<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

હિન્દીમાં ફિલ્મો ડબ કરો છો અને પછી એનો જ વિરોધ કરો છો

પવન કલ્યાણ તમિલ નેતાઓ પર ભડક્યાં :ભારતની ભાષાકીય વિવિધતાને જાળવી રાખવા આપણે એક-બે નહીં પરંતુ અનેક ભાષાઓને સાચવવાની જરૃર : પવન કલ્યાણ

ચેન્નાઈ, તા. ૧૫

હવે કેન્દ્ર અને તમિલનાડુ વચ્ચે ચાલી રહેલા ભાષા વિવાદમાં આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને જનસેના પાર્ટીના વડા પવન કલ્યાણ પણ કૂદી પડ્યા છે. શુક્રવારે આ મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં ડેપ્યુટી સીએમએ કહ્યું હતું કે ભારતની ભાષાકીય વિવિધતાને જાળવી રાખવા માટે આપણે એક-બે નહીં પરંતુ અનેક ભાષાઓને સાચવવાની જરૃર છે. આનાથી ભારતીય લોકોમાં પ્રેમ વધશે એટલું જ નહીં પરંતુ વધુ એકતા અને સર્વસમાવેશકતા પણ જોવા મળશે.

કલ્યાણ જિલ્લાના પીઠાપુરમ શહેરમાં જનસેના પાર્ટીના ૧૨મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા કલ્યાણે કહ્યું, ભારતને માત્ર બે નહીં પણ તમિલ સહિત ઘણી ભાષાઓની જરૃર છે. આપણે ભાષાકીય વિવિધતાને સ્વીકારવી જોઈએપ દેશની અખંડિતતા જાળવવી જરૃરી છે.

NDA સાથી કલ્યાણની આ ટિપ્પણી તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિનના આરોપો વચ્ચે આવી છે. સ્ટાલિને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ત્રણ ભાષાઓને અપનાવવાનો ઇનકાર કર્યો હતો અને કેન્દ્ર પર હિન્દી લાદવાનો આરોપ લગાવ્યો હતો. તેમનું નામ લીધા વિના ડીએમકે પર નિશાન સાધતા કલ્યાણે તમિલનાડુના નેતાઓ પર દંભનો આરોપ લગાવ્યો. તેણે કહ્યું, તેઓ હિન્દીનો વિરોધ કરે છે પરંતુ પૈસા કમાવવા માટે તેમની ફિલ્મોને હિન્દીમાં ડબ કરવાની મંજૂરી આપે છે. મને સમજાતું નથી કે આવું શા માટે છે? તેઓ બોલિવૂડ પાસેથી પૈસા માંગે છે પણ હિન્દી સ્વીકારવાનો ઇનકાર કરે છે. આ કેવો તર્ક છે?

અગાઉ તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે અન્નામલાઈએ ત્રણ ભાષાની નીતિ પર પક્ષના વલણને પુનરાવર્તિત કર્યું, કહ્યું કે રાજ્યના લોકો તેમના પર કોઈ ભાષા લાદવામાં આવે તેવું ઇચ્છતા નથી પરંતુ ત્રીજી ભાષા શીખવા માટે તૈયાર છે. એજન્સી સાથે વાત કરતા અન્નામલાઈએ કહ્યું, અમે સતત કહી રહ્યા છીએ કે ત્રીજી ભાષાની જરૃર છે. આ માટે ૧૪ લાખથી વધુ લોકોએ હસ્તાક્ષર કર્યા છે. મુદ્દો ફક્ત એટલો જ છે કે તમિલનાડુના લોકો તેમના પર ફરજિયાત ત્રીજી ભાષા લાદવામાં આવે તેવું ઈચ્છતા નથી. કોંગ્રેસે ૧૯૬૫માં પણ આવું જ કર્યું હતું અને ત્યારે પણ તેનો વિરોધ થયો હતો. ડીએમકે પર બેવડા ધોરણો અપનાવવાનો આરોપ લગાવતા અન્નામલાઈએ કહ્યું કે ડીએમકેના ઘણા નેતાઓ છે જેઓ શાળાઓ ચલાવે છે અને ત્યાં હિન્દી શીખવવામાં આવે છે. પરંતુ તે સરકારી શાળાના બાળકોને ત્રીજી ભાષા શીખવા દેવા માંગતો નથી. તેમણે કહ્યું કે તમિલનાડુ સ્વેચ્છાએ અપનાવવામાં આવેલી ત્રીજી ભાષા શીખવા માટે તૈયાર છે પરંતુ ડીએમકે એવું નથી ઈચ્છતું.

(8:20 PM IST)