News of Tuesday, 25th March 2025
દિલ્હીની નવી સરકારે પ્રથમ બજેટમાં મહિલાઓને 2500 રૂપિયા આપવાનું વચન નિભાવ્યુ
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વિધાનસભામાં રજુ કર્યું તેમની સરકારનું 1 લાખ કરોડ રૂપિયાનું પહેલું બજેટ: 'મહિલા સમૃદ્ધિ યોજના' માટે બજેટમાં 5100 કરોડ રૂપિયાની જોગવાઈ

નવી દિલ્હી તા.25 માર્ચ 2025: મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દિલ્હી વિધાનસભામાં તેમની સરકારનું પહેલું બજેટ રજૂ કર્યું છે. સીએમ રેખા ગુપ્તાએ દિલ્હી વિધાનસભામાં કહ્યું, 'આજે દિલ્હી માટે ઐતિહાસિક દિવસ છે.' આ વખતે દિલ્હીના બજેટમાં મહિલાઓને ઉદાર ભંડોળ આપવામાં આવ્યું છે. સીએમ રેખા ગુપ્તાએ નાણાકીય વર્ષ 2025-26 માટે દિલ્હી સરકારનું 1 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે.
રેખા ગુપ્તાએ જાહેરાત કરી કે દિલ્હીના લોકોને હવે 10 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો મળશે. તેમણે એમ પણ કહ્યું કે 'મહિલા સમૃદ્ધિ યોજના' માટે બજેટમાં 5100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, યોજનાના દાયરામાં આવતી દિલ્હીની દરેક મહિલાને દર મહિને રૂ.૨૫૦૦ ની નાણાકીય મદદ આપવામાં આવશે. .
વિધાનસભામાં બજેટ રજૂ કરતી વખતે, સીએમ રેખા ગુપ્તાએ કહ્યું કે, દિલ્હીના માર્ગ પરિવહન અને માળખાગત સુવિધાઓના વિકાસ અને એનસીઆરમાં કનેક્ટિવિટી માટે 1000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. ઉપરાંત, મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, 50 હજાર વધારાના સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. મહિલાઓની સુરક્ષા માટે ૫૦ હજાર વધારાના કેમેરા માટે ૩૮૪૩ કરોડ રૂપિયાનું બજેટ છે. આ ઉપરાંત, ૧૦૦ સ્થળોએ અટલ કેન્ટીન ખોલવામાં આવશે, જેના માટે ૧૦૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવશે.
સામાજિક પેન્શન યોજના પર 3227 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. સીએમ રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે, 'હાલમાં 9.50 લાખ લાભાર્થીઓ છે જેમાં 4.02 લાખ વરિષ્ઠ નાગરિકો, 4.18 લાખ વિધવાઓ અને 1.30 લાખ અપંગ લોકોનો સમાવેશ થાય છે.' આ યોજના માટે 3227 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
૫૦૦ નવા ઘોડિયાઘર અને આંગણવાડી કેન્દ્રો ખોલવામાં આવશે.
સગર્ભા મહિલાઓને 21,000 રૂપિયાની નાણાકીય સહાય અને 6 પોષણ કીટ માટે 210 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. સક્ષમ આંગણવાડી અને પોષણ યોજના-2 હેઠળ, અમે 206 કરોડનું ભંડોળ રાખ્યું છે જે હેઠળ 1000 આંગણવાડીઓને સક્ષમ આંગણવાડીમાં રૂપાંતરિત કરવામાં આવશે. જ્યાં વધુ સારી સુવિધાઓ હશે. અમે ગરીબોના બાળકો માટે રાષ્ટ્રીય ઘોડિયાઘર યોજના હેઠળ 500 નવા ઘોડિયાઘર અને આંગણવાડી કેન્દ્રો ખોલીશું. આ માટે ૫૦ કરોડ રૂપિયાનું ભંડોળ રાખવામાં આવ્યું છે.
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
