<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th March 2025

જો ઈરાન પરમાણુ કરાર માટે સંમત નહીં થાય તો તેના પર બોમ્બમારો કરશું : ટ્રમ્પની ધમકી

ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે જો ઈરાન કોઈ કરાર માટે સંમત નહીં થાય, તો હું ફરીથી તેના પર સેકેન્ડરી ટેરિફ લાદીશ, જેમ મેં ચાર વર્ષ પહેલા કર્યું હતું

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ વધી રહ્યો હોય તેવું લાગે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું હતું કે જો ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ પર કોઈ કરાર પર પહોંચવાનો ઇનકાર કરે છે તો તેઓ તેના પર બોમ્બમારો કરવાનું વિચારશે. આ ઉપરાંત, તેને ગંભીર આર્થિક પ્રતિબંધોનો સામનો કરવો પડશે.
રોઇટર્સના જણાવ્યા અનુસાર, NBC ન્યૂઝ સાથેના ટેલિફોન ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું, અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ચાલી રહી છે, પરંતુ જો તેઓ કોઈ કરાર નહીં કરે તો બોમ્બમારો થશે. આ એવો બોમ્બમારો હશે જે તેમણે પહેલાં ક્યારેય નહીં જોયો હોય. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે જો ઈરાન કોઈ કરાર માટે સંમત નહીં થાય, તો હું ફરીથી તેના પર સેકેન્ડરી ટેરિફ લાદીશ, જેમ મેં ચાર વર્ષ પહેલા કર્યું હતું.
રવિવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી પત્ર મળ્યા બાદ ઈરાને અમેરિકા સાથે સીધી વાતચીત કરવાનો ઇનકાર કર્યો હતો. રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું કે દેશ તેના પરમાણુ કાર્યક્રમ અંગે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે સીધી વાટાઘાટો કરશે નહીં. રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ઈરાનના સર્વોચ્ચ નેતાને મોકલવામાં આવેલા પત્ર પર ઈરાનની આ પહેલી પ્રતિક્રિયા હતી. રાષ્ટ્રપતિ પેઝેશ્કિઆને ઓમાન દ્વારા પોતાના પ્રતિભાવમાં સીધી વાટાઘાટોનો ઇનકાર કર્યો છે, છતાં તેમણે અમેરિકા સાથે પરોક્ષ વાટાઘાટોની શક્યતાને નકારી નથી. અમે વાતચીત ટાળી રહ્યા નથી, પરંતુ વચનોના ઉલ્લંઘનને કારણે અમને કેટલીક સમસ્યાઓ છે, પેઝેશ્કિઆને કેબિનેટ બેઠક દરમિયાન જણાવ્યું હતું. તેમણે (અમેરિકા) એ સાબિત કરવું પડશે કે તેઓ વિશ્વાસ પુનઃસ્થાપિત કરી શકે છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીને એક પત્ર મોકલીને તેહરાનના ઝડપથી વધી રહેલા પરમાણુ કાર્યક્રમ પર ચિંતા વ્યક્ત કરી હતી.તેમના પહેલા કાર્યકાળ  દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને વિશ્વ શક્તિઓ વચ્ચે 2018ના ઈરાન પરમાણુ કરારમાંથી અમેરિકાને અલગ કરી દીધું હતું. આ કરારમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર કડક નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા અને તેના બદલામાં આર્થિક પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા હતા. આ કરારમાંથી ખસી ગયા પછી, ટ્રમ્પે ફરીથી ઈરાન પર કડક પ્રતિબંધો લાદ્યા. 2018થી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. આમાં ગાઝામાં ઇઝરાયલ-હમાસ સંઘર્ષમાં ઈરાન સમર્થિત જૂથોના નેતાઓ પરના હુમલાઓનો સમાવેશ થાય છે. અમેરિકા હાલમાં યમનમાં હુથી બળવાખોરો સામે હવાઈ હુમલા કરી રહ્યું છે અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ સામે સંભવિત લશ્કરી કાર્યવાહી અંગે ચિંતાઓ યથાવત છે.

 


 

(11:01 PM IST)