<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

વકફ સુધારા બિલની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા ઓવૈસી: કોંગ્રેસ સાંસદે પણ અરજી દાખલ કરી

સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે તે બંધારણની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે

નવી દિલ્હી : કોંગ્રેસ સાંસદ મોહમ્મદ જાવેદે વક્ફ (સુધારા) વિધેયક, 2025ની માન્યતાને પડકારતા સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી કરી છ અને દાવો કરવામાં આવ્યો છે કે તે બંધારણની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે. જ્યારે AIMIM વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ બિલની વિરુદ્ધ અરજી દાખલ કરી છે.

મોહમ્મદ જાવેદની અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ બિલ વકફ મિલકતો અને તેમના સંચાલન પર મનસ્વી નિયંત્રણો લાદે છે, જેનાથી મુસ્લિમ સમુદાયની ધાર્મિક સ્વાયત્તતાને નુકસાન થાય છે. આ અરજી એડવોકેટ અનસ તનવીર દ્વારા દાખલ કરવામાં આવી છે.

અરજીમાં જણાવાયું છે કે આ બિલ મુસ્લિમ સમુદાય સાથે ભેદભાવ કરે છે કારણ કે તે એવા નિયંત્રણો લાદે છે જે અન્ય ધાર્મિક દાનના વહીવટમાં અસ્તિત્વમાં નથી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં 128 સભ્યોએ બિલના પક્ષમાં મતદાન કર્યું અને 95 સભ્યોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું.

તેને 3 એપ્રિલની સવારે લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું, જેમાં 288 સભ્યોએ તેનું સમર્થન કર્યું હતુ અને 232 સભ્યોએ તેનો વિરોધ કર્યો હતો. બીજુ જનતા દળ કે જે પહેલા બિલનો વિરોધ કરતું હતું તેણે બાદમાં પોતાનું વલણ બદલ્યું હતુ અને તેના સાંસદોને વિવેકબુદ્ધિના આધારે નિર્ણય લેવા કહ્યું હતુ.

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ વકફ સુધારા બિલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. પોતાની અરજીમાં તેમણે દલીલ કરી હતી કે બિલની જોગવાઈઓ મુસ્લિમો અને મુસ્લિમ સમુદાયના મૂળભૂત અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન કરે છે.

 બુધવારે લોકસભામાં ચર્ચા દરમિયાન, અસદુદ્દીન ઓવૈસીએ વક્ફ સુધારા બિલને લઈને ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા અને સુધારાના વિરોધમાં બિલની નકલ ફાડી નાખી હતી. તેમણે આરોપ લગાવ્યો કે વકફ બિલ દ્વારા મુસ્લિમો સાથે અન્યાય થશે.

(8:47 PM IST)