News of Saturday, 22nd March 2025
જયપુર-દિલ્હી હાઈવે પર ખર્ચ કરતા ૩૦૦૦ કરોડ વધુ ટોલ વસૂલાયો
સાંસદ હનુમાન બેનીવાલે દેશના હાઈવે પરના ટોલનાકા દ્વારા મચાવાતી લૂંટનો પર્દાફાશ કર્યોઃ દેશમાં સૌથી વધુ ટોલ ઉત્તર પ્રદેશમાં વસૂલવામાં આવે છે, આ બાબતે રાજસ્થાન બીજા સ્થાને છે અને મહારાષ્ટ્ર ત્રીજા નંબરે

નવી દિલ્હી, તા.૨૨: ‘રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી'ના રાષ્ટ્રીય સંયોજક અને રાજસ્થાનની નાગૌર લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા સાંસદ હનુમાન બેનીવાલે દેશના હાઈવે પરના ટોલનાકા દ્વારા મચાવાતી લૂંટનો પર્દાફાશ કર્યો છે. લોકસભામાં સવાલ ઉઠાવતા બેનીવાલે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે, ‘જ્યારે વાહન ખરીદતી વખતે જ રોડ ટેક્સ લઈ લેવામાં આવે છે, તો પછી ટોલના નામે વધારાના રૂપિયા શા માટે વસૂલાય છે? જયપુર-દિલ્હી હાઈવેની હાલત ખરાબ છે, પરંતુ સરકારે રૂ. ૧૨ હજાર કરોડ જેટલો ટોલ વસૂલી લીધો છે. જો રસ્તા ખરાબ હોય તો સામાન્ય લોકો કેમ ટોલ ભરે?'
બેનીવાલે જયપુર-દિલ્હી વચ્ચેના નેશનલ હાઈવે નંબર ૪૮ પર કરાયેલા ખર્ચ અને એ હાઈવે પર વસૂલાતા ટોલની માહિતી માંગી હતી. બેનીવાલે કહ્યું હતું કે, ‘ટોલ વસૂલતા હોવા છતાં નેશનલ હાઈવેની હાલત ખૂબ જ ખરાબ છે. ખરાબ રસ્તાના કારણે રોજ અકસ્માતો થાય છે અને લોકો જીવ ગુમાવે છે. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે રસ્તા ખરાબ છે તો પછી સામાન્ય લોકોએ કેમ ટોલ ભરવો જોઈએ? પરંતુ સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીની પણ સરકાર પર કોઈ અસર થઈ નથી. સરકારે ટોલટેક્સ બાબતે પુનર્વિચાર કરવાની જરૂર છે.'
બેનીવાલની માંગના જવાબમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જે આંકડા આપ્યા એ આશ્ચર્યજનક છે.
ગુડગાંવથી જયપુર સુધીનો હાઈવે બનાવવાનો ખર્ચ ૬૪૩૦ કરોડ રૂપિયા થયો છે અને એના પરના ટોલ બૂથ દ્વારા અત્યાર સુધીમાં ૯૨૧૮.૩૦ કરોડ રૂપિયા વસૂલ કરી લેવામાં આવ્યા છે.
દિલ્હીથી ગુડગાંવ સુધીના હાઈવેનો ખર્ચ ૨૪૮૯.૪૫ કરોડ રૂપિયા છે, અને એના પરની ટોલ વસૂલાત ૨૭૨૭.૫૦ કરોડ રૂપિયા છે.
એટલે કે ઉપરોક્ત બે હાઈવે બનાવવાનો કુલ ખર્ચ ૮૯૧૯.૪૫ કરોડ રૂપિયા હતો અને એના પરની ટોલ વસૂલાત ૧૧,૯૪૫.૮૦ કરોડ રૂપિયા થઈ છે. કુલ ખર્ચ કરતાં લગભગ ૩૦૦૦ કરોડ રૂપિયા વધુ વસૂલાત થઈ ગઈ હોવા છતાં હજુ પણ ટોલ બેરોકટોક વસૂલવામાં આવી રહ્યો છે.
આ તો ફક્ત બે હાઈવેના આંકડા છે. દેશમાં સેંકડો હાઈવે છે જેના પર ટોલના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. દેશમાં સૌથી વધુ ટોલ ઉત્તર પ્રદેશમાં વસૂલવામાં આવે છે. આ બાબતે રાજસ્થાન બીજા સ્થાને છે અને મહારાષ્ટ્ર ત્રીજા નંબરે.
વર્ષ ૨૦૨૩-૨૪ માં આ ત્રણ રાજ્યો ટોલ વસૂલાતમાં અગ્રેસરઃ ઉત્તર -દેશ - રૂ. ૬૬૯૫.૪૦ કરોડ, રાજસ્થાન - રૂ. ૫૮૮૯.૦૩ કરોડ, મહારાષ્ટ્ર - રૂ. ૫૩૫૨.૫૨ કરોડ. (રર.૪)
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
