તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
જો યુપીએ સરકાર હોત તો સંસદ ભવન પણ વકફનું હોત : બોર્ડ અમીર પણ મુસ્લિમો ગરીબ
લોકસભામાં વકફ બીલ રજુ : મંત્રી કિરન રિજ્જિુની તડાફડી : ૮ કલાક ગરમાગરમ ચર્ચા થશે : હંગામાના એંધાણ

નવી દિલ્હી, તા.૨: કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ લોકસભામાં વકફ સંશોધન બિલ રજૂ કર્યું હતું. બિલ પર ચર્ચા શરૂ કરતા કિરેન રિજિજુએ કહયું, ઓનલાઇન, મેમોરેન્ડા, વિનંતીઓ અને સૂચનોના રૂપમાં કુલ ૯૭,૨૭,૭૭૨ અરજીઓ પ્રાપ્ત થઈ છે. સમિતિ સમક્ષ ૨૮૪ પ્રતિનિધિમંડળોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા અને સૂચનો આપ્યા. સરકારે તે બધાનો કાળજીપૂર્વક વિચાર કર્યો છે, પછી ભલે તે JPC (સંયુક્ત સંસદીય સમિતિ) દ્વારા હોય કે સીધા આપવામાં આવેલા મેમᅠોરેન્ડા દ્વારા. ઇતિહાસમાં પહેલાં ક્યારેય કોઈ બિલને આટલી મોટી સંખ્યામાં અરજીઓ મળી નથી.
વકફ મિલકત પર બોલતા રિજિજુએ કહયું, જો વકફ બોર્ડ પાસે લાખો એકર જમીન અને લાખો કરોડની મિલકત છે, તો તેનો ઉપયોગ દેશના ગરીબ મુસ્લિમો માટે કેમ નથી થઈ રહયો?' રિજિજુએ કહયું કે રેલ્વે અને સેનાની જમીન જાહેર સંપત્તિ છે, જેનો ઉપયોગ દેશ માટે થાય છે. એ કોઈની અંગત મિલકત નથી. તમને જણાવી દઈએ કે વક્ફ બોર્ડ પાસે રેલ્વે અને સેના પછી દેશમાં ત્રીજી સૌથી મોટી મિલકત છે. આજે વક્ફ બોર્ડ દેશભરમાં લગભગ ૮ લાખ ૭૦ હજાર મિલકતોનું નિયંત્રણ કરે છે. આ મિલકતો લગભગ ૯ લાખ ૪૦ હજાર એકર જમીનમાં ફેલાયેલી છે. જેની અંદાજિત કિંમત ૧ લાખ ૨૦ હજાર કરોડ રૂપિયા છે. વિશ્વમાં સૌથી વધુ વકફ મિલકતો ભારતમાં છે.
કિરેન રિજિજુએ કહયું કે ‘ભારતીય રેલ્વે પાસે ભારતમાં સૌથી વધુ જમીન છે. આ પછી સંરક્ષણ આવે છે અને ત્રીજા સ્થાને વક્ફ બોર્ડ આવે છે. હું તેને સુધારવા માંગુ છું. રેલ્વેએ હજારો કિલોમીટર સુધી પાટા પાથર્યા છે. તે રેલવેની મિલકત નથી. તે દેશની મિલકત છે. સંરક્ષણ દેશનું રક્ષણ કરે છે, તેની મિલકત દેશની છે. તેમની જમીન દેશની છે. વકફ મિલકત ખાનગી મિલકત છે. વિશ્વમાં સૌથી વધુ વકફ મિલકતો ભારતમાં છે. આવું કેમ છે? તમે ૬૦ વર્ષથી સત્તામાં છો, વકફ પાસે દુનિયાની સૌથી મોટી મિલકત છે, તો પછી આપણા દેશના મુસ્લિમો ગરીબ કેમ છે? મુસ્લિમોના કલ્યાણ માટે કોઈ કામ કેમ ન થયું?
ગૃહમાં બિલ રજૂ થતાં જ વિપક્ષી પક્ષોએ વિરોધ શરૂ કરી દીધો. કોંગ્રેસે બિલ સામે વાંધો વ્યક્ત કર્યો હતો, અને આરોપ લગાવ્યો હતો કે તેમને બિલની નકલ મોડી મળી જેના કારણે તેમને તેની સમીક્ષા કરવા માટે પૂરતો સમય મળ્યો નથી. ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતાઓએ કહયું કે સરકારે આ મહત્વપૂર્ણ બિલ ઉતાવળમાં રજૂ કર્યું છે અને વિપક્ષને તેની ચર્ચા કરવાની યોગ્ય તક આપવામાં આવી નથી. બિલ રજૂ થયા પછી, ગૃહમાં હોબાળો થયો કારણ કે વિપક્ષી સાંસદોએ નારાજગી વ્યક્ત કરી.(૨૩.૨૦)
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
