<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

વિવાદ બાદ ઔરંગઝેબની કબરની બહાર દુકાનો ચલાવતા વેપારીઓની હાલત કફોડી : ધંધો ઘટ્યો

ઔરંગઝેબની કબર પર આવતા પ્રવાસીઓના આધારે વ્યવસાય કરતા હતા :પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થવાને કારણે તેમના વેચાણ પર નોંધપાત્ર અસર

મુઘલ શાસક ઔરંગઝેબના મકબરાનો વિવાદ ચાલુ છે. આ ગંભીર મુદ્દા પર નાગપુરમાં હિંસા ફાટી નીકળી હતી, અને હજુ પણ એક બીજા પક્ષ પર પ્રહારો કરવાનું ચાલુ છે. નાગપુરમાં હિંસા ભડકી ઉઠી હતી જેમાં ઔરંગઝેબની કબર તોડી પાડવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શનો થયા હતા. આ પછી, ઔરંગઝેબની કબર જ્યાં બનેલી છે ત્યાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઔરંગઝેબની કબર પરનો વિવાદ સીધી રીતે એવા વેપારીઓ પર અસર કરી રહ્યો છે જેઓ ઔરંગઝેબની કબરની બહાર દુકાનો બનાવીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. હવે દુકાનદારો કહે છે કે આ વિવાદ પછી ધંધામાં ઘણો ઘટાડો થયો છે.

 

મુઘલ શાસક ઔરંગઝેબનો મકબરો ખુલદાબાદમાં છે, જે ઔરંગાબાદ એટલે કે સંભાજીનગરમાં છે. ઔરંગાબાદનું નામ પણ બદલીને છત્રપતિ સંભાજીનગર જિલ્લો કરવામાં આવ્યું છે, મરાઠા રાજા શિવાજીના પુત્ર સંભાજીએ ઔરંગઝેબ સામે લડત આપી હતી અને ત્રાસ આપ્યા બાદ તેમની હત્યા કરવામાં આવી હતી. ઔરંગઝેબનું અવસાન અહમદનગરમાં થયું, જેનું નામ બદલીને અહિલ્યાનગર રાખવામાં આવ્યું છે.

 

ઔરંગઝેબની કબરને રાષ્ટ્રીય મહત્વનું સ્મારક માનવામાં આવે છે અને તેની સુરક્ષાની જવાબદારી સરકાર પોતે જ લે છે. તેને ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ માનવામાં આવે છે અને તે પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો અધિનિયમ 1958 (AMASR અધિનિયમ) હેઠળ સુરક્ષિત છે.

નાગપુરમાં પરિસ્થિતિ વણસ્યા બાદ ખુલદાબાદમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ઔરંગઝેબની કબર હટાવવા અંગેના નિવેદનબાજી બાદ સુરક્ષા માટે પોલીસકર્મીઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. પરંતુ, ઔરંગઝેબની કબરમાં પ્રવેશવાની પરવાનગી હજુ પણ આપવામાં આવી રહી છે. જોકે, ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે કે મકબરાને જોવા આવતા લોકોની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે. હવે પ્રવાસીઓની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે.

 

ખુલદાબાદમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થવાની સૌથી મોટી અસર તે વેપારીઓ પર પડી છે જેઓ ઔરંગઝેબની કબર પર આવતા પ્રવાસીઓના આધારે વ્યવસાય કરી રહ્યા છે. પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થવાને કારણે તેમના વેચાણ પર નોંધપાત્ર અસર પડી છે. વેપારીઓએ મીડિયાને જણાવ્યું હતું કે પહેલા દરરોજ લગભગ 1 હજાર કે 2 હજાર લોકો કબરની મુલાકાત લેતા હતા, પરંતુ હવે આ સંખ્યા ઘટીને 100થી 200 થઈ ગઈ છે. આ કારણે વેપારીઓ ગ્રાહકોની રાહ જુએ છે, પણ કોઈ દુકાને પણ આવતું નથી.

 

ઔરંગઝેબની કબર પરના વિવાદ બાદ કબરની આગળ રહેલી દુકાનોમાં મંદી જોવા મળી રહી છે. ત્યાંના વેપારીઓનું કહેવું છે કે વિવાદ બાદ નફો કરવો તો અગલ વાત છે પણ ઘર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. દરેક વેપારીના મોઢે એક જ વાત છે કે અહીં રોજગાર ખતમ થઈ ગયો. કબરની આસ-પાસની તમામ દુકાનોના વેપારીઓના આ જ હાલ થયા છે. દરેક વેપારીઓ ગ્રાહકોની રાહ જોઈને આખો દિવસ દુકાન ખોલીને બેસે છે, ત્યારે ઘર ચાલે એટલો પણ ધંધો નથી થઈ રહ્યો. મકબરાથી લગભગ 25 મીટર દૂર પથ્થરના ઝવેરાતની દુકાન ચલાવતા મસીઉદ્દીને કહ્યું કે ઔરંગઝેબની કબર પરના વિવાદ પછી તેમનો રોજગાર સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયો છે. હવે લોકો આવતા નથી અને વેચાણ બિલકુલ નથી. વેપારીએ કહ્યું કે, "અમે કેટલા ચિંતિત છીએ એ તમને પણ કહી શકતા નથી."

(9:57 PM IST)