<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th March 2025

બેંગલુરુમાં બિહારથી કામ કરવા આવેલા ત્રણ મજૂરોની હત્યા: નિર્માણાધીન એપાર્ટમેન્ટમાંથી મળ્યા હતા મૃતદેહ

પીડિતોમાંથી એકે આરોપીની બહેનનો ફોન ઉપાડ્યો ત્યારે વિવાદ શરૂ થયો: પીડિતા અને આરોપીની બહેન વચ્ચે પહેલાથી જ વાતચીત ચાલતી હતી જેના કારણે આરોપી મજૂર ગુસ્સે હતો બંને વચ્ચે ઝઘડો થયો

બિહારથી કામ કરવા આવેલા ત્રણ મજૂરોની હત્યાના કારણે હોબાળો મચી ગયો હતો. બેંગલુરુના સરજાપુર વિસ્તારમાં 14 માળના નિર્માણાધીન એપાર્ટમેન્ટમાંથી ત્રણ મજૂરોના મૃતદેહ મળી આવ્યા છે. એવી શંકા છે કે તેમની હત્યા હોળીની ઉજવણી દરમિયાન કરવામાં આવી હતી. પોલીસે રવિવારે આ માહિતી આપી છે.

 

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ રાધે શ્યામ, દીપુ અને અંશુ તરીકે થઈ છે. જેઓ બિહારના ગોપાલગંજના રહેવાસી છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના શનિવારે સાંજે બની હતી જ્યારે પીડિતો નજીકના બાંધકામ સ્થળોએ કામ કરતા અન્ય કામદારો સાથે હોળીની ઉજવણી કરી રહ્યા હતા.

 

બેંગલુરુ ગ્રામીણ પોલીસ અધિક્ષક (એસપી) સી કે બાબાએ જણાવ્યું હતું કે, “અમને હત્યાની માહિતી મળી અને અમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પીડિતો પ્લમ્બિંગ અને બાંધકામના કામમાં રોકાયેલા હતા. હોળીને ધ્યાનમાં રાખીને, બાંધકામ કામદારોને ત્રણ દિવસની રજા આપવામાં આવી હતી અને સાઇટ ઇન્ચાર્જ પણ રજા પર હતા. તેમણે કહ્યું કે પીડિતોએ હોળીની ઉજવણી માટે એક પાર્ટીનું આયોજન કર્યું હતું અને નજીકના અન્ય બાંધકામ સ્થળના કામદારોને પણ આમંત્રણ આપ્યું હતું.

 

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે પીડિતોમાંથી એકે આરોપીની બહેનનો ફોન ઉપાડ્યો ત્યારે વિવાદ શરૂ થયો હતો. પીડિતા અને આરોપીની બહેન વચ્ચે પહેલાથી જ વાતચીત ચાલી રહી હતી, જેના કારણે આરોપી મજૂર ગુસ્સે હતો. આ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો, જે હિંસક લડાઈમાં બદલાયો હતો. કામદારોએ બોટલ અને લોખંડના સળિયાથી એકબીજા પર હુમલા કર્યા હતા.

 

અધિકારીએ જણાવ્યું કે ત્રીજા માળે બે મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે ત્રીજો કામદાર ગ્રાઉન્ડ ફ્લોર પર ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો. તેને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મૃત્યુ થયું હતું. એસપી બાબાએ કહ્યું, 'અમે તપાસ માટે એક ટીમ બનાવી છે અને આરોપીઓની ઓળખ કરી છે. આ ઘટનામાં ઓછામાં ઓછા બે થી ત્રણ લોકો સામેલ હતા. તેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.'

(7:51 PM IST)