<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

ફિલ્મો થકી દેશ ભક્તિ કરનાર અભિનેતા મનોજ કુમારની વિદાય

૧૨ વર્ષના હતા ત્‍યારે તેમણે દિલીપ કુમારની ફિલ્‍મ શબનમ જોઈ. અહીંથી તેમણે નક્કી કર્યુ કે તેઓ પણ એક્‍ટર બનશે. આ ફિલ્‍મ પરથી પોતાનું નામ ‘મનોજ કુમાર' રાખ્‍યું. * લગભગ ૪૦ વર્ષની ફિલ્‍મ કારકિર્દીમાં, મનોજ કુમારે ફિલ્‍મોમાં કામ કર્યુ અને પોતે પણ ફિલ્‍મોનું નિર્માણ કર્યુ * અભિનેતાએ ઈમરજન્‍સીનો વિરોધ કરીને સરકારને નારાજ કરી હતી. * ભગતસિંહ તેમના બાળપણના હીરો હતા. તેઓ દિલ્‍હી અને અમૃતસર જતા અને મદ્રાસમાં હિન્‍દુ અખબારની લાઇબ્રેરીમાં સંશોધન કરવામાં કલાકો ગાળતા. * નિરાશ થયેલા અમિતાભ બચ્‍ચન જયારે મુંબઈ છોડીને દિલ્‍હી પાછા જવાનું વિચારી રહ્યા હતા ત્‍યારે મનોજ કુમારે રોક્‍યા અને તેમને ફિલ્‍મ ‘રોટી, કપડા ઔર મકાન'માં તક આપી. * ધર્મેન્‍દ્રને ૩૫૦ રૂપિયા અને મનોજ કુમારને ૪૫૦ રૂપિયા આપવામાં આવ્‍યા હતા. તો મનોજ કુમારે કામ કરવાની ના પાડી હતી.

રાજકોટ, તા. ૦૪ : બોલિવૂડના દિગ્‍ગજ અભિનેતા મનોજકુમારનું ૮૭ વર્ષની વયે અવસાન થયું છે. તેમણે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્‍પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. મનોજકુમાર ભારતીય સિનેમામાં ‘મનોજ કુમાર' તરીકે જાણીતા હતા. તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્‍યું છે. મનોજકુમારને ૭ ફિલ્‍મફેર એવોર્ડ મળ્‍યા. પહેલો ફિલ્‍મફેર એવોર્ડ ૧૯૬૮માં ફિલ્‍મ ઉપકાર માટે મળ્‍યો હતો. ઉપકાર ફિલ્‍મે શ્રેષ્ઠ ફિલ્‍મ, શ્રેષ્‍ઠ દિગ્‍દર્શક, શ્રેષ્‍ઠ વાર્તા અને શ્રેષ્‍ઠ સંવાદ માટે ચાર ફિલ્‍મફેર એવોર્ડ જીત્‍યા. ૧૯૯૨માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્‍યા હતા. ૨૦૧૬માં તેમને દાદાસાહેબ ફાળકે પુરસ્‍કારથી નવાજવામાં આવ્‍યા હતા. મનોજકુમારે લાલ બહાદુર શાષાીની વિનંતી પર ઉપકાર (૧૯૬૭) ફિલ્‍મ બનાવી, પરંતુ શાષાીજી આ ફિલ્‍મ જોઈ શક્‍યા નહીં. શાષાીજીનું અવસાન ૧૯૬૬માં થયું.

મનોજ કુમારનો જન્‍મ એક પંજાબી હિન્‍દુ બ્રાહ્મ ણ પરિવારમાં થયો હતો, જે બ્રિટીશ ભારતના ઉત્તર પશ્ચિમ સરહદ પ્રાંત (હાલના ખૈબર પખ્‍તુનખ્‍ખ્‍વા, પાકિસ્‍તાન) એબટાબાદ શહેર હતું. તેમનું જન્‍મ નામ હરિકૃષ્‍ણ ગિરી ગોસ્‍વામી છે. જયારે તેઓ ૧૦ વર્ષના હતા ત્‍યારે તેમનો પરિવાર પાર્ટીશનને કારણે જંડીયાલા શેર ખાનથી દિલ્‍હી આવ્‍યો હતો. ફિલ્‍મોમાં નસીબ અજમાવતા પહેલા કુમારે હિન્‍દુ કોલેજમાંથી સ્‍નાતકની ડિગ્રી મેળવી. જયારે તેઓ નાના હતા ત્‍યારે તેઓ અભિનેતા દિલીપ કુમાર, અશોક કુમાર અને કામિની કૌશલના પ્રશંસક હતા અને ફિલ્‍મ શબનામમાં દિલીપ કુમારના પાત્રના આધારે પોતાનું નામ મનોજ કુમાર રાખવાનું તેમણે નક્કી કર્યું હતું. તેઓ ૧૨ વર્ષના હતા ત્‍યારે તેમણે એકવાર દિલીપ કુમારની ફિલ્‍મ શબનમ જોઈ હતી. અહીંથી તેમણે નક્કી કર્યું કે તે પણ એક્‍ટર બનશે. એટલું જ નહીં, તેમણે પોતાના માટે એક ફિલ્‍મનું નામ પણ વિચાર્યું હતું, જે મનોજ કુમાર હતું. ત્‍યારબાદ તે પોતાનું નસીબ અજમાવવા માટે મુંબઈ આવી ગયા.

કોલેજના દિવસોમાં મનોજ કુમાર એકદમ હેન્‍ડસમ હતા અને તેથી જ તેઓ કોલેજમાં થિયેટર સાથે જોડાયા અને પછી એક દિવસ તેમણે દિલ્‍હીથી મુંબઈનો રસ્‍તો પસંદ કર્યો. તેણે પોતાની એક્‍ટિંગ કરિયરની શરૂઆત ૧૯૫૭માં ફિલ્‍મ ‘ફેશન' થી કરી હતી. આ પછી ૧૯૬૦માં તેની ફિલ્‍મ ‘કાચ કી ગુડિયા' રીલિઝ થઈ હતી. આ ફિલ્‍મમાં તે લીડ એક્‍ટર તરીકે જોવા મળ્‍યા હતા જે સફળ રહી હતી. મનોજ કુમારે ‘ઉપકાર', ‘પત્‍થર કે સનમ', ‘રોટી કપડા ઔર મકાન', ‘સન્‍યાસી' અને ‘ક્રાંતિ' જેવી અદ્દભૂત ફિલ્‍મો આપી. મોટાભાગની ફિલ્‍મોમાં મનોજ કુમારનું નામ ‘ભારત કુમાર' હતું અને તેથી જ તેઓ તેમના ચાહકોમાં ‘ભારત કુમાર'ના નામથી પ્રખ્‍યાત થયા.

મનોજ કુમાર માટે ઈમરજન્‍સીનો સમયગાળો ઘણો મુશ્‍કેલ હતો. ઈન્‍દિરા ગાંધી સાથે તેમના સારા સંબંધો હતા પરંતુ અભિનેતાએ ઈમરજન્‍સીનો વિરોધ કરીને સરકારને નારાજ કરી હતી. જેનું પરિણામ એ આવ્‍યું કે જયારે મનોજ કુમાર ફરીથી સિનેમાઘરોમાં તેમની સુપરહિટ ફિલ્‍મ ‘શોર' રીલિઝ થવા જઈ રહી હતી એ પહેલાજ આ ફિલ્‍મ દૂરદર્શન પર આવી ચુકી હતી. આ સિવાય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ફિલ્‍મ ‘દસ નંબરી' પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો હતો. કહેવાય છે કે મનોજ કુમારને ઈમરજન્‍સી પર બનેલી ડોક્‍યુમેન્‍ટ્રીનું નિર્દેશન કરવાની ઓફર કરવામાં આવી હતી. વાર્તા અમૃતા પ્રિતમે લખી હતી. પરંતુ તેણે આ કામ માટે પણ ના પાડી દીધી હતી.

ફેશન (૧૯૫૭)માં નાનકડું પાત્ર ભજવ્‍યા બાદ, મનોજ કુમારે કાંચ કી ગુડિયા (૧૯૬૦)માં સાયેદા ખાન સાથે અગ્ર પાત્ર ભજવ્‍યું. પિયા મિલન કી આસ અને રેશમી રુમાલ ચલચિત્રો એ વિજય ભટ્ટ દ્વારા દિગ્‍દર્શિત હરિયાલી ઓર રાસ્‍તા (૧૯૬૨) માં માલા સિંહા સાથે તેમનો તખ્‍તો ગોઠવ્‍યો. સાધના સાથે તેમણે વો કોન થી (૧૯૬૪)માં અભિનય કર્યા બાદ, વિજય ભટ્ટ અને માલા સિંહા સાથે હિમાલય કી ગોદ મેં (૧૯૬૫) ફરી કામ કર્યું. મનોજ કુમાર અને રાજ ખોસલાએ કલાકાર-દિગ્‍દર્શક તરીકે દો બદન ચલચિત્રમાં સફળતા મેળવી, જે રાજ ખોસલાનાં ઉત્તમ દિગ્‍દર્શન, મનોજ કુમાર અને આશા પારેખનાં અભિનયો અને રવિના સંગીત, શકીલ બદાયુનીનાં ગીત માટે જાણીતું બન્‍યું હતું. લગભગ ૪૦ વર્ષની ફિલ્‍મ કારકિર્દીમાં, મનોજ કુમારે ફિલ્‍મોમાં કામ કર્યું અને પોતે પણ ફિલ્‍મોનું નિર્માણ કર્યું.

એક ઈન્‍ટરવ્‍યુમાં મનોજ કુમારે વિભાજનના એ સમયને યાદ કરીને કહ્યું હતું કે, ‘ભાગલા પછીની હિંસામાં મારા કાકા માર્યા ગયા હતા. મારા પિતા ખૂબ રડ્‍યા હતા. પરંતુ જયારે ભારત આઝાદ થયું ત્‍યારે બીજા દિવસે મારા પિતા મને લાલ કિલ્લા પર લઈ ગયા અને સૂત્રોચ્‍ચાર કર્યા. હવે હું તેના વિશે વિચારીને આશ્ચર્યચકિત છું.' દિલ્‍હી આવ્‍યા પછી, અમે એક શરણાર્થી શિબિરમાં રોકાયા. મને હજુ પણ એ દિવસ યાદ છે જયારે મારી માતા મારા ભાઈને જન્‍મ આપવાની હતી. ચારેબાજુ હિંસા અને રમખાણો થઈ રહ્યા હતા. સાયરન વાગ્‍યું અને હોસ્‍પિટલના લોકો પણ ભૂગર્ભમાં ગયા. હું હજુ નાનો હતો. મેં હોસ્‍પિટલમાં લોકોને મારવાનું શરૂ કર્યું. પોતાના ભાઈને જમુનાને સમર્પિત કર્યા. પણ પિતાએ સમજાવ્‍યું કે જીવનમાં ક્‍યારેય હુલ્લડ ન કરો.

શરૂઆતમાં મનોજ કુમારનો ભગત સિંહ પર ફિલ્‍મ બનાવવાનો કોઈ ઈરાદો નહોતો. જો કે, ભગતસિંહ તેમના બાળપણના હીરો હતા અને તેઓ તેમના વિશે વધુ જાણવા માંગતા હતા. આ શોધમાં તેઓ દિલ્‍હી અને અમૃતસર જતા અને મદ્રાસમાં હિન્‍દુ અખબારની લાઇબ્રેરીમાં સંશોધન કરવામાં કલાકો ગાળતા. આ ફિલ્‍મને શ્રેષ્‍ઠ હિન્‍દી ફિલ્‍મ અને રાષ્ટ્રીય એકતાનો રાષ્ટ્રીય પુરસ્‍કાર મળ્‍યો હતો. મનોજ કુમારે આ કાર્યક્રમ માટે ભગત સિંહની માતાને પણ આમંત્રણ આપ્‍યું હતું.

એક ઈન્‍ટરવ્‍યુમાં મનોજ કુમારે કહેલું કે, ‘સતત નિષ્‍ફળતાઓથી નિરાશ થયેલા અમિતાભ બચ્‍ચન જયારે મુંબઈ છોડીને દિલ્‍હી પાછા જવાનું વિચારી રહ્યા હતા ત્‍યારે મેં અમિતાભને રોક્‍યા અને તેમને મારી ફિલ્‍મ ‘રોટી, કપડા ઔર મકાન'માં તક આપી. જયારે લોકો અમિતાભને તેમની નિષ્‍ફળતા માટે ટોણા મારતા હતા ત્‍યારે પણ મને તેમનામાં પૂરો વિશ્વાસ હતો કે એક દિવસ તેઓ મોટા સ્‍ટાર બનશે. એજ રીતે ધર્મેન્‍દ્ર અને મનોજ કુમાર સંદ્યર્ષના દિવસોથી ગાઢ મિત્રો હતા. મનોજ કુમાર તેને ધર્મુ કહીને બોલાવતા હતા. સંઘર્ષના દિવસોમાં બંનેને સાથે ભૂમિકાઓ મળી હતી. ધર્મેન્‍દ્રને ૩૫૦ રૂપિયા અને મનોજ કુમારને ૪૫૦ રૂપિયા આપવામાં આવ્‍યા હતા. તો મનોજ કુમારે કામ કરવાની ના પાડી હતી. ધર્મેન્‍દ્રએ પણ ફિલ્‍મ ન કરી.' પછીથી મનોજ કુમારે ધર્મેન્‍દ્રને કહ્યું કે ગમે તેમ કરીને આપણી પાસે પૈસા નથી, ઓછામાં ઓછું તમારે ફિલ્‍મ છોડી દેવી ન જોઈએ. આના પર ધર્મેન્‍દ્રનો જવાબ હતો - હું મારા મિત્ર વિના ફિલ્‍મ નહીં કરું.

અભિનયની વાત કરીએ તો મનોજ કુમાર દેવ આનંદ જેવી સ્‍ટાઇલિશ ઈમેજ માટે જાણીતા હતા. પરંતુ ફિલ્‍મો વિશેની તેમની ઊંડી સમજ, સારી શારીરિક રચના, બંધગળાના કપડાં અને ટ્‍વીડ કોટની તેમની શૈલી, આ બધાએ તેમની લોકપ્રિયતામાં મદદ કરી. દેશભક્‍તિની ફિલ્‍મો ઉપરાંત મનોજ કુમારે પણ ઘણું નામ કમાવ્‍યું હતું.

મનોજ કુમારે શોભા ગોસ્‍વામી સાથે લગ્ન કર્યા હતા જેમની સાથે તેમનું જીવન ખૂબ જ નિકટનું અને પ્રેમભર્યું રહ્યું. આ દંપતીને બે પુત્રો છે - વિશાલ કુમાર અને કુણાલ કુમાર. વિશાલે થોડા સમય માટે ફિલ્‍મોમાં કામ કર્યું પરંતુ બાદમાં તે ફિલ્‍મી દુનિયાથી દૂર થઈ ગયો. કુણાલે પણ ફિલ્‍મોમાં નાની ભૂમિકાઓ ભજવી પરંતુ તે પણ મુખ્‍ય પ્રવાહથી અલગ રહ્યો. છેલ્લા કેટલાક વર્ષોથી મનોજ કુમાર ફિલ્‍મી દુનિયાથી દૂર રહી પોતાનો સમય પરિવાર સાથે વિતાવતા હતા. તેમને નેશનલ ફિલ્‍મ એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો. ભારતીય સિનેમા અને કલામાં તેમના યોગદાન માટે તેમને ૧૯૯૨માં પદ્મશ્રી અને ભારત સરકાર દ્વારા સિનેમા ક્ષેત્રે સર્વોચ્‍ચ પુરસ્‍કાર દાદા સાહેબ ફાળકે પુરસ્‍કાર પણ એનાયત કરવામાં આવ્‍યો છે. (૩૭.૪)

 

 

મનોજ કુમારનું મૂળ નામ હરિકીશનગિરી ગોસ્‍વામી હતું..

હિન્‍દી સિનેમામાં ઘણા કલાકારો છે જેમણે આ ચમકતી દુનિયામાં પગ મૂકતાં તેમના નામ બદલ્‍યા. ચાહકો તેને તે જ નવા નામ સાથે આજ સુધી ઓળખે છે. બોલીવુડના દિગ્‍ગજ કલાકાર મનોજ કુમાર પણ તેમાંથી એક હતા. જે સિનેમાથી પ્રભાવિત હતા અને તેનું નામ બદલ્‍યું હતું. પરંતુ ચાહકોએ તેમને પ્રેમથી ‘ભારત કુમાર' કહેતા હતા. જોકે બહુ ઓછા લોકો મનોજ કુમારનું અસલી નામ ભાગ્‍યે જ જાણતા હશે. મનોજ કુમારનું અસલી નામ હરિકીશન ગિરી ગોસ્‍વામી હતું. તેમણે ઘણી ભવ્‍ય ફિલ્‍મોમાં તેના અભિનયથી પ્રેક્ષકોનું દિલ જીત્‍યું.

 

મનોજ કુમારની ફિલ્‍મો

વર્ષ ૧૯૫૭માં મનોજ કુમારને તેમની પહેલી ફિલ્‍મ ‘ફેશન' મળી, જેમાં ૧૯ વર્ષના અભિનેતાએ ૮૦-૯૦ વર્ષના ભિખારીની નાની ભૂમિકા ભજવી હતી. મનોજ કુમારે ‘સહારા' (૧૯૫૮), ‘ચાંદ' (૧૯૫૯) અને ‘હનીમૂન' (૧૯૬૦) જેવી ફિલ્‍મોમાં કામ કર્યું અને પછી તેમને ‘કાંચ કી ગુડિયા' (૧૯૬૧) મળી જેમાં તેઓ પહેલીવાર મુખ્‍ય ભૂમિકામાં જોવા મળ્‍યા. આ પછી ‘પિયા મિલન કી આસ' (૧૯૬૧), ‘સુહાગ સિંદૂર' (૧૯૬૧), ‘રેશ્‍મી રૂમાલ' (૧૯૬૧) આવી. અભિનયની સાથે-સાથે મનોજ કુમારની બીજી ઇનિંગ પણ દિગ્‍દર્શન અને નિર્માણ દ્વારા ૭૦ના દાયકામાં ચાલુ રહી. તેમણે ઉપકાર, પુરબ ઔર પશ્ચિમ, રોટી કપડા ઔર મકાન અને ક્રાંતિ જેવી ફિલ્‍મોનું દિગ્‍દર્શન કર્યું હતું. મનોજ કુમારને સંગીતની પણ ઊંડી સમજ હતી.

તેમની સૌથી પ્રખ્‍યાત ફિલ્‍મ ‘ઉપકાર'(૧૯૬૭), ‘પૂરબ ઔર પશ્ચિમ'(૧૯૭૦), ‘રોટી કપડા ઔર મકાન'(૧૯૭૪), ‘ક્રાંતિ'(૧૯૮૧), આ ઉપરાંત ‘હરિયાલી ઔર રાસ્‍તા', ‘હિમાલય કી ગોદ મેં', ‘દો બદન', ‘પથ્‍થર કે સનમ', ‘નીલ કમલ' જેવી ફિલ્‍મોએ પણ તેમની વૈવિધ્‍યતા દર્શાવી. તેમણે અભિનય ઉપરાંત નિર્દેશન અને લેખનમાં પણ યોગદાન આપ્‍યું, જેના માટે તેમને ઘણા પુરસ્‍કારો મળ્‍યા.

 

લાલ બહાદુર શાષાીજી ના કહેવા પર બનાવી હતી ફિલ્‍મ ‘ઉપકાર'

૧૯૬૫માં મનોજકુમાર દેશભક્‍તિ ફિલ્‍મ શહીદમાં સ્‍વતંત્રતા સેનાની શહીદ ભગત સિંહની ભૂમિકામાં દેખાયા હતા. આ ફિલ્‍મ જબરદસ્‍ત હિટ રહી હતી અને તેનાં ગીતો ‘એ વતન, એ વતન હમકો તેરી કસમ', ‘સરફરોશી કી તમન્ના' અને ‘મેરા  રંગ દે બસંતી ચોલા'ને ખૂબ પસંદ કરવામાં આવ્‍યાં હતાં. લાલ બહાદુર શાષાીને આ ફિલ્‍મ ખૂબ ગમી. શાષાીજીએ નારો આપ્‍યો- જય જવાન, જય કિસાન. શાષાીજીએ મનોજ કુમારને આ સૂત્ર પર ફિલ્‍મ બનાવવાની સલાહ આપી. ત્‍યારબાદ મનોજજીએ ફિલ્‍મ ઉપકાર (૧૯૬૭) બનાવવાનું શરૂ કર્યું, જોકે તેમને ફિલ્‍મ લેખન કે દિગ્‍દર્શનનો કોઈ અનુભવ નહોતો. એક દિવસ મનોજકુમારે મુંબઈથી દિલ્‍હી જતી રાજધાની ટ્રેનની ટિકિટ ખરીદી અને ટ્રેનમાં ચઢી ગયા. તેમણે અડધી ફિલ્‍મ ટ્રેનમાં બેસીને લખી હતી અને બાકીની અડધી ફિલ્‍મ પરત ફરતી વખતે લખી હતી. આ ફિલ્‍મ સાથે તેમણે દિગ્‍દર્શક તરીકેની કારકિર્દીની બીજી ઇનિંગ શરૂ કરી.

બાદમાં તેમણે પૂરબ ઔર પશ્ચિમ, રોટી કપડાં ઔર મકાન જેવી દેશભક્‍તિ પર ઘણી ફિલ્‍મો બનાવી. ઉપકાર લાલ બહાદુર શાષાીની વિનંતી પર બનાવવામાં આવી હતી, પરંતુ તેઓ તેને જોઈ શક્‍યા નહીં. ૧૯૬૬માં શાષાીજીએ તાશ્‍કંદ (ઉઝબેકિસ્‍તાન)ની મુલાકાત લીધી. પાછા ફર્યા પછી તેમણે ફિલ્‍મ ‘ઉપકાર' જોઈ હોત પરંતુ તાશ્‍કંદમાં જ ભારત-પાકિસ્‍તાન યુદ્ધમાં શાંતિ કરાર પર હસ્‍તાક્ષર કર્યાના એક દિવસ પછી, ૧૧ જાન્‍યુઆરી ૧૯૬૬ના રોજ તેમનું અવસાન થયું. આ ફિલ્‍મ તેમના મૃત્‍યુના એક વર્ષ પછી, ૧૧ ઓગસ્‍ટ ૧૯૬૭ના રોજ રિલીઝ થઈ હતી. મનોજકુમારને આખી જિંદગી શાષાીજીને ફિલ્‍મ ન બતાવી શકવાનો અફસોસ રહ્યો. (૩૭.૪)

 

માતાને સારવાર ન મળતા ૧૦ વર્ષની ઉંમરે ડોક્‍ટરોને માર માર્યો..

મનોજકુમાર જયારે ૧૦ વર્ષના હતા ત્‍યારે ૧૯૪૭માં તેમના નાના ભાઈ કુક્કુનો જન્‍મ થયો હતો. જયારે તેમની તબિયત બગડી, ત્‍યારે તેમના ૨ મહિનાના ભાઈ અને માતાને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યાં. તે સમયે રમખાણો ફાટી નીકળ્‍યાં હતાં. બધે અંધાધૂંધી ફેલાઈ ગઈ અને હોસ્‍પિટલનો સ્‍ટાફ પોતાનો જીવ બચાવવા માટે દોડવા લાગ્‍યો. સાયરન વાગતાની સાથે જ બાકીના ડોક્‍ટરો અને નર્સો અંડરગ્રાઉન્‍ડ થઈ જતાં હતાં. આવી સ્‍થિતિમાં યોગ્‍ય સારવારના અભાવે મનોજકુમારના ૨ મહિનાના ભાઈનું હોસ્‍પિટલમાં મૃત્‍યુ થયું. તે સમયે માતાની હાલત પણ ગંભીર હતી. તે પીડાથી બૂમો પાડતી રહી પરંતુ કોઈ ડોક્‍ટર કે નર્સે તેમની સારવાર કરી નહીં. એક દિવસ આ બધું જોઈને મનોજ કુમાર એટલા ગુસ્‍સે થયા કે તેમણે લાકડી ઉપાડી અંડરગ્રાઉન્‍ડમાં ગયા અને ડોકટરો અને નર્સોને મારવા લાગ્‍યા.

મનોજ કુમાર ત્‍યારે માત્ર ૧૦ વર્ષના હતા પણ તે તેમની માતાનું દુઃખ જોઈ શકતા ન હતા. પિતાએ તેમના પર કાબૂ મેળવી લીધો અને પરિવારે પોતાનો જીવ બચાવવા માટે પાકિસ્‍તાન છોડવાનો નિર્ણય કર્યો. તેમનો પરિવાર જંડિયાલા શેરખાનથી ભાગી ગયો અને દિલ્‍હી પહોંચ્‍યો. અહીં તેમણે શરણાર્થી કેમ્‍પમાં ૨ મહિના વિતાવ્‍યા. સમય પસાર થતો ગયો અને રમખાણો ઓછા થવાં લાગ્‍યાં. કોઈક રીતે આખો પરિવાર દિલ્‍હીમાં સ્‍થાયી થયો જયાં મનોજ કુમાર અભ્‍યાસ કરી શક્‍યા. શાળા પછી તેમણે હિન્‍દુ કોલેજમાંથી સ્‍નાતકનો અભ્‍યાસ પૂર્ણ કર્યો અને નોકરી શોધવાનું શરૂ કર્યું હતું. (૩૭.૪)

 

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ શ્રદ્ધાંજલિ આપી

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ મનોજકુમારને શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રીએ ‘X’ પર લખ્‍યું : સુપ્રસિદ્ધ અભિનેતા અને ફિલ્‍મ નિર્માતા શ્રી મનોજકુમારજીના નિધનથી ખૂબ દુઃખ થયું. તેઓ ભારતીય સિનેમાના પ્રતીક હતા, ખાસ કરીને તેમને દેશભક્‍તિના ઉત્‍સાહ માટે યાદ કરવામાં આવતા હતા, જે તેમની ફિલ્‍મોમાં પ્રતિબિંબિત થતું હતું. મનોજજીના કાર્યથી રાષ્ટ્રીય ગૌરવની ભાવના જાગી છે અને તે પેઢી દર પેઢી પ્રેરણા આપતી રહેશે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઓમ શાંતિ. (૩૭.૪)

(3:41 PM IST)