<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

ભાવનગરનું કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન : પ્રકૃતિપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન : 5 હજાર કાળીયારનું ઘર

34 ચો.કિ.મી.માં ફેલાયેલું ‘ભાલ’ : સહેલાણીઓ માટે 15 ગાડીઓ અને 22 ગાઈડની સુવિધા

માહિતી બ્યુરો, ભાવનગર, 1 એપ્રિલ 2025: ગુજરાતના ચાર રાષ્ટ્રીય ઉદ્યાનોમાંથી એક, ભાવનગરથી 52 કિલોમીટર દૂર વેળાવદર ખાતે આવેલું કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન પ્રકૃતિપ્રેમીઓ માટે સાચા અર્થમાં સ્વર્ગ સમાન છે. 34.53 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ ઉદ્યાનમાં લગભગ 5 હજાર કાળીયાર મુક્તપણે વિચરે છે. આ ઉપરાંત, નીલગાય, વરૂ, ઝરખ અને દેશ-વિદેશના યાયાવર પક્ષીઓ જેવા કે ખડમોર અને પટ્ટાઈઓ અહીંના વેટલેન્ડમાં જોવા મળે છે. સમતળ જમીન, સૂકું ઘાસ અને હરણોના ટોળાંઓ આ પાર્કનું આકર્ષણ છે, જે મુલાકાતીઓને હંમેશાં મોહિત કરે છે.

કાળીયાર: ભાલનું ગૌરવ:
કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન ‘ભાલ’ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં આવેલું છે, જે ગુજરાતનું આગવું નજરાણું છે. અહીંનું કાળીયાર (Antelope cervicapra rajputanae) ભારતના અન્ય રાજ્યોના કાળીયારથી અલગ દેહલાલીત્ય ધરાવે છે. આ પ્રાણી ટોળામાં રહે છે અને પ્રતિ કલાક 80 કિ.મી.ની ઝડપે દોડી શકે છે. તેની એક ફૂદકીમાં બે ખરીનું અંતર 6.60 મીટર સુધી હોઈ શકે છે, જે તેને ચિત્તાથી પણ અનોખું બનાવે છે. આ ઉદ્યાનમાં 5 હજારથી વધુ કાળીયાર મુક્ત રીતે વિચરતા જોવા મળે છે, જે પ્રકૃતિની અદભૂત ભેટ છે.

ખડમોર અને પટ્ટાઈઓનું આશ્રયસ્થાન:
આ ઉદ્યાન દુર્લભ પક્ષી ખડમોર (લેસર ફ્લોરીકન)નું પણ ઘર છે. ચોમાસા બાદ આવતા આ પક્ષીના નર 1.5થી 2 મીટરની ઊંચી ફૂદકી મારીને માદાને આકર્ષે છે અને ‘ટરરરુ’ જેવો અવાજ કરે છે. માદા જમીન પર માળો બાંધી 3-4 ઈંડાં મૂકે છે, પરંતુ ચોમાસામાં પાર્ક બંધ રહેતાં પ્રવાસીઓ તેને નિહાળી શકતા નથી. આ ઉપરાંત, પટ્ટાઈઓ (હેરિયર્સ)નું આ ઉદ્યાન વિશ્વનું સૌથી મોટું સામૂહિક શયન સ્થાન છે. કઝાકિસ્તાન અને સાયબેરિયાથી 8000 કિ.મી.ની મુસાફરી કરીને આવતા આ શિકારી પક્ષીઓ શિયાળામાં અહીં રાતવાસો કરે છે. પટ્ટી-પટ્ટાઈ, ઉજળી પટ્ટાઈ, ઉત્તરીય પટ્ટાઈ અને પાન પટ્ટાઈ જેવી ચાર જાતો અહીં જોવા મળે છે.

ઝરખ અને વરૂ - પર્યાવરણના સંતુલક:
ઉદ્યાનમાં ઝરખ અને ભારતીય વરૂ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ઝરખ, જે શ્વાનકૂળનું પ્રાણી છે, મૃત પ્રાણીઓનું માંસ અને હાડકાં ખાઈને પર્યાવરણને સ્વચ્છ રાખે છે. તેનું કદ કૂતરા કરતાં મોટું અને શરીર પર કાળા પટ્ટા હોય છે. બીજી તરફ, ભારતીય વરૂ ટોચનું શિકારી છે, જેના આહારમાં 80-90% કાળીયાર હોય છે. વરૂ 2થી 13 સભ્યોના જૂથમાં રહે છે અને કિશોર વરૂ પુખ્ત થતાં નવા વિસ્તારોમાં વિસ્તરે છે.

સહેલાણીઓ માટે શ્રેષ્ઠ સુવિધાઓ:
કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન આખું વર્ષ ખુલ્લું હોય છે, પરંતુ ડિસેમ્બરથી માર્ચનો સમય મુલાકાત માટે આદર્શ છે, કારણ કે આ દરમિયાન સ્થળાંતર કરતાં પક્ષીઓ જેવા કે ગરુડ, સારસ અને જળપક્ષીઓ અહીં જોવા મળે છે. સહેલાણીઓ માટે 15 ગાડીઓ અને 22 ગાઈડની સુવિધા ઉપલબ્ધ છે, જે પ્રવાસને સરળ અને માહિતીપ્રદ બનાવે છે. ટિકિટના ભાવ પણ અન્ય રાષ્ટ્રીય ઉદ્યાનોની સરખામણીમાં ઓછા છે, જેનાથી વધુ લોકો આ પ્રકૃતિના ખજાનાનો આનંદ માણી શકે છે.

ઘાસીયા ઇકોસિસ્ટમનું અદભૂત દર્શન:
આ ઉદ્યાનની ઘાસીયા ભૂમિ અને સ્થાનિક વૃક્ષોની વસાહત તેને અનોખું બનાવે છે. અહીંનું વેટલેન્ડ વિવિધ પક્ષીઓ માટે આશ્રયસ્થાન છે, જ્યારે કાળીયાર, નીલગાય, શિયાળ અને લોંકડી જેવા પ્રાણીઓ પર્યાવરણની શોભા વધારે છે. ચોમાસા પછીનો સમય ખડમોર જોવા માટે શ્રેષ્ઠ હોવા છતાં, પાર્ક બંધ રહેતું હોવાથી પ્રવાસીઓ શિયાળામાં જ આવવાનું પસંદ કરે છે. આ ઉદ્યાન ગુજરાતના પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો માટે એક અમૂલ્ય ધરોહર છે.

 

(1:15 PM IST)