News of Monday, 24th March 2025
કર્ણાટકમાં મુસ્લિમોને અનામત અંગે સંસદમાં હોબાળો :બંને ગૃહની કાર્યવાહી સ્થગિત
સત્તા-વિપક્ષ આમને સામનેઃ બીજેપી આક્રમક મૂડમાં

નવી દિલ્હી, તા.૨૪: સંસદની કાર્યવાહી શરુ થતાં જ કર્ણાટક અનામત મુદ્દે આજે રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. કર્ણાટકમાં સરકારી ટેન્ડરમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને ૪% આરક્ષણ આપવામાં આવ્યું છે. આ મામલે ભાજપ આક્રમક છે. ભાજપનું કહેવું છે કે કર્ણાટકની કોંગ્રેસ સરકારે અનામતનો ભંગ કર્યો છે. રાજ્યસભામાં ભાજપે મલ્લિકાર્જુન ખડગે પાસેથી સ્પષ્ટતા માંગી હતી. આ દરમિયાન હંગામો વધતાં રાજ્યસભાની કાર્યવાહી બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ સ્પીકર ઓમ બિરલાએ હોબાળાને કારણે તેને બપોરે ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. ૧૨ વાગ્યે કાર્યવાહી શરૂ થતાં જ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કર્ણાટકમાં મુસ્લિમ અનામતનો મુદ્દો અને બંધારણમાં ફેરફાર અંગે નાયબ મુખ્યમંત્રીના નિવેદનનો મુદ્દો ગૃહમાં ઉઠાવ્યો. હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી ૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
કર્ણાટકમાં સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લિમોને અનામત આપવાના નિર્ણયને લઈને રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહયું કે, ‘બંધારણમાં લખ્યું છે કે, ધર્મના આધારે અનામત આપી શકાય નહીં. પરંતુ કર્ણાટક સરકારે એક બિલ પસાર કર્યું છે જેમાં જાહેર કરારમાં ૪ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહયું, 'આ મહત્ત્વપૂર્ણ બાબત અમારા ધ્યાન પર આવી છે કે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ નિવેદન આપ્યું છે કે તેઓ બંધારણમાં સુધારો કરશે જેથી મુસ્લિમ સમુદાયને અનામત આપી શકાય. આ નિવેદન બંધારણ પર હુમલો છે. અમે આ સહન નહીં કરીએ. કોંગ્રેસ અધ્યક્ષે આ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. આ મામલે સંસદમાં વધુ હોબાળો થવાની શક્યતા છે.
તેમજ આ મામલે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહયું કે, ‘મુસ્લિમ આરક્ષણનો મુદ્દો ઉઠાવીને કોંગ્રેસે બાબાસાહેબ આંબેડકરના બંધારણની પ્રતિષ્ઠાને કલંકિત કરી છે. આજે જ નાયબ મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરો.'
રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહયું કે, ‘બાબાસાહેબ આંબેડકર દ્વારા બનાવેલા બંધારણને કોઈ બદલી શકે નહીં. આરક્ષણને કોઈ ખતમ કરી શકે નહીં. તેને બચાવવા માટે અમે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારત જોડો યાત્રા કરી. તેઓ (NDA સાંસદો તરફ આંગળી ચીંધીને) ભારતને તોડી રહયા છે.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
