<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

પંજાબ બજેટ 2025 : પંજાબમાં પહેલીવાર થશે ‘ડ્રગ જનગણના’ : માન સરકારે બજેટમાં કરી મોટી જાહેરાતો

નશા વિરુદ્ધ યુદ્ધને મજબૂત કરવા ‘ડ્રગ જનગણના’ સહિત રમત-ગમત અને આરોગ્ય પર ભાર : GSDPમાં 9% વૃદ્ધિ

ચંડીગઢ, 26 માર્ચ, 2025: પંજાબના નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ આજે વિધાનસભામાં આમ આદમી પાર્ટી (AAP) સરકારનું ચોથું બજેટ રજૂ કર્યું. આ બજેટમાં પંજાબ સરકારે પહેલીવાર યુવાનોને નશાથી દૂર રાખવા માટે રમત-ગમત સાથે જોડવા પર ભાર મૂક્યો છે અને નશીલા પદાર્થોના પ્રચલન તેમજ નશામુક્તિ કેન્દ્રોના ઉપયોગને સમજવા માટે ‘ડ્રગ જનગણના’ કરવાની જાહેરાત કરી છે. રાજ્યના નાણામંત્રીએ જણાવ્યું કે માન સરકારે આર્થિક રીતે નબળા પંજાબને મજબૂત બનાવવાનું કામ કર્યું છે, જેના પરિણામે દેશમાં પંજાબ પ્રતિ વ્યક્તિ આવકમાં 15મા સ્થાને પહોંચી ગયું છે.


‘નશો પંજાબની તરક્કી માટે સૌથી મોટો ખતરો’:
હરપાલ ચીમાએ બજેટ ભાષણમાં કહ્યું, “આ વર્ષે પંજાબનો GSDP 9%ની વૃદ્ધિ સાથે ₹8.09 લાખ કરોડ સુધી પહોંચ્યો છે, અને 2025-26માં તેમાં 10%નો વધારો થવાની આશા છે. ટેક્સ રેવન્યૂમાં 14%ની વૃદ્ધિ થઈ છે.” તેમણે કોંગ્રેસ અને ભાજપ-અકાલી સરકારો પર આક્ષેપ કર્યો કે તેમણે પંજાબને નશાની દલદલમાં ધકેલ્યું અને નશાના વેપારને ફલવા-ફૂલવા દીધો. તેમણે ઉમેર્યું, “અમે ‘યુદ્ધ નશે વિરુદ્ધ’ અભિયાન શરૂ કર્યું છે, જેમાં પંજાબના લોકો માન સરકારનો સાથ આપી રહ્યા છે. અગાઉની સરકારોએ પંજાબની યુવાનીને નશામાં ડુબાડી, પરંતુ હવે અમે નશા તસ્કરોનો નાશ કરીને ‘વસદા પંજાબ’ બનાવી રહ્યા છીએ.”


તેમણે જણાવ્યું કે 1 માર્ચ, 2025થી શરૂ થયેલા ‘યુદ્ધ નશે દે વિરુદ્ધ’ અભિયાનનો હેતુ નશાને મૂળમાંથી નાબૂદ કરવાનો છે. આ ઝુંબેશના થોડા દિવસોમાં જ 2,136 FIR નોંધાઈ અને 3,816 નશા તસ્કરોની ધરપકડ કરવામાં આવી છે.


પંજાબ બજેટ 2025-26ની મુખ્ય વિશેષતાઓ:
પંજાબ સરકારે 2025-26 માટે ₹2.36 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે, જેને ‘બદલતા પંજાબનો રોડમેપ’ ગણાવ્યું છે.

બજેટની મુખ્ય જાહેરાતો નીચે મુજબ છે:

* નશા વિરુદ્ધ પગલાં:

- સરહદ પારથી નશાની તસ્કરી રોકવા માટે ₹110 કરોડનું બજટ, જેમાં 5,000 હોમ ગાર્ડ BSF સાથે તૈનાત થશે અને અદ્યતન એન્ટી-ડ્રોન સિસ્ટમ સ્થાપિત થશે.

- પંજાબમાં પહેલી ‘ડ્રગ જનગણના’ માટે ₹150 કરોડનું બજટ, જે નશાની વ્યાપકતા અને સમાજિક-આર્થિક સ્થિતિનો ડેટા એકત્ર કરશે.

* ઇમરજન્સી સેવાઓ:

- ‘ડાયલ 112’ સેવાને મજબૂત કરવા 758 ચાર-પૈડાં અને 916 બે-પૈડાં વાહનો ખરીદાશે, જેથી પ્રતિસાદ સમય 8 મિનિટ સુધી ઘટે.

- મોહાલીમાં નવા ‘ડાયલ 112’ હેડક્વાર્ટર માટે ₹53 કરોડનું બજટ.

- ઇમરજન્સી રિસ્પોન્સ વાહનો માટે ₹125 કરોડનું ફાળવણું.

* આરોગ્ય અને કલ્યાણ:

- 65 લાખ પરિવારોનું બીમા કવર ₹5 લાખથી વધારીને ₹10 લાખ કરાયું.

- ‘મુખ્યમંત્રી સરબત સેહત બીમા યોજના’ હેઠળ ‘સેહત કાર્ડ’ બનશે, જે માટે ₹778 કરોડનું બજટ.

- આમ આદમી ક્લિનિક્સ માટે ₹268 કરોડની ફાળવણી.

- ‘ફરિશ્તે યોજના’ હેઠળ અકસ્માત પીડિતોના ઉપચાર અને આર્થિક સહાય માટે ₹10 કરોડ.

* વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર:

- ‘રંગલા પંજાબ વિકાસ યોજના’ હેઠળ ₹585 કરોડ (પ્રત્યેક વિધાનસભા ક્ષેત્ર માટે ₹5 કરોડ) ફાળવાયા.

- ‘મુખ્યમંત્રી સ્ટ્રીટ લાઇટ યોજના’ હેઠળ ₹115 કરોડનું બજટ, જેમાં 2.5 લાખ સ્ટ્રીટ લાઇટ્સ લગાવાશે.

* લોક કલ્યાણ:

- 2025-26 માટે ₹7,614 કરોડનું બજટ, જેમાં ઘરેલું ઉપભોક્તાઓને 300 યુનિટ મફત વીજળી મળશે.

- મહિલાઓ માટે મફત બસ યાત્રા ચાલુ રહેશે, જે માટે ₹450 કરોડનું આયોજન.

- ત્રણ જિલ્લાઓમાં મકાઈના ઉત્પાદન માટે હેક્ટર દીઠ ₹17,500ની સહાય.


નાણાકીય સ્થિતિ અને ભવિષ્યની યોજના:
ચીમાએ જણાવ્યું કે આ બજેટ ‘બદલતા પંજાબ’નું ભવિષ્ય દર્શાવે છે. રાજ્યનું રેવન્યૂ ડેફિસિટ 2025-26ના અંત સુધીમાં 2.51% અને ફિસ્કલ ડેફિસિટ 3.84% રહેવાની આશા છે, જે નાણાકીય એકીકરણ તરફનું પગલું છે. તેમણે ભૂતકાળની સરકારો પર આક્ષેપ કર્યો કે તેમણે પંજાબને નશાના દૂષણમાં ધકેલ્યું, પરંતુ હવે માન સરકાર નશા તસ્કરોનો નાશ કરીને પંજાબને સમૃદ્ધ બનાવવા પ્રતિબદ્ધ છે.


આ બજેટ નશા વિરુદ્ધ લડાઈ, આરોગ્ય, શિક્ષણ અને ખેડૂતોના કલ્યાણ પર કેન્દ્રિત છે, જે પંજાબને ‘રંગલા અને વસદા’ બનાવવાની દિશામાં મહત્વનું પગલું ગણાય છે.

 

(1:07 PM IST)