<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

દેશમાં અત્‍યારે ત્રણેય ઋતુ! કયાંક ઠંડી તો કયાંક વરસાદની સંભાવનાઃ ૯ રાજ્‍યોમાં હીટવેવનું એલર્ટ

હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્‍થાનમાં ભારે પવન અને કરા પડવાની સંભાવના છે. આવતીકાલે, ૧૬ માર્ચે વાવાઝોડા અને વીજળીની ગતિવિધિઓ થઈ શકે છે ૧૫, ૧૬ અને ૧૭ માર્ચે ઓડિશામાં વિવિધ સ્‍થળોએ ગરમીથી લઈને તીવ્ર ગરમીની સ્‍થિતિ રહેશે. વિદર્ભ અને છત્તીસગઢમાં ૧૫ અને ૧૬ માર્ચે છૂટાછવાયા સ્‍થળોએ ગરમીનું મોજું ફરી શકે છે

નવી દિલ્‍હી તા.૧૫: દિલ્‍હી-એનસીઆરમાં હોળીની સાંજે અચાનક હવામાનમાં પલટો આવ્‍યો, જેના કારણે તોફાની પવનો સાથે વરસાદનું આગમન થયું. આ બદલાવ શનિવાર, ૧૫ માર્ચ ૨૦૨૫ની સવાર સુધી ચાલુ રહ્યો, જ્‍યાં જોરદાર ઠંડા પવનો ફૂંકાયા. જોકે, આ બધું હોવા છતાં સવારે મહત્તમ તાપમાન ૩૧.૭૩ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, આજે લઘુત્તમ તાપમાન ૨૦.૦૫ ડિગ્રી સેલ્‍સિયસ અને મહત્તમ તાપમાન ૩૫.૮૮ ડિગ્રી સેલ્‍સિયસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ ૧૮% છે, જ્‍યારે પવનની ગતિ ૨૩ કિલોમીટર પ્રતિ કલાક રહી. સૂર્ય આજે સવારે ૬.૩૧ વાગ્‍યે ઉગ્‍યો અને સાંજે ૬.૨૯ વાગ્‍યે આથમશે. ગઈકાલની વાત કરીએ તો, મહત્તમ તાપમાન ૩૬.૨ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૭.૬ ડિગ્રી નોંધાયું હતું. આ સાથે, હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે કે આજે અને આવતીકાલે દિલ્‍હી-એનસીઆરમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જેમાં હળવો વરસાદ અને વાવાઝોડાની શકયતા છે.

હવામાન વિભાગે જણાવ્‍યું છે કે આ બદલાવ પાછળ વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની સક્રિયતા છે. મધ્‍ય અફઘાનિસ્‍તાન અને નજીકના પાકિસ્‍તાનના વિસ્‍તારોમાં સમુદ્ર સપાટીથી ૩.૧ અને ૭.૬ કિલોમીટરની ઊંચાઈએ ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે. આ ઉપરાંત, દક્ષિણ-પશ્ચિમ રાજસ્‍થાન અને તેની આસપાસના વિસ્‍તારોમાં સમુદ્ર સપાટીથી ૦.૯ કિલોમીટર ઉપર ચક્રવાતી પરિભ્રમણ જોવા મળી રહ્યું છે. પંજાબથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્‍થાન સુધી સમુદ્ર સપાટીથી ૧.૫ કિલોમીટરની ઊંચાઈએ પશ્ચિમી પવનોનો એક પ્રવાહ રચાયો છે. આ તમામ પરિબળોને કારણે હવામાનમાં અસ્‍થિરતા જોવા મળી રહી છે, જેની અસર દિલ્‍હી-એનસીઆર સહિત દેશના અન્‍ય ભાગોમાં પણ પડશે.

ગરમીની લહેર સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગના અહેવાલ મુજબ, ૧૫ થી ૧૭ માર્ચ દરમિયાન ઓડિશા, વિદર્ભ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનો, તેલંગાણા, આંધ્ર-દેશ, કર્ણાટક અને ગુજરાતમાં તીવ્ર ગરમીની લહેરની શકયતા છે. આગામી ૪-૫ દિવસોમાં પશ્ચિમ હિમાલય ક્ષેત્ર, અરુણાચલ પ્રદેશ, અને ઉત્તર-પશ્ચિમ ભારતના પર્વતીય તેમજ મેદાની રાજ્‍યોમાં વરસાદ, હિમવર્ષા અને કરા પડવાની આગાહી છે. આનો અર્થ એ થયો કે દેશના મોટા ભાગમાં હવામાન અસ્‍થિર રહેશે, જેમાં ગરમી અને વરસાદનું મિશ્રણ જોવા મળશે.

આજે, ૧૫ માર્ચે હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્‍થાનમાં ભારે પવન અને કરા પડવાની સંભાવના છે. આવતીકાલે, ૧૬ માર્ચે વાવાઝોડા અને વીજળીની ગતિવિધિઓ થઈ શકે છે. પંજાબમાં આજે અને કાલે ગાજવીજ સાથે વરસાદની શકયતા છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં ૧૫, ૧૬ અને ૧૭ માર્ચે વાવાઝોડા અને વીજળીની સંભાવના છે. જમ્‍મુ-કાશ્‍મીર અને લદ્દાખમાં આજે ભારે વરસાદ અથવા હિમવર્ષા થઈ શકે છે. હિમાચલ પ્રદેશમાં આજે અને કાલે, જ્‍યારે ઉત્તરાખંડમાં ૧૬ માર્ચે ભારે વરસાદ અથવા હિમવર્ષાની આગાહી છે. અરુણાચલ પ્રદેશમાં ૧૫, ૧૬ અને ૧૭ માર્ચે વાવાઝોડા, વીજળી અને વરસાદ/હિમવર્ષાની સંભાવના છે. આસામ, મેઘાલય, નાગાલેન્‍ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ આજે અને આગામી દિવસોમાં ૪૦-૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન સાથે વાવાઝોડા અને વરસાદની શકયતા છે. અરુણાચલ પ્રદેશ અને ઉત્તર-પૂર્વ-મધ્‍ય આસામમાં ૧૫ થી ૧૮ માર્ચ સુધી ભારે વરસાદ અને કરાની આગાહી છે.

ગરમીનું મોજું અસર કરશે આ રાજ્‍યોમાં

હવામાન વિભાગના જણાવ્‍યા મુજબ, ૧૫, ૧૬ અને ૧૭ માર્ચે ઓડિશામાં વિવિધ સ્‍થળોએ ગરમીથી લઈને તીવ્ર ગરમીની સ્‍થિતિ રહેશે. વિદર્ભ અને છત્તીસગઢમાં ૧૫ અને ૧૬ માર્ચે છૂટાછવાયા સ્‍થળોએ ગરમીનું મોજું ફરી શકે છે. ઝારખંડ, પ?મિ બંગાળના ગંગાના મેદાનો, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં ૧૫, ૧૬ અને ૧૭ માર્ચે ગરમીની લહેર રહેશે. દરિયાકાંઠાના કર્ણાટકમાં ૧૬ થી ૧૮ માર્ચ દરમિયાન ગરમીની સ્‍થિતિ જોવા મળશે. તમિલનાડુ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં ૧૫, ૧૬ અને ૧૭ માર્ચે ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શકયતા છે.

(3:52 PM IST)