્નિ-બે વર્ષની પુત્રી, વૃધ્ધ માતા-પિતા નોધારા થયા
પત્નિએ ધુળેટીની રજા રાખી દેવા કહ્યું-પણ કાળ જાણે બોલાવતો હોય એમ અજય થોડા પૈસા મળી જવાની આશાએ ડિલીવરી માટે ગયો અને મોતનો ભેટો થયોઃ પત્નિનું કરૂણ આક્રંદ
રાજકોટઃ દોઢસો ફુટ રીંગ રોડ પર બીગ બાઝાર સામે એટલાન્ટીસ બિલ્ડીંગમાં ધુળેટીના દિવસે ભભુકેલી આગમાં જે ત્રણ લોકોના મૃત્યુ થાય તેમાં એક રાજકોટના કાલાવડ રોડ વીર સાવરકરનગર આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતો અજય ખીમજીભાઇ મકવાણા-દલિત (ઉ.વ.૩૧) પણ હતો. અજય બે ભાઇમાં મોટો અને પરિવારનો આધાર સ્તંભ હતો. તેના માતા મંજુબેન અને પિતા ખીમજીભાઇ ઘંટેશ્વર પાસે રહે છે. પિતા માનસિક અસ્વસ્થ હોઇ માતા મંજુબેન પણ ઘરનું ગુજરાન ચલાવવા ખાનગી હોસ્પિટલમાં કપડા ધોવાની મજુરી કરવા જાય છે.
અજય મકવાણા અગાઉ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો હતો. દોઢેક મહિનાથી જ તે સ્વીગીમાં ફૂડ ડિલીવરીમેન-રાઇડર તરીકે નોકરીમાં રહ્યો હતો. ધુળેટી હોઇ જેથી પત્નિ સોનલબેને તેને રજા રાખી લેવા કહ્યું હતું. પણ અજયને જાણે એટલાન્ટીસ બિલ્ડીંગ ખાતે આગરૂપી કાળ બોલાવતો હોય તેમ તે બપોર સુધી કામ કરી લેશે તો બે પૈસા મળશે, બપોરે તો પાછો આવી જશે તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો. ત્યારપછી ઘરે પતિના પરત આવવાની રાહ જોઇને બેઠેલી પત્નિને બપોરે પતિનો ભડથું થઇ ગયેલો મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે જોવા મળતાં તેના હૈયાફાટ આક્રંદથી પાષાણ હૃદય પણ પીગળી ગયા હતાં. અજયના મૃત્યુથી બે વર્ષની દિકરી દિશા, પત્નિ સોનલ, માતા મંજુબેન, પિતા ખીમજીભાઇ સહિતના સ્વજનો નોધારા થઇ ગયા છે. અજયનો નાનો ભાઇ ચેતન કચ્છ રહી કામ કરે છે અને સાસરિયાને ત્યાં રહે છે. અજયના મોતથી મકવાણા પરિવાર પર વજ્રઘાત થયો હતો. (૧૪.૧૪)
હુ ના પાડતી'તી કે આજે નથી જવું પણ...અજય મકવાણાના પત્નિના આક્રંદથી પાષાણ હૃદય પણ પીગળી ગયા
ઞ્જઆગમાં ભુંજાઇ જતાં મોતને ભેટેલા સ્વીગીના ડિલીવરીબોય અજય મકવાણાના પત્નિ સોનલબેનના આક્રંદથી પાષાણ હૃદય પણ પીગળી ગયા હતાં. તેણીએ કહ્યું હતું કે હું તેને ધુળેટી હોવાથી આજે નોકરીએ રજા રાખી લો તેમ કહેતી હતી, પણ તે હમણા બપોરે આવી જઇશ કહીને ગયા હતાં, તેની આવી બપોર હશે એ મને શું ખબર!?
બા તમે કાલે કામે નો જાતાં હું અને સોનલ તમારી ઘરે આવશું...હોળીને દિવસે અજયે મને ફોન કર્યો હતો, હું એની આવવાની રાહ જોતી હતી, પણ આવ્યા એના મોતના વાવડઃ માતા મંજુબેનનો વલોપાત
ઞ્જમૃતક અજયના માતા મંજુબેન મીખજીભાઇ મકવાણાએ કહ્યું હતું કે મારા પતિ કામ કરી શકતા નથી, ઘરનું ગુજરાન ચલાવવા હું હોસ્પિટલમાં કપડા ધોવા જાઉ છું. ઘર નાનુ હોવાથી અજય અલગ રહેતો હતો અને અમને મદદ કરતો હતો. હોળીને દિવસે તેણે મને ફોન કર્યો હતો કે બા કાલે ધુળેટી છે તો તું કામે નો જાતી, રજા રાખજે અમે તારી ઘરે બપોરે આવશું. હું બપોરે તેના આવવાની રાહ જોતી હતી, પણ તેના મોતના વાવડ આવ્યા હતાં....તેમ કહી માતા મંજુબેને પોક મુકી હતી તે કરૂણ દ્રશ્ય જોઇ શકાય છે. (૧૪.૧૪)
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
