News of Saturday, 15th March 2025
વિદેશી હૂંડિયાણ ભંડોળ 2 વર્ષમાં સૌથી વધુ ઉછળીને 650 અબજ ડોલરને પાર પહોંચ્યું
વિદેશી હૂંડિયાણ ભંડોળનો અત્યંત મહત્વનો ભાગ એવો ફોરેન કરન્સી એસેટ્સ 13.99 અબજ ડોલર વધીને 557.28 અબજ ડોલર થયું

મુંબઈ :ભારતનું વિદેશી હૂંડિયાણમાં છેલ્લા બે વર્ષમાં સૌથી મોટો ઉછાળો આવ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના અહેવાલ પ્રમાણે 7મી માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું ફોરેક્સ રિઝર્વ 15.26 અબજ ડોલર ઉછળીને 650 અબજ ડોલરને પાર એટલે કે 653.96 અબજ ડોલર પહોંચી ગયું છે. છેલ્લા બે વર્ષમાં આ સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 1લી માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી હૂંડિયાણ 1.78 અબજ ડોલર ઘટીને 638.69 અબજ ડોલર થયું હતું. તાજેતરમાં ખાસ કરીને US ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં જે ધોવાણ થઈ રહ્યું છે તેને અટકાવવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા સતત દરમિયાનગીરી કરવી પડી રહી છે. અગાઉ સપ્ટેમ્બર,2024માં ભારતનું વિદેશી હૂંડિયાણ 704.88 અબજ ડોલરની અત્યાર સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું.
માર્ચ મહિનામાં દેશના ફોરેક્સ રિઝર્વમાં જે અસાધારણ ઉછાળો આવ્યો છે અંગે નિષ્ણાતોનું માનવું છે કે તે RBI દ્વારા ગયા મહિનાના અંગે જે 10 અબજ ડોલરના ફોરેક્સ સ્વેપને લીધે છે. આ સ્વેપ અંતર્ગત મધ્યસ્થ બેન્કે રૂપિયાના બદલામાં US ડોલરની ખરીદી કરી હતી, અને આ રીતે બજારમાં લિક્વિડિટી એટલે કે તરલતાને વધારવામાં આવી તથા ફોરેક્સ રિઝર્વમાં પણ વૃદ્ધિ થઈ.
રિઝર્વ બેન્કની આંકડાકીય માહિતી પ્રમાણે સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયા વિદેશી હૂંડિયાણ ભંડોળનો અત્યંત મહત્વનો ભાગ એવો ફોરેન કરન્સી એસેટ્સ 13.99 અબજ ડોલર વધીને 557.28 અબજ ડોલર થયું છે. આ ફેરેન કરન્સી એસેટ્સમાં યુરો, પાઉન્ડ અને યેન જેવી US-ડોલર સિવાયની કરન્સીમાં વધઘટનો પણ સમાવેશ થાય છે.
અલબત સમીક્ષા હેઠળની અવધિમાં ભારતના સોનાના ભંડારનું મૂલ્ય 1.05 અબજ ડોલર ગગડીને 74.32 અબજ ડોલર થયું છે. જ્યારે સ્પેશિયલ ડ્રોવિંગ રાઈટ્સ 21.2 કરોડ ડોલર વધી 18.21 અબજ ડોલર થયા છે. જ્યારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસે ભારતના રિઝર્વ ફંડનું પ્રમાણ 6.9 કરોડ ડોલર વધ 4.14 અબજ ડોલર થયું છે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
