News of Wednesday, 26th March 2025
EV બેટરી, મોબાઈલ ઉત્પાદનની વસ્તુઓ પર ટેરિફ દૂર કરાઈ
મોબાઈલ-ઈ-વ્હીકલ સસ્તા થઈ શકે છે અમેરિકા સાથે ટ્રેડ વોરની આશંકા વચ્ચે સરકારની સ્થાનિક ઉત્પાદકોને રાહત

નવી દિલ્હી,તા.૨૬: અમેરિકા સાથે ટેરિફ મામલે ચાલી રહેલા ગજગ્રાહ વચ્ચે સરકારે ઈલેક્ટ્રિક વાહનોની બેટરી તથા મોબાઈલ ફોનના ઉત્પાદન માટે વપરાતી કેટલીક વસ્તુઓ પર આયાત ડ્યૂટી નહીં લાદવાનો નિર્ણય જાહેર કર્યો છે.
અમેરિકા દ્વારા લદાનારા સંભવિતટેરિફનીઅસરથી સ્થાનિક ઉત્પાદકોને રક્ષણ આપવા માટે સરકારે ઉપરોક્ત નિર્ણય લીધો છે. નાણાં મંત્રી નિર્મલા સીતારામને નાણાં બિલ, ૨૦૨૫ પસાર કરતાં પહેલાં જણાવ્યું હતું કે, કાચા માલ-સામાન પરની ડ્યૂટી ઘટાડીને સરકાર સ્થાનિક ઉત્પાદનને વધારવા અને તેમની નિકાસ ક્ષમતા વધારવાનો ધ્યેય ધરાવે છે. ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતી ૩૫ વસ્તુઓ તથા મોબાઈલ ફોનના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતી ૨૮ વસ્તુઓ પર ભારતમાં આયાત ડયુટી નહીં લાગુ પડે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આગામી ૨ એપ્રિલથી ભારત પર લાદવામાં આવનારા ટેરિફની અસરોને ખાળવા સરકારે વિવિધ સ્તરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બંને દેશોએ ટેરિફના મામલાના ઉકેલ માટે મંત્રણાઓ શરૂ કરી છે.
એક અહેવાલ અનુસાર, તાજેતરમાં જ ભારત સરકારે અમેરિકાથી આયાત થતી વિવિધ વસ્તુઓ પર ટેરિફ ઘટાડવાની તૈયારી દર્શાવી હતી. ગયા સપ્તાહે પણ સંસદીય સમિતિએ સ્થાનિક ઉત્પાદકોને સહાય કરવા માટે કાચા માલ-સામાન પરની આયાત ડ્યૂટી ઘટાડવાની ભલામણ કરી હતી.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
