News of Saturday, 22nd March 2025
દિલ્હીમાં 125 વર્ષ જૂના ગણેશ મંદિર અને કાલી મંદિર પર ફરી વળ્યું બુલડોઝર :લોકોમાં વિરોધ
યમુના બજારમાં સિંદૂરી ગણેશ મંદિર અને કાલી મંદિર પર બુલડોઝર દ્વારા તોડી પાડ્યું

નવી દિલ્હી :દિલ્હીમાં સત્તા બદલાઈ ગઈ છે અને નવી સરકારે તેની નીતિઓનો અમલ શરૂ કરી દીધો છે. આ ક્રમમાં અતિક્રમણ દૂર કરવાનું કામ પણ ચાલી રહ્યું છે. પરંતુ શનિવારે વહેલી સવારે યમુના નગરના જૂના મંદિરો પર પણ વહીવટીતંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. આના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. યમુના બજારમાં સિંદૂરી ગણેશ મંદિર અને કાલી મંદિર પર બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. લોકોનો દાવો છે કે આ મંદિરો 1902માં બનાવવામાં આવ્યા હતા. ગુસ્સે ભરાયેલા લોકો હવે વિરોધ કરી રહ્યા છે.
દિલ્હીના યમુના બજારમાં સવારે 4.30 વાગ્યે MCD અને PWD ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સિંદૂરી ગણેશ મંદિર, કાલી મંદિર પર બુલડોઝરનો ઉપયોગ કરીને તોડી પાડ્યા હતા. જોકે, મંદિર પર બુલડોઝર ચલાવવાની માહિતી મળતા જ લોકોએ તેનો વિરોધ શરૂ કરી દીધો હતો. લોકોના વિરોધ બાદ, વહીવટીતંત્રની ટીમ ચૌમુખી મહાદેવ મંદિર તોડી શકી નહીં, પરંતુ તેની સીમા દિવાલ તોડી નાખવામાં આવી છે. પહેલા અહીં ઝૂંપડપટ્ટી હતી જે એક અઠવાડિયા પહેલા જ તોડી પાડવામાં આવી હતી.
અગાઉ 20 માર્ચે દિલ્હી હાઈકોર્ટના આદેશ પર લોકોના વિરોધને કારણે મયુર વિહારમાં ત્રણ મંદિરો તોડી પાડવાની કાર્યવાહી બંધ કરવી પડી હતી. દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA) ની એક ટીમ ગુરુવારે સવારે લગભગ 4 વાગ્યે પોલીસ સાથે પૂર્વ દિલ્હીના મયુર વિહારમાં સ્થિત કાલી મંદિર, અમરનાથ મંદિર અને બદ્રીનાથ મંદિરને તોડી પાડવા પહોંચી હતી. આ મંદિરો મયુર વિહાર ફેઝ 2 માં ગ્રીન બેલ્ટ પર બનેલા હોવાનું કહેવાય છે. અહીં લોકોએ ધારાસભ્ય રવિન્દર સિંહ નેગીના નેતૃત્વમાં પ્રદર્શન કર્યું હતું. ડીડીએના પ્રવક્તાએ પુષ્ટિ આપી કે તોડી પાડવાની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી છે. પ્રવક્તાએ કહ્યું, "લોકોના ગુસ્સાને કારણે અમારે ઝુંબેશ મુલતવી રાખવી પડી. જોકે, અમારી કાનૂની ટીમ આ મામલાની સમીક્ષા કરી રહી છે."
નેગીએ કહ્યું કે તેઓ અને અન્ય લોકો સવારે 3 વાગ્યાથી ઘટનાસ્થળે હાજર હતા અને મંદિરોના રક્ષણ માટે શક્ય તેટલા બધા પ્રયાસો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના સાથે ચર્ચા કર્યા બાદ આ અભિયાન મુલતવી રાખવામાં આવ્યું હતું. તે જ સમયે દિલ્હી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા આતિશીએ દાવો કર્યો હતો કે ભાજપની "ડબલ એન્જિન" સરકારે પહેલા તોડી પાડવાનો આદેશ આપ્યો, બુલડોઝર અને પોલીસ તૈનાત કરી અને પછી જ્યારે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો ત્યારે અજાણ હોવાનો ડોળ કર્યો હતો.
(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
