<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th April 2025

સોનાના ભાવમાં કેમ પડ્યા ગાબડાં : ક્યાં કારણોથી ગોલ્ડમાં વેચવાલી વધી : સોમવારે શું થશે ? નિષ્ણાંતો શું કહે છે ?

નવા સપ્તાહમાં જ્વેલરી માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થાય તેવી પૂરી શક્યતા છે ??

મુંબઈ :સોનાની કિંમતમાં ઘરઆંગણેથી લઈ વૈશ્વિક બજારોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત શુક્રવારે એક જ દિવસમાં સોનામાં આશરે 3 ટકાનો કડાકો બોલાઈ ગયો હતો. તે સાથે જ એક સપ્તાહમાં ગોલ્ડમાં જે ઉછાળો આવેલો તે ખતમ થઈ ગયેલો. વૈશ્વિક બજારોમાં તીવ્ર ઘટાડો તથા ટ્રેડ વોરને લીધે મંદીની આશંકા વધી ગઈ છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ઔંસદીઠ ભાવ 65.37 ડોલર એટલે કે 2.11 ટકા તૂટીને 3,100 ડોલરની સપાટી ગુમાવી 3037.65 ડોલર થયા છે. જ્યારે ચાંદીનો ભાવ 2.28 ડોલર એટલે કે 7.14 ડોલર ગગડી 29.62 ડોલર રહ્યા છે.

નવા સપ્તાહમાં ભારતીય જ્વેલરી માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં અભૂતપૂર્વ ઘટાડો થાય તેવી પૂરી શક્યતા છે. ગત શુક્રવારે પણ ભારતીય બજારોમાં સોનાની 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 1,600 ઘટીને રૂપિયા 91,500 આસપાસ થઈ ગયા હતા.

નિષ્ણાતોનું માનવું છે કે ગોલ્ડ એક લિક્વિડ એસેટ છે, જેના માર્જીન કોલ્સ પૂરા કરવા માટે વેચી શકાય છે. માટે જ્યારે કોઈ મોટા રિસ્ક ઈવેન્ટ થાય છે તો તેમાં વેચવાલી સામાન્ય વાત છે. ઐતિહાસિક ટ્રેન્ડની દ્રષ્ટિએ તે કોઈ નવી વાત નથી

આટલી અસ્થિરતા વચ્ચે ગોલ્ડ રોકાણકારો માટે સેફ હેવન છે, તેનો અર્થ છે કે સોનાની કિંમતોમાં ઘટાડો હંગામી હોઈ શકે છે. નજીકના ભવિષ્યમાં તેજી યથાવત રહી શકે છે.

US ફેડરલ રિઝર્વના વડા જેરોમ પૉવેલે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ અપેક્ષા કરતાં વધારે પડતા છે. તેની અસરથી મોંઘવારી વધશે અને વિકાસ દર ધીમો પડશે.

તેની અસર ગોલ્ડ કરતાં વધારે વૈશ્વિક શેરબજારો પર જોવા મળી છે. શુક્રવારે S&P 500 અને નાસ્ડેક આશરે 5 ટકા તૂટી ગયા હતા.

આ વર્ષ એટલે કે વર્ષ 2025ની શરૂઆતથી અત્યાર સુધીમાં ગોલ્ડમાં 15.6 ટકાની તેજી જોવા મળી છે. વિવિધ દેશની મધ્યસ્થ બેન્કો દ્વારા મોટાપાયે સોનાની ખરીદી કરવામાં આવી રહી છે. આર્થિક-રાજકીય અનિશ્ચિતતાને પગલે આ સ્થિતિ જોવા મળી રહી છે.

(8:52 PM IST)