<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

જો મોબાઇલ નંબર બંધ હોય તો UPI સેવાઓ ઉપલબ્‍ધ રહેશે નહીં

આવતીકાલથી આ સંબંધિત નિયમોમાં મોટા ફેરફારો થશે

નવી દિલ્‍હી, તા.૩૧: નવું નાણાકીય વર્ષ આવતીકાલે એટલે કે ૧ એપ્રિલથી શરૂ થઈ રહ્યું છે. નાણાકીય વર્ષના પહેલા દિવસથી જ ઘણા મોટા ફેરફારો થઈ રહ્યા છે. આની સીધી અસર લોકોના ખિસ્‍સા પર પડશે. આજકાલ લગભગ દરેક વ્‍યક્‍તિ પોતાના રોજિંદા કામમાં UPI નો ઉપયોગ કરી રહ્યા છે. આવતીકાલથી આ સંબંધિત નિયમોમાં મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે.

નેશનલ પેમેન્‍ટ્‍સ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા (NPCI) એ UPI વ્‍યવહારોની સુરક્ષા અને અસરકારકતા વધારવા માટે નવા નિયમો જારી કર્યા છે. આ નિયમો ૧ એપ્રિલથી લાગુ થઈ રહ્યા છે. આ મુજબ, જો તમે ૯૦ દિવસ સુધી તમારા મોબાઈલ નંબરનો ઉપયોગ નહીં કરો, તો ટેલિકોમ કંપની તે નંબર બીજા કોઈને આપી શકે છે.

આનો અર્થ એ થયો કે જો તમે જૂના મોબાઇલ નંબર સાથે UPI લિંક કર્યું છે અને તે નંબર બંધ છે, તો તમારું UPI ID પણ કામ કરશે નહીં. એટલે કે તમે UPI સેવાઓનો ઉપયોગ કરી શકશો નહીં.

૧ એપ્રિલથી, બેંકો અને UPI એપ્‍સ અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત ગ્રાહકોના મોબાઇલ નંબર રેકોર્ડ તપાસશે અને અપડેટ કરશે જેથી બદલાયેલા મોબાઇલ નંબરને કારણે ભૂલભરેલા વ્‍યવહારો અટકાવી શકાય.

UPI સેવાઓ ચાલુ રહે તે સુનિશ્‍ચિત કરવા માટે બેંકમાં તમારો મોબાઇલ નંબર અપડેટ કરો. જો તમે તાજેતરમાં તમારો નંબર બદલ્‍યો છે, તો જલ્‍દી જ બેંકમાં નવો નંબર નોંધાવો.

બેંકમાં નોંધાયેલા નંબરનો ઉપયોગ કરતા રહો જેથી તે નિષ્‍ક્રિય ન થાય અને UPI સેવાઓ પ્રભાવિત ન થાય.

NPCI એ તાજેતરમાં છેતરપિંડી ઘટાડવા માટે કલેક્‍ટ પેમેન્‍ટ સુવિધાને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. હવે આ સુવિધા ફક્‍ત મોટા અને ચકાસાયેલ વેપારીઓ સુધી મર્યાદિત રહેશે. વ્‍યક્‍તિગત વ્‍યવહારોમાં તેની મર્યાદા વધારીને ૨,૦૦૦ રૂપિયા કરવામાં આવશે

(2:54 PM IST)