News of Monday, 24th March 2025
છેલ્લા ૧૦ વર્ષમાં ભારતીય જીડીપીનું કદ બમણું થયું
અમરિકા અને ચીનેને પાછળ છોડ્યું:૨૦૧૫માં ભારતીય જીડીપીનું કદ ૨.૧ ટ્રિલિયન ડોલર હતું, જે ૨૦૨૫માં વધીને ૪.૩ ટ્રિલિયન ડોલર થવાની ધારણા છે

નવી દિલ્હી, તા. ૨૪
છેલ્લા ૧૦ વર્ષમાં ભારતીય જીડીપીનું કદ બમણું થયું છે. ખાસ વાત એ છે કે ૨૦૧૫થી ૨૦૨૫ના સમયગાળામાં જીડીપીની વૃદ્ધિની ગતિ ૧૦૫ ટકા રહી છે, જે અમેરિકા અને ચીન જેવી વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓ કરતાં ઘણી ઝડપી છે.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના ડેટા અનુસાર, ૨૦૧૫માં ભારતીય જીડીપીનું કદ ૨.૧ ટ્રિલિયન ડોલર હતું, જે ૨૦૨૫માં વધીને ૪.૩ ટ્રિલિયન ડોલર થવાની ધારણા છે. જે અંદાજે ૧૦૫ ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે.
આ ૧૦-વર્ષના સમયગાળામાં, અમેરિકાના જીડીપીનું કદ ૧૮.૩ ટ્રિલિયન ડોલરથી ૬૬ ટકા વધીને ૩૦.૩ ટ્રિલિયન ડોલર થવાનો અંદાજ છે. ચીનનું અર્થતંત્ર ૧૧.૧ ટ્રિલિયન ડોલરથી વધીને ૧૯.૫ ટ્રિલિયન ડોલર થશે, જે ૭૬ ટકાનો વધારો દર્શાવે છે.
મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમોએ રોકાણકારોનો વિશ્વાસ મજબૂત કર્યો છે. મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને આઇટી સેક્ટરની સતત વૃદ્ધિએ પણ આર્થિક વૃદ્ધિને વેગ આપ્યો છે.
રિપોર્ટ અનુસાર, ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. તેના મુખ્ય કારણોમાં નીતિઓમાં નક્કર સુધારા, મજબૂત આર્થિક પાયો અને બિઝનેસ કરવામાં સરળતા છે. આ ઝડપી ગતિના આધારે ભારત ૨૦૨૫માં જાપાન અને ૨૦૨૭માં જર્મની કરતાં મોટી અર્થવ્યવસ્થા બની જશે.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
