<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

IFS નિધિ તિવારી PMના નવા પ્રાયવેટ સેક્રેટરી

આઇએફએસ ઓફિસર નિધિ તિવારી હાલ પીએમઓ(પ્રાઇમ મિનિસ્‍ટર્સ ઓફિસ)માં ડેપ્‍યુટી સેક્રેટરી તરીકેનો કાર્યભાર સંભાળી રહયા છે

નવી દિલ્‍હી, તા.૩૧: કેન્‍દ્ર સરકારે આજે વડાપ્રધાન મોદીના પ્રાયવેટ સેક્રેટરી તરીકે નિધિ તિવારી(IFS ૨૦૧૪)ની નિમણૂક કરી છે. ડિપાર્ટમેન્‍ટ ઑફ પર્સનલ એન્‍ડ ટ્રેનિંગ(DoPT) દ્વારા જારી આદેશ અનુસાર, કેબિનેટ કમિટીની મંજૂરી મળતાં તાત્‍કાલિક ધોરણે નિધિ તિવારી આજથી જ વડાપ્રધાનના પ્રાયવેટ સેક્રેટરી તરીકેનો કાર્યભાર સંભાળશે.

આઇએફએસ ઑફિસર નિધિ તિવારી હાલ પીએમઓ(પ્રાઇમ મિનિસ્‍ટર્સ ઑફિસ)માં ડેપ્‍યુટી સેક્રેટરી તરીકેનો કાર્યભાર સંભાળી રહ્‍યા છે. તેઓ હવે વડાપ્રધાનના પ્રાયવેટ સેક્રેટરી તરીકે લેવલ ૧૨ના પે મેટ્રિક્‍સ પર કાર્યભાર સંભાળશે.

૨૦૧૪ની બેન્‍ચના ઇન્‍ડિયન ફોરેન સર્વિસ (IFS) ઑફિસર નિધિ તિવારી ૬ જાન્‍યુઆરી, ૨૦૨૩થી પીએમઓમાં ડેપ્‍યુટી સેક્રેટરી તરીકે સેવા આપી રહ્‍યા છે. તે પહેલાં તે વિદેશ મંત્રાલયમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા બાબતો ક્ષેત્રે કામગીરી કરી રહયા હતા. ૨૦૨૨માં તે અંડર સેક્રેટરી તરીકે જોડાયા હતા. વારાણસીના મેહમુરગંજ નિવાસી તિવારીએ ૨૦૧૩માં સિવિલ સર્વિસ પરીક્ષામાં ૯૬મો રેક્ર હાંસલ કર્યો હતો. યુપીએસસી પાસ કર્યા પહેલાં તે વારાણસીમાં કોમર્શિયલ ટેક્‍સ વિભાગમાં આસિસ્‍ટન્‍ટ કમિશ્નર તરીકે ફરજ નિભાવી રહયા હતા. નિધિ તિવારી વિદેશી બાબતો, એટોમિક એનર્જી, સુરક્ષા બાબતો, સહિતના ક્ષેત્રોમાં નિપુણતા અને અનુભવ ધરાવે છે.

વડાપ્રધાનના પ્રાયવેટ સેક્રેટરી તરીકે નિધિ PMના કાર્યક્રમોનું સંકલન, બેઠકોનું આયોજન અને સરકારી વિભાગો સાથે સંપર્ક સંબંધિત કામકાજ પર દેખરેખ રાખશે. નિધિની નિમણૂકની જાહેરાત પહેલાં વડાપ્રધાનના બે પ્રાયવેટ સેક્રેટરી વિવેક કુમાર અને હાર્દિક શાહ હતા.

(4:10 PM IST)