રાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ ઝડપથી વધ્યો : 5 વર્ષમાં પ્રવાસીઓની સંખ્યા 33.16 લાખથી 1.61 કરોડ : માલની હેરફેર 73.64 MT થી 133.03 MT થઈ : ગુજરાતમાં ચાર જળમાર્ગ કાર્યરત : સરકારે પ્રોત્સાહન માટે લીધાં અનેક પગલાં
રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝ મંત્રી સર્વાનંદ સોનોવાલે રાજ્યસભામાં માહિતી પૂરી પાડી

નવી દિલ્હી, એપ્રિલ 1, 2025: દેશમાં રાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ પરિવહન માટે ઝડપથી વધી રહ્યો છે. છેલ્લાં પાંચ વર્ષમાં જળમાર્ગોનો ઉપયોગ કરનારા પ્રવાસીઓની સંખ્યા 33.16 લાખથી વધીને 1.61 કરોડ થઈ ગઈ છે, જ્યારે માલની હેરફેરનો આંક પણ 73.64 મિલિયન ટન (MT)થી વધીને 133.03 MT પર પહોંચ્યો છે. આ માહિતી રાજ્યસભામાં સાંસદ પરિમલભાઈ નથવાણીના એક સવાલના જવાબમાં કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝ મંત્રી સર્વાનંદભાઈ સોનોવાલે આપી હતી. મંત્રીએ જણાવ્યું કે, સરકારે જળમાર્ગો દ્વારા પરિવહનને પ્રોત્સાહન આપવા અનેક મહત્વનાં પગલાં લીધાં છે, જેના પરિણામે આ ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે.
પાંચ વર્ષમાં પ્રવાસીઓ અને માલની હેરફેરમાં જબરદસ્ત ઉછાળો
કેન્દ્રીય મંત્રી સર્વાનંદભાઈ સોનોવાલે રાજ્યસભામાં જણાવ્યું કે, વર્ષ 2019-20માં રાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ કરનારા પ્રવાસીઓની સંખ્યા 33.16 લાખ હતી, જે 2023-24ના અંત સુધીમાં 1.61 કરોડે પહોંચી ગઈ છે. આ એટલે કે પાંચ વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં લગભગ પાંચ ગણો વધારો થયો છે. તેવી જ રીતે, જળમાર્ગો દ્વારા માલની હેરફેર પણ 2019-20માં 73.64 મિલિયન ટન હતી, જે 2023-24માં વધીને 133.03 મિલિયન ટન થઈ ગઈ છે. આ આંકડાઓ દર્શાવે છે કે, દેશમાં જળમાર્ગો આધારિત પરિવહન ઝડપથી લોકપ્રિય બની રહ્યું છે અને તે રેલવે તથા રોડ પરિવહનનો વિકલ્પ બની રહ્યું છે.
ગુજરાતમાં ચાર રાષ્ટ્રીય જળમાર્ગો કાર્યરત
મંત્રીએ જણાવ્યું કે, હાલ દેશમાં 29 રાષ્ટ્રીય જળમાર્ગો (NW) કાર્યરત છે, જેમાંથી ગુજરાતમાં ચાર જળમાર્ગો આવેલા છે. આમાં નર્મદા નદી (NW-73), તાપી નદી (NW-100), જવાઈ-લુણી-કચ્છનું રણ નદી (NW-48) અને સાબરમતી નદી (NW-87)નો સમાવેશ થાય છે. આ જળમાર્ગો ગુજરાતના આંતરિક વિસ્તારોમાં પરિવહનને સરળ બનાવવામાં મદદ કરી રહ્યા છે અને રાજ્યના આર્થિક વિકાસમાં યોગદાન આપી રહ્યા છે. ગુજરાતના આ જળમાર્ગો ખાસ કરીને ઔદ્યોગિક અને વ્યાપારિક હેતુઓ માટે મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
જળમાર્ગોને પ્રોત્સાહન આપવા સરકારની યોજનાઓ
આંતરિક જળમાર્ગ પરિવહન (IWT)ને પ્રોત્સાહન આપવા માટે સરકારે અનેક પગલાં લીધાં છે, જેની વિગતો મંત્રી સર્વાનંદભાઈ સોનોવાલે આપી હતી. સરકારે કાર્ગો માલિકોને NW-1 (ગંગા નદી), NW-2 (બ્રહ્મપુત્ર નદી) અને વાયા ઈન્ડો-બાંગ્લાદેશ પ્રોટોકોલ NW-16 (બારક નદી) પર માલસામાનની હેરફેર માટે 35% ઈન્સેન્ટિવ આપવાની યોજના મંજૂર કરી છે. આ યોજના શિડ્યુલ્ડ સર્વિસ સ્થાપવા અને જળમાર્ગોના ઉપયોગને વેગ આપવા માટે ખૂબ જ મહત્વની છે. આ ઉપરાંત, નેશનલ વોટરવેઝ (જેટી/ટર્મિનલના બાંધકામ) રેગ્યુલેશન્સ 2025 જાહેર કરવામાં આવ્યું છે, જે ખાનગી કંપનીઓને જળમાર્ગોના માળખામાં રોકાણ કરવા અને તેનું સંચાલન કરવાની મંજૂરી આપે છે. આનાથી ખાનગી ક્ષેત્રનું રોકાણ આકર્ષાશે અને આ ક્ષેત્રની વૃદ્ધિને વેગ મળશે.
જાહેર ક્ષેત્રના નિગમોને જળમાર્ગોનો ઉપયોગ કરવા આગ્રહ
સરકારે 140થી વધુ જાહેર ક્ષેત્રના નિગમોને તેમના માલસામાનની હેરફેર માટે જળમાર્ગોનો ઉપયોગ કરવા આગ્રહ કર્યો છે. આ નિગમોને તેમના વર્તમાન પરિવહનના દરજ્જા પર ભાર મૂકવા અને જળમાર્ગો દ્વારા માલસામાનની હેરફેરની યોજના ઘડવા વિનંતી કરવામાં આવી છે. આ પગલું રોડ અને રેલવે પરનો ભાર ઘટાડવામાં અને લોજિસ્ટિક્સ ખર્ચમાં બચત કરવામાં મદદરૂપ થશે.
જળમાર્ગોના માળખામાં સુધારો અને ટર્મિનલનું નિર્માણ
વિવિધ રાષ્ટ્રીય જળમાર્ગોમાં ફેરવે મેન્ટેનન્સની કામગીરી જેવી કે રિવર ટ્રેઈનિંગ, મેન્ટેનન્સ ડ્રેજિંગ, ચેનલ માર્કિંગ અને નિયમિત હાઈડ્રોગ્રાફિક સર્વે હાથ ધરવામાં આવી રહ્યા છે. NW-1 (ગંગા નદી) પર 5 કાયમી ટર્મિનલ ઉપરાંત 49 સામુદાયિક જેટી, 20 ફ્લોટિંગ ટર્મિનલ, 3 મલ્ટિ-મોડેલ ટર્મિનલ (MMT) અને 1 ઈન્ટર-મોડેલ ટર્મિનલનું બાંધકામ કરાયું છે. તેવી જ રીતે, NW-3 (પશ્ચિમી તટીય કેનાલ, કેરળ) પર ગોદામ સહિત 9 કાયમી ટર્મિનલ અને 2 રો-રો/રો-પેક્સ ટર્મિનલ બનાવવામાં આવ્યા છે. આ માળખાકીય સુધારાઓથી જળમાર્ગો દ્વારા પરિવહન વધુ સરળ અને કાર્યક્ષમ બન્યું છે.
સાંસદના સવાલના જવાબમાં આપી વિગતો
રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણીએ કેન્દ્રીય મંત્રી પાસે છેલ્લા પાંચ વર્ષમાં જળમાર્ગો દ્વારા માલસામાનની હેરફેરના આંકડા અને પ્રવાસીઓ તથા માલના પરિવહનને પ્રોત્સાહન આપવા સરકારે લીધેલાં પગલાંની વિગતો માગી હતી. મંત્રીએ આપેલા જવાબમાં જળમાર્ગોના વિકાસ અને તેના ઉપયોગમાં થયેલી પ્રગતિનો સંપૂર્ણ ચિતાર રજૂ કર્યો હતો. આ આંકડાઓ અને પગલાં દર્શાવે છે કે, ભારતમાં જળમાર્ગો આધારિત પરિવહન ભવિષ્યમાં દેશની લોજિસ્ટિક્સ વ્યવસ્થાને નવો રંગ આપી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
