<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા કૅન્સરની સારવાર દર્દીઓ માટે ઘર નજીક સરળતાથી ઉપલબ્ધ બનશે : સરકારના આ પગલાંથી મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ જોવા મળશે

આ કૅન્સર સેન્ટરોમાં કીમોથેરાપી અને સલાહ સેવાઓ ઉપલબ્ધ, એક કેન્દ્રમાં 4 થી 6 પથારી, ઓન્કોલોજીસ્ટ અથવા મેડિકલ ઓફિસર, બે નર્સ, એક ફાર્માસિસ્ટ, એક સલાહકાર અને એક બહુહેતુક કાર્યકરની વ્યવસ્થા હશે

નવી દિલ્હી તા.૧૮ : 12 માર્ચે સંસદીય સ્થાયી સમિતિની એક રિપોર્ટ રજૂ કરવામાં આવી, જેમાં દરેક જિલ્લામાં કૅન્સર સેન્ટર બનાવવાની યોજના રજૂ કરવામાં આવી. આ યોજનાને આગામી ત્રણ વર્ષમાં પૂરું કરવાની યોજના છે, જેથી દર્દીઓને સમયસર સારવાર મળી શકે. ચાલો જાણીએ શું છે સરકારનો પ્લાન?

દેશમાં જિલ્લાની હોસ્પિટલોમાં કૅન્સર ડે-કેર સેન્ટર સ્થાપવા માટે એક રિપોર્ટ રજૂ થયો છે. આ પહેલ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક બ્લૂપ્રિન્ટ તૈયાર કર્યો છે, જેમાં કીમોથેરાપી, સલાહ સૂચન અને દવાઓ માટે વિશેષ યોજના બનાવવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, આ પહેલથી દર્દીઓને તેમના ઘરના નજીક કૅન્સરની સારવાર ઉપલબ્ધ થશે. આગામી વર્ષોમાં સરકારના આ પગલાંથી મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ જોવા મળશે.

આ કૅન્સર સેન્ટરોમાં કીમોથેરાપી અને સલાહ સેવાઓ ઉપલબ્ધ થશે. એક કેન્દ્રમાં 4 થી 6 પથારી, ઓન્કોલોજીસ્ટ અથવા મેડિકલ ઓફિસર, બે નર્સ, એક ફાર્માસિસ્ટ, એક સલાહકાર અને એક બહુહેતુક કાર્યકરની વ્યવસ્થા હશે. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમને તેમના બજેટ ભાષણમાં આ યોજનાની જાહેરાત કરી હતી.

આગામી ત્રણ વર્ષમાં તમામ કેન્દ્રો ઊભા કરાશે, જેમાં એક વર્ષમાં ઓછામાં ઓછા 200 સેન્ટર શરૂ કરવામાં આવશે. બાકીના કેન્દ્રો નક્કી કરેલા સમયમર્યાદા મુજબ બનાવવામાં આવશે. આરોગ્ય મંત્રાલય મુજબ, કૅન્સરની સારવાર દર્દીઓ માટે ઘર નજીક સરળતાથી ઉપલબ્ધ બનશે.

સંસદીય પેનલે અલગથી નવી ભરતી કરવાની ભલામણ કરી છે. પેનલના રિપોર્ટમાં જણાવાયું છે કે, કેન્દ્રોના સુચારૂ સંચાલન માટે જિલ્લાની હોસ્પિટલોમાંથી ડૉક્ટરો અને નર્સોને ખસેડવાને બદલે, નવી ભરતી કરવી જોઈએ. કારણ કે, પહેલેથી જ જિલ્લાની હોસ્પિટલોમાં ડૉક્ટરોની અછત છે.

ગ્લોબલ કૅન્સર ઑબ્ઝર્વેટરીના આંકડાઓ અનુસાર, ભારતમાં દર વર્ષે 14 લાખથી વધુ કૅન્સરના નવા કેસો નોંધાય છે, જેમાંથી 9 લાખ લોકોના મરણ થાય છે. પુરુષોમાં સૌથી વધુ 15.6% હોંઠ અને મોં તથા 15.6% ફેફસાંના કૅન્સર જોવા મળે છે. જ્યારે, મહિલાઓમાં સૌથી વધુ 26.6% બ્રેસ્ટ કૅન્સરના કેસ નોંધાય છે.

(3:35 PM IST)