News of Sunday, 30th March 2025
વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં જઈ રહેલી SUV પુલ પરથી પડી, 2 લોકોના મોત, 7 ઘાયલ
પોલીસ અધિકારીઓએ કહ્યું સોન નદી પરના પુલ પર પહોંચતા એસયુવી ચાલકે વાહન પર કાબુ ગુમાવી દીધો હતો.

નવી દિલ્હીઃ છત્તીસગઢના બિલાસપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના કાર્યક્રમમાં લોકોને લઈ જતી એક SUV ગૌરેલા-પેંડ્રા-મારવાહી જિલ્લામાં નદીમાં પડી ગઈ. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે અને 7 લોકો ઘાયલ થયા છે. છત્તીસગઢ પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માત સવારે 9 વાગ્યે પેંડ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના કોટમી ગામ પાસે થયો હતો.
છત્તીસગઢ પોલીસના જણાવ્યા અનુસાર, SUV માં 8 લોકો હતા. તે માનેન્દ્રગઢ-ચિરમિરી-ભરતપુર (MCB) જિલ્લાથી બિલાસપુર જઈ રહ્યું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે સોન નદી પરના પુલ પર પહોંચતાની સાથે જ એસયુવી ચાલકે વાહન પરનો કાબુ ગુમાવી દીધો.
પોલીસના જણાવ્યા અનુસાર, ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો અને એક મહિલા રાહદારીને ટક્કર મારી. આ પછી વાહન નદીમાં પડી ગયું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં મહિલા રાહદારી અને ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. SUV માં સવાર અન્ય સાત લોકો ઘાયલ થયા હતા.
છત્તીસગઢ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ પાંડ્રીખાર ગામની રમિતા બાઈ અને SUV ડ્રાઈવર બાબુલાલ ચૌધરી તરીકે થઈ છે. ઘાયલોને ગૌરેલા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાંથી પાંચની હાલત ગંભીર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે બપોરે બિલાસપુર જિલ્લાના મોહભટ્ટા ગામમાં 33,700 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવા સાથે અનેક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શુભારંભ કરશે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
