<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસનાયકે વડાપ્રધાન મોદીને 'શ્રીલંકા મિત્ર વિભૂષણાયા' મેડલથી કર્યા સન્માનિત

મોદીએ તેને ભારત અને શ્રીલંકાના લોકો વચ્ચેની ઊંડી મિત્રતા અને ઐતિહાસિક સંબંધોનું પ્રતીક ગણાવ્યું: આ ભારતના 140 કરોડ લોકોનું સન્માન, શ્રીલંકા સરકાર શ્રીલંકા મિત્ર વિભૂષણાય મેડલ શ્રીલંકાના ખાસ મિત્ર અને શુભેચ્છક તરીકે સેવા આપી હોય એમને કરે છે એનાયત

કોલંબો: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શ્રીલંકા સરકારે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'શ્રીલંકા મિત્ર વિભૂષણ' થી સન્માનિત કર્યા છે. શ્રીલંકાની મુલાકાતે આવેલા શ્રી મોદીને શનિવારે કોલંબોમાં એક સમારોહમાં રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે 'શ્રીલંકા મિત્ર વિભૂષણાય' એવોર્ડ એનાયત કર્યો હતો અને આ સન્માનનો પ્રતીકાત્મક મેડલ તેમના ગળામાં પહેરાવવામાં આવ્યો હતો.

આ સન્માન માટે શ્રીલંકાના લોકો અને રાષ્ટ્રપતિ દિસાનાયકેનો આભાર વ્યક્ત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ ફક્ત તેમનું (મોદીનું) સન્માન નથી પરંતુ ભારતના 140 કરોડ લોકોનું પણ સન્માન છે.

પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પર લખ્યું, "શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે દ્વારા 'શ્રીલંકા મિત્ર વિભૂષણ' થી સન્માનિત થવું મારા માટે ખૂબ જ ગર્વની વાત છે. આ સન્માન ફક્ત મારું જ નથી, પરંતુ તે ભારતના 140 કરોડ લોકોનું સન્માન છે. તે ભારત અને શ્રીલંકાના લોકો વચ્ચેની ઊંડી મિત્રતા અને ઐતિહાસિક સંબંધોનું પ્રતીક છે. હું આ સન્માન માટે રાષ્ટ્રપતિ, સરકાર અને શ્રીલંકાના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું."
શ્રીલંકા સરકાર શ્રીલંકા મિત્ર વિભૂષણાય મેડલ એવા વ્યક્તિઓને એનાયત કરે છે જેમણે તેમના મતે દેશના ખાસ મિત્ર અને શુભેચ્છક તરીકે સેવા આપી હોય.
શ્રી મોદી શુક્રવારે સાંજે બેંગકોકથી ત્રણ દિવસની મુલાકાતે કોલંબો પહોંચ્યા. શ્રી મોદીનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર વિદેશ મંત્રી વિજિતા હેરાથ, આરોગ્ય મંત્રી નલિન્દા જયતિસ્સા અને મત્સ્યઉદ્યોગ મંત્રી રામલિંગમ ચંદ્રશેખર સહિત શ્રીલંકાના પાંચ ટોચના મંત્રીઓ હાજર હતા.

 

(10:02 PM IST)