હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરક્ષા સલાહકારોએ બ્રિટનના નાગરિકોને 72 કલાકનું 'સર્વાઈવલ કિટ' તૈયાર રાખવાની આપી ચેતવણી : પુતિનની ગેસ પાઈપલાઈન તોડફોડની યોજનાથી બ્લેકઆઉટનો ખતરો
રશિયાની જાસૂસી નૌકા યાંતરની શંકાસ્પદ ગતિવિધિઓથી બ્રિટનની ઊર્જા સુરક્ષા પર સંકટ : નેટ ઝીરો લક્ષ્યો વચ્ચે વધતી ચિંતા

લંડન: રશિયા દ્વારા બ્રિટનની ઊર્જા પાઈપલાઈનોને તોડફોડ કરવાની યોજનાના ભયને કારણે સુરક્ષા સલાહકારોએ બ્રિટિશ નાગરિકોને 72 કલાકનું 'સર્વાઈવલ કિટ' તૈયાર રાખવાની ચેતવણી આપી છે. બ્રિટનની નેટ ઝીરો પર્યાવરણીય નીતિઓને કારણે કોલસાથી ચાલતાં પાવર સ્ટેશનો બંધ થયા બાદ દેશ વિદેશથી ગેસ અને વીજળીની સપ્લાય પર વધુ નિર્ભર બન્યો છે. આ સ્થિતિમાં રશિયાની સંભવિત તોડફોડથી મોટા પાયે બ્લેકઆઉટનું જોખમ વધી ગયું છે.
નોર્વેથી આવતી લેન્ગલેડ પાઈપલાઈન પર નિર્ભરતા:
બ્રિટનની લગભગ 40 ટકા ગેસ સપ્લાય નોર્વેથી આયાત થાય છે, જે મોટાભાગે 700 માઈલ લાંબી લેન્ગલેડ પાઈપલાઈન દ્વારા આવે છે. તાજેતરમાં રશિયાની જાસૂસી નૌકા 'યાંતર' ઉત્તર સમુદ્રમાં બ્રિટનના મહત્વના અંડરવોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નકશો તૈયાર કરતી જોવા મળી, જેનાથી તોડફોડની શંકા વધી છે. સુરક્ષા નિષ્ણાતોનું કહેવું છે કે ગયા શિયાળામાં બ્રિટન બ્લેકઆઉટની નજીક પહોંચી ગયું હતું, જે ઈમરજન્સી રિઝર્વ અને ડેનમાર્કથી આયાત કરાયેલી વીજળીથી બચી ગયું હતું. આવી સ્થિતિમાં નાગરિકોએ યુરોપિયન યુનિયનના ઉદાહરણને અનુસરીને ત્રણ દિવસનું સર્વાઈવલ કિટ તૈયાર રાખવું જોઈએ, જેમાં પાણી, નાશવંત ન હોય તેવું ખાદ્યપદાર્થ, દવાઓ, બેટરીથી ચાલતો રેડિયો, ટોર્ચ, ઓળખપત્રો અને સ્વિસ આર્મી નાઈફનો સમાવેશ થાય.
રશિયાની તોડફોડનો ઈતિહાસ અને બ્રિટનની ચિંતા:
છેલ્લા બે વર્ષમાં બાલ્ટિક સમુદ્રમાં કેબલ અને પાઈપલાઈનને નુકસાન પહોંચાડતી ઘટનાઓ પાછળ રશિયાનું નામ જોડાયું છે. 2022માં જર્મનીની નોર્ડ સ્ટ્રીમ ગેસ પાઈપલાઈન પણ તોડફોડનો શિકાર બની હતી. આ ઉપરાંત, રશિયાએ બ્રિટનના ઓફશોર વિન્ડ ટર્બાઈન પર લિસનિંગ ડિવાઈસ લગાવીને બ્રિટિશ સબમરીનની હિલચાલ પર નજર રાખવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ માનવામાં આવે છે. સુરક્ષા સૂત્રોએ જણાવ્યું, "રશિયા ઉત્તર સમુદ્રમાં સક્રિય છે અને અમારા ઊર્જા સંબંધોને ખોરવી નાખવાની શક્તિ ધરાવે છે. આપણે ઝડપથી સ્વાવલંબી બનવું પડશે."
નેટ ઝીરો નીતિ અને ઊર્જા સંકટ:
બ્રિટનના ઊર્જા મંત્રી એડ મિલિબેન્ડની નેટ ઝીરો પ્રતિબદ્ધતાએ દેશને રશિયાની તોડફોડ માટે વધુ સંવેદનશીલ બનાવ્યો હોવાનો ટાંકો સાંસદો લગાવી રહ્યા છે. ગયા સપ્ટેમ્બરમાં નોટિંગહામશાયરનું રેટક્લિફ-ઓન-સોર કોલ પાવર સ્ટેશન બંધ થયું, જે બે મિલિયન ઘરોને વીજળી પૂરી પાડતું હતું. આગામી વર્ષોમાં બે ન્યુક્લિયર પાવર સ્ટેશન પણ બંધ થવાની શક્યતા છે, જે બ્રિટનને વિન્ડ અને સોલાર ફાર્મ્સ પર વધુ નિર્ભર બનાવશે. પવન ન ફૂંકાય કે સૂરજ ન ચમકે તો આવા પ્લાન્ટ્સમાં ઉત્પાદન ઘટી જાય છે, જેના કારણે ગેસથી ચાલતાં જૂનાં પાવર સ્ટેશનો અને કતાર તથા અમેરિકાથી આયાત થતા લિક્વિફાઈડ નેચરલ ગેસ પર નિર્ભરતા વધી છે.
બ્લેકઆઉટનું જોખમ અને સરકારનો પ્રતિસાદ:
ગયા જાન્યુઆરીમાં ઠંડી અને વિન્ડ ફાર્મ્સમાં ઘટેલા ઉત્પાદનને કારણે બ્રિટન બ્લેકઆઉટની નજીક પહોંચી ગયું હતું. ગ્રીડ ઓપરેટરે 17 મિલિયન પાઉન્ડ ખર્ચીને ગેસ પ્લાન્ટ્સ ચાલુ રાખ્યા અને ડેનમાર્કથી વીજળી આયાત કરીને સ્થિતિ સંભાળી હતી. સરકારે જણાવ્યું કે સ્વચ્છ ઊર્જામાં રોકાણથી સુરક્ષા વધશે અને રશિયા જેવા દુશ્મન દેશો પર નિર્ભરતા ઘટશે. જોકે, હાલ નાગરિકોને સર્વાઈવલ કિટ તૈયાર કરવાની સલાહ આપવાની યોજના નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
