<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

આગરામાં સાંસદ રામજીલાલ સુમનના નિવાસ પર કરણી સેનાનો હુમલો, પોલીસ સાથે અથડામણ, ઘટનાસ્થળે તણાવ: સંખ્યાબંધને ઇજા

પથ્થરમારો શરૂ થતા પોલીસે લાઠીચાર્જ કરતા ઘણી ખુર્સીઓ અને નિવાસનું ગેટ તોડી નાખવામાં આવ્યું: પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવા પોલીસે અનેક કાર્યકરોને હિરાસતમાં લીધા

આગરા: સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીલાલ સુમનના રાણા સાંગા વિશેના વિવાદાસ્પદ નિવેદનથી ભડકેલી કરણી સેનાએ આજે ઉત્તર પ્રદેશના આગરા ખાતે આક્રમક હુમલો કર્યો. હજારો કરણી સેનાના કાર્યકરો બપોરે એત્માદપુરના કુબેરપુર સ્થિત સાંસદના નિવાસસ્થાને તૂટી પડ્યા હતા. આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ, જેમાં એક પોલીસ ઈન્સપેક્ટર સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

 

આજે બપોરે લગભગ ૨ વાગ્યાની આસપાસ કરણી સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં સાંસદના ઘર તરફ આગળ વધ્યા હતા. આ પહેલાં જ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે ઘટનાસ્થળે મોટાપાયે દળો તૈનાત કર્યા હતા. જોકે, ગુસ્સે ભરાયેલા કાર્યકરોએ ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરતાં પોલીસ સાથે દલીલબાજી શરૂ થઈ. થોડી જ વારમાં આ દલીલો હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ.

 

કાર્યકરોએ પથ્થરમારો શરૂ કર્યો, જેના જવાબમાં પોલીસે લાઠીચાર્જ કરીને ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં ઘણી કુર્સીઓ અને નિવાસનું ગેટ તોડી નાખવામાં આવ્યું હતું. પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવા પોલીસે અનેક કાર્યકરોને હિરાસતમાં લીધા છે.

 

આ હુમલાનું કારણ સાંસદ રામજીલાલ સુમનનું એક તાજેતરનું નિવેદન છે, જેમાં તેમણે રાજપૂત યોદ્ધા રાણા સાંગાને "ગદ્દાર" ગણાવ્યા હતા. એક કથિત વીડિયોમાં સુમન દાવો કરતા સાંભળવા મળ્યા હતા કે, "રાણા સાંગાએ ઈબ્રાહિમ લોદીને હરાવવા માટે બાબરને ભારતમાં આમંત્રણ આપ્યું હતું." આ નિવેદનથી રાજપૂત સમાજમાં ભારે આક્રોશ ફેલાયો, જેના પરિણામે કરણી સેનાએ આજે આ હુમલો કર્યો.

 

 

ઘટના બાદ કુબેરપુર વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ છવાયો છે. પોલીસે વધુ દળો તૈનાત કરીને પરિસ્થિતિ પર નજર રાખી છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કરણી સેનાના કેટલાક નેતાઓએ ચેતવણી આપી છે કે જો સાંસદે તેમનું નિવેદન પાછું નહીં ખેંચે તો આગળનું આંદોલન વધુ તીવ્ર બનશે.

 

 

રામજીલાલ સુમનની આ ઘટના બાદ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. જોકે, તેમના નિવેદનથી રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. સમાજવાદી પાર્ટીએ હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.

(3:38 PM IST)