News of Friday, 4th April 2025
૩૦ દિવસ કંઈ જ ખાધા વિના માત્ર પાણી પીને આવું બોડી બની શકે?

મુંબઈ,તા.૪: આજકાલ રીલ્સ અને વિડિયોમાં ઝટપટ હેલ્ધી બોડી બનાવી દેવાના નુસખા રજૂ થતા રહે છે. જોકે યુટયુબર યુસુફ ઇરાકત નામના યુવાને તો હદ જ કરી નાખી છે. તેણે દાવો કર્યો છે કે તેણે શરીરમાંથી ચરબી હટાવીને મસ્કયુલર બોડીબિલ્ડર જેવું બૉડી બનાવવાની ૩૦ દિવસની ચેલેન્જ લીધેલી અને એ ચેલેન્જ તેણે પૂરી કરી છે. આ દરમ્યાન તેણે કંઈ જ ખાધું નથી. તેણે માત્ર પાણી, બ્લેક કોફી અને ઇલેક્ટ્રોલાઇટ્સ (શરીરને જરૂરી ORS જેવું મિનરલનું પીણું) જ લીધાં હતાં. યુસુફે આખા રમજાન મહિના દરમ્યાન પાણી પર ઉપવાસ કર્યા હતા. બીજી માર્ચે તેણે પોતાના ફોલોઅર્સને વિડિયો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ‘આગામી ૩૦ દિવસ માટે હું માત્ર પાણી પીને જ ઉપવાસ કરીશ. કેબિનમાં માત્ર એકલો જ રહીશ. સૂર્યોદયથી સૂર્યાસ્ત દરમ્યાન રોજાના નિયમો અનુસાર પાણી પણ નહીં લઉં. એ પછી પાણી, બ્લેક કોફી અને ઇલેક્ટ્રોલાઇટ પીણાથી રોજા ખોલીશ.'
આ ચેલેન્જમાં તેણે કહ્યું હતું કે તે કોઈ પણ પ્રકારનું ફૂડ, ફ્રેગ્રન્સ કે ધુમાડો, માણસના સંસર્ગમાં નથી આવવા માગતો. આ માટે તેણે કોઈ તૈયારી નહોતી કરી. તેણે બધું જ એકઝાટકે બંધ કરી દીધું હતું. એ પછી તે રોજ પોતાની હેલ્થની અપડેટ આપતી પોસ્ટ શેર કરતો હતો. આ દરમ્યાન તેણે વર્કઆઉટ કરવાનું ચાલુ રાખ્યું હતું. ૩૦મા દિવસે તેણે શરીરનું ટ્રાન્સફોર્મેશન કેવું થયું છે એની સરખામણી માટે બિફોર-આફ્ટર તસવીરો શેર કરી છે. સાથે કેપ્શનમાં લખ્યું છે, ‘હું શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે કેવો નિચોવાઈ ગયો છું એને શબ્દોમાં વર્ણવવું શકય નથી.(૪૦.૫)
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
