તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 22nd March 2025
અમેરિકામાં પટેલ પિતા-પુત્રીની ઘાતકી હત્યા: સ્ટોરમાં ઘૂસી આવેલા અશ્વેત શખ્શે ગોળીઓ ધરબી દીધી
મૂળ મહેસાણા જિલ્લાના કનોડા ગામના વતની પ્રદીપ પટેલ (56) તેમની 24 વર્ષીય પુત્રી સાથે અમેરિકાના વર્જિનિયા સ્ટેટની એકોમેક કાઉન્ટીમાં આવેલા સ્ટોરમાં કામ કરી રહ્યા હતા

અમેરિકાના વર્જિનિયામાં અશ્વેત શખ્શો સ્ટોરમાં ઘૂસીને પટેલ પિતા-પુત્રીને ગોળીથી વિંધી નાંખ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ મહેસાણા જિલ્લાના કનોડા ગામના વતની પ્રદીપ પટેલ (56) તેમની 24 વર્ષીય પુત્રી સાથે અમેરિકાના વર્જિનિયા સ્ટેટની એકોમેક કાઉન્ટીમાં આવેલા સ્ટોરમાં કામ કરી રહ્યા હતા. આ સમયે અચાનક અશ્વેત શખ્શે તેમના સ્ટોરમાં ઘૂસી આવ્યો હતો. જ્યાં પિતા-પુત્રી કંઈ સમજે તે પહેલા જ તેણે ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ.
આમ અચાનક કરવામાં આવેલા હુમલામાં પિતા-પુત્રી સ્ટોરમાં જ લોહીના ખાબોચિયામાં ફસડાઈ ગયા હતા. બીજી તરફ આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક સ્ટોર પ પહોંચી હતી. જેમણે ગોળીબાર કરનાર અશ્વેત યુવકની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ હુમલામાં ઘાયલ પ્રદીપ પટેલનું ઘટના સ્થળે જ દર્દનામ મોત નિપજ્યું હતુ. જ્યારે તેમની યુવાન પુત્રીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તે પણ મોતને ભેટી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ગોળીબાર કરનાર અશ્વેત યુવકની ઓળખ જ્યોર્જ તરીકે થઈ છે. જો કે હજુ સુધી જ્યોર્જે ક્યા કારણોસર પિતા-પુત્રી પર હુમલો કર્યો, તે જાણી શકાયું નથી. હાલ તો પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ આ બનાવના પગલે સ્થાનિક ગુજરાતીઓમાં ગમગીની છવાઈ જવા પામી છે.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
