<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

આર્ક ઓફ ધ કોવેનન્ટ મળી આવ્યું? ડિક્લાસિફાઇડ સીઆઈએ દસ્તાવેજો સૂચવે છે મધ્ય પૂર્વમાં 1980ના દાયકામાં મહત્વની શોધ : સાયકિકની મદદથી થયું દર્શન

પ્રોજેક્ટ સન સ્ટ્રીક હેઠળ રિમોટ વ્યૂઈંગથી પવિત્ર વસ્તુનું સ્થાન નક્કી કરાયું : સોશિયલ મીડિયા પર ચર્ચા ગરમ

વોશિંગ્ટન, તા. 29 માર્ચ 2025: ખોવાયેલું મનાતું પવિત્ર આર્ક ઓફ ધ કોવેનન્ટ, જે બાઇબલમાં વર્ણવાયેલ સોનાથી મઢેલું પેટી છે, તે શોધાઈ ગયું હોવાનો દાવો અમેરિકન ગુપ્તચર સંસ્થા સીઆઈએના ડિક્લાસિફાઇડ દસ્તાવેજોમાં કરવામાં આવ્યો છે. આ દસ્તાવેજો અનુસાર, 1980ના દાયકામાં સીઆઈએએ તેના ગુપ્ત પ્રોજેક્ટના ભાગરૂપે એક સાયકિકની મદદથી આ પવિત્ર વસ્તુ મધ્ય પૂર્વમાં શોધી કાઢી હોવાનું જણાવાયું છે. આ ઘટનાએ ઇતિહાસકારો, પુરાતત્ત્વવિદો અને સામાન્ય લોકોમાં ભારે ચર્ચા જગાવી છે.

શું છે સમગ્ર ઘટના?:
સીઆઈએના ડિક્લાસિફાઇડ દસ્તાવેજોમાં દર્શાવાયું છે કે, 5 ડિસેમ્બર, 1988ના રોજ પ્રોજેક્ટ સન સ્ટ્રીકના ભાગરૂપે રિમોટ વ્યૂઈંગનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રયોગમાં રિમોટ વ્યૂઅર નંબર 32 નામના સાયકિકને કોઈ અજાણ્યા લક્ષ્યને શોધવાનું કામ સોંપાયું હતું, જે પછીથી આર્ક ઓફ ધ કોવેનન્ટ હોવાનું બહાર આવ્યું. આ સાયકિકને લક્ષ્ય વિશે કોઈ પૂર્વ જાણકારી આપવામાં આવી ન હતી. તેમણે વર્ણન કર્યું કે, "લક્ષ્ય એક પાત્ર છે, જેની અંદર બીજું એક પાત્ર છે. તે લાકડું, સોનું અને ચાંદીથી બનેલું છે અને તેના પર છ પાંખોવાળા દેવદૂતની આકૃતિ શણગારેલી છે." તેમણે ઉમેર્યું કે આ વસ્તુ મધ્ય પૂર્વના એક સ્થળે છુપાયેલી છે અને તેને "અદૃશ્ય શક્તિઓ દ્વારા સુરક્ષિત કરવામાં આવી છે."

આર્કનું રહસ્યમય સ્વરૂપ:
સાયકિકે જણાવ્યું હતું કે, "આ પાત્રને ફક્ત અધિકૃત વ્યક્તિઓ જ ખોલી શકે છે અને તે પણ ત્યારે જ જ્યારે યોગ્ય સમય આવશે. જો કોઈએ તેને બળજબરીથી ખોલવાનો પ્રયાસ કર્યો તો તેનો નાશ થશે. ખોલવાની પદ્ધતિ સરળ હશે, પરંતુ તે સમય પર આધારિત છે." બાઇબલ અનુસાર, આર્ક ઓફ ધ કોવેનન્ટ ઈસ્રાએલીઓએ ઈજિપ્તમાંથી મુક્તિ મેળવ્યા બાદ 1445 બીસીની આસપાસ બનાવ્યું હતું. મોસેસે તેમાં દસ આજ્ઞાઓ મૂકી હતી, જે ભગવાને તેમને આપી હતી, જેમાં 'તું હત્યા નહીં કરે' અને 'તારા માતા-પિતાનું સન્માન કર' જેવા નિયમો સામેલ છે. આ પેટીને પવિત્ર મંદિરના સૌથી અંદરના ભાગમાં રાખવામાં આવી હતી, પરંતુ બેબીલોનિયન આક્રમણ (586 બીસી) બાદ તે ગાયબ થઈ ગઈ.

સીઆઈએનો પ્રોજેક્ટ સન સ્ટ્રીક:
1980ના દાયકામાં સીઆઈએએ પ્રોજેક્ટ સન સ્ટ્રીક હેઠળ રિમોટ વ્યૂઈંગનો ઉપયોગ કરીને દૂરના સ્થળો અને વસ્તુઓ શોધવાના પ્રયોગો કર્યા હતા. આ પદ્ધતિમાં સાયકિક્સે તેમની માનસિક શક્તિ વડે દૂરની વસ્તુઓનું વર્ણન કરવું પડતું હતું. આ દસ્તાવેજો 2000માં ડિક્લાસિફાઇડ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તેની ચર્ચા ફરી શરૂ થઈ છે. જોકે, રિમોટ વ્યૂઈંગને વૈજ્ઞાનિક રીતે સાબિત કરી શકાયું નથી અને તેને સામાન્ય રીતે છદ્મ વિજ્ઞાન માનવામાં આવે છે.

 

(12:53 PM IST)