<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th March 2025

આઈટી ડિપાર્ટમેન્ટે ઈન્ડિગો પર લગાવ્યો 944 કરોડ રૂપિયાનો દંડ : એરલાઈન્સે આદેશને 'ભૂલભરેલો અને નકામો' ગણાવી કાનૂની લડતની જાહેરાત કરી

2021-22ના આકારણી નિર્ણયને લઈને દંડ : આદેશને કાયદાકીય રીતે પડકારશે ઈન્ડિગો

નવી દિલ્હી : આવકવેરા વિભાગે દેશની સૌથી મોટી એરલાઈન્સ ઈન્ડિગો પર 944.20 કરોડ રૂપિયાનો ભારે દંડ ફટકાર્યો છે. ઈન્ડિગોની માતૃ કંપની ઈન્ટરગ્લોબ એવિએશને આ આદેશને 'ભૂલભરેલો અને નકામો' ગણાવી તેની સામે કાનૂની પગલાં લેવાની જાહેરાત કરી છે. આ આદેશ શનિવારે કંપનીને પ્રાપ્ત થયો હતો.


રવિવારે રેગ્યુલેટરી ફાઈલિંગમાં ઈન્ડિગોએ જણાવ્યું કે, આવકવેરા વિભાગના આકારણી એકમે નાણાકીય વર્ષ 2021-22 માટે 944.20 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. કંપનીનું કહેવું છે કે આ આદેશ ખોટી સમજણના આધારે પસાર કરવામાં આવ્યો છે. આવકવેરા વિભાગે ધાર્યું છે કે કંપનીએ સેક્શન 143(3) હેઠળના આકારણી આદેશ સામે કમિશનર ઓફ ઈન્કમ ટેક્સ (અપીલ્સ) (CIT(A)) સમક્ષ કરેલી અપીલ નકારાઈ ગઈ છે, જ્યારે હકીકતમાં આ અપીલ હજુ પણ ચાલુ છે અને તેનો નિર્ણય બાકી છે.


ઈન્ડિગોએ ફાઈલિંગમાં ઉમેર્યું કે, આવકવેરા વિભાગનો આ આદેશ કાયદાની વિરુદ્ધ છે અને તેમાં કોઈ મેરિટ નથી. કંપની આ આદેશને પડકારવા માટે યોગ્ય કાનૂની પગલાં લેશે. ઈન્ડિગોનું માનવું છે કે આ દંડનો આદેશ ન્યાયસંગત નથી અને તેને રદ કરાવવા માટે કંપની પૂરેપૂરી કાનૂની લડત આપશે.


કંપનીએ સ્પષ્ટ કર્યું કે આ આદેશની તેના નાણાકીય સ્થિતિ, સંચાલન કે અન્ય પ્રવૃત્તિઓ પર કોઈ નોંધપાત્ર અસર નહીં થાય. ઈન્ડિગોનું કહેવું છે કે આ મામલો તેમના રોજિંદા કામકાજને અસર કરશે નહીં અને કંપની પોતાની સેવાઓ યથાવત ચાલુ રાખશે.


દેશની સૌથી મોટી એરલાઈન્સ તરીકે ઈન્ડિગોનું બજારમાં મજબૂત સ્થાન છે. આવા આદેશો સામે કંપનીની કાનૂની લડત એ દર્શાવે છે કે તે પોતાના હિતોનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આગળના કાનૂની નિર્ણયો પર નજર રહેશે કે આ મામલો કઈ દિશામાં આગળ વધે છે.

 

(3:32 PM IST)