News of Friday, 4th April 2025
ઘોર કળિયુગઃ પત્નીને હોસ્પિટલમાં દાખલ કરીને બે વર્ષ સુધી પતિ ગાયબ થઈ ગયો, બિલ બની ગયું ૧ કરોડ રૂપિયા
એક દુર્ઘટના બાદ વિકલાંગ થયેલી પત્નીને પતિએ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં છોડી દીધી

કોલકાતા તા.૪: એક દુર્ઘટના બાદ વિકલાંગ થયેલી પત્નીને પતિએ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં છોડી દીધી. બે વર્ષ બાદ પણ તે પાછો ન આવતા હોસ્પિટલે હવે કરોડો રૂપિયાનું બિલ કોર્ટમાં પહોંચાડ્યું છે. આ મામલામાં એમ્હેર્સ્ટ પોલીસે મહિલાના પતિની ધરપકડ કરી છે અને તેને કોર્ટમાં હાજર કર્યો છે. જ્યાં તેણે કોર્ટમાં પોતાની લાચારી વ્યક્ત કરતા કહ્યું કે, તે તેની દેખરેખ કરવા માટે સક્ષમ નથી.
દુર્ઘટના બાદ મહિલાએ બોલવાનું બંધ કરી દીધું અને તેના શરીરનો નીચલો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો. આ બાજુ કોર્ટમાં હાજર થયેલા પતિને જજ અમળતા સિંહાએ પૂછયું કે તે પોતાની પત્નીને ઘરે કેમ નથી લઈ જતો. જવાબમાં પતિએ કહ્યું કે તે એક દુકાનનો માલિક છે અને તેના પાસે વિકલાંગ પત્નીની દેખરેખ કરવા માટે પૂરતા સાધનો નથી.
આ બાજુ હોસ્પિટલના વકીલે કોર્ટમાં વાત કરતા જણાવ્યું કે, હોસ્પિટલે તેની પત્નીની બે વર્ષ સુધી સારવાર કરી. તેની સર્જરી કરી અને ૬ લાખ રૂપિયા વીમાની રકમ તો બહુ પહેલા જ ખતમ થઈ ગઈ. હાલમાં ૧ કરોડ રૂપિયા બાકી લેવાના નીકળે છે અને વકીલે કોર્ટને જણાવ્યું કે, હોસ્પિટલ હવે આ દર્દીની જવાબદારી લઈ શકશે નહીં.
આ દરમ્યાન હોસ્પિટલના વકીલે કોર્ટમાં આરોપ લગાવ્યો કે, મહિલાના પતિએ એક નવો પરિવાર શરૂ કરી દીધો છે. જોકે, ન્યાયમૂર્તિ સિંહાએ પરિવારના આ મામલામાં હસ્તક્ષેપ ન કર્યો. રાજ્યના વકીલે તર્ક આપ્યો કે, રાજ્યમાં મફત સેવા આપનારા આશ્રય સ્થાન છે. પણ રાજ્ય દ્વારા સંચાલિત આશ્રય સ્થળના કર્મચારીઓ પાસે બીમાર દર્દીઓની દેખરેખ કરવા માટે નિષ્ણાતો નથી.
આ મામલામાં ન્યાયમૂર્તિ સિંહાએ વકીલને ૯ એપ્રિલના રોજ સુનાવણી માટે હાજર રહેવા અને એ જાણવાની કોશિશ કરી છે કે, શું રાજ્ય પાસે આવા લોકો માટે કોઈ નિયંત્રણ છે અને સમાધાનના સૂચનો પણ મંગાવ્યા છે. કોર્ટે નિર્દેશ આપ્યો કે, તે દિવસે પતિને પણ કોર્ટમાં હાજર રહેવું.(૩૮.૫)
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
