<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલ અને સ્લોવાકિયાની રાજકીય મુલાકાતે લિસ્બન પહોંચ્યા: ૨૭ વર્ષ બાદ ભારતીય રાષ્ટ્રપતિનો પોર્ટુગલ પ્રવાસ અને સ્લોવાકિયાનો ૨૯ વર્ષમાં પ્રથમ સત્તાવાર પ્રવાસ

લિસ્બન/બ્રાતિસ્લાવા: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રવિવારે પોર્ટુગલ અને સ્લોવાકિયાની સત્તાવાર રાજકીય મુલાકાત માટે રવાના થયાં હતા. તેઓ પોર્ટુગલની રાજધાની લિસ્બન પહોંચ્યા છે આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ ભારતના યુરોપિયન સંઘના બે મહત્ત્વના દેશો સાથેના સંબંધોને વધુ મજબૂત કરવાનો છે.

 

 

પોર્ટુગલની મુલાકાત: ૨૭ વર્ષ બાદ ભારતીય રાષ્ટ્રપતિનો પ્રવાસ: રાષ્ટ્રપતિ મુર્મુ સૌપ્રથમ પોર્ટુગલની રાજધાની લિસ્બન પહોંચ્યા. ૭–૮ એપ્રિલ દરમિયાન તેઓ પોર્ટુગલના રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડી સૂસા સાથે મુલાકાત અને પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચા કરી રહ્યા છે. આ ઉપરાંત, તેઓ પોર્ટુગલના વડાપ્રધાન લુઇસ મોન્ટેનેગ્રો તેમજ નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ જોસ પેડ્રો એગુઇઆર-બ્રાન્કો સાથે પણ બેઠક યોજી રહ્યા છે.

 


આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને પોર્ટુગલ પોતાના રાજનયિક સંબંધોની પુનઃસ્થાપનાના ૫૦ વર્ષની ઉજવણી કરી રહ્યાં છે. ભારતીય રાષ્ટ્રપતિની પોર્ટુગલની આ પ્રથમ મુલાકાત ૨૭ વર્ષમાં થઈ રહી છે, જે બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને મૈત્રીપૂર્ણ સંબંધોને નવી ગતિ આપશે.

 

સ્લોવાકિયાની મુલાકાત: ૨૯ વર્ષમાં પ્રથમ સત્તાવાર પ્રવાસ: ૯–૧૦ એપ્રિલ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુ સ્લોવાકિયાની મુલાકાતે જશે. અહીં તેઓ સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રિની અને વડાપ્રધાન રોબર્ટ ફિકો સાથે દ્વિપક્ષીય બેઠકો યોજશે. ૨૯ વર્ષમાં કોઈ ભારતીય રાષ્ટ્રપતિની આ પ્રથમ સ્લોવાકિયા મુલાકાત છે, જે ભારત-સ્લોવાકિયા સંબંધોને નવું પરિમાણ આપશે.

 

 

ભારત-યુરોપ સંબંધોને નવી દિશા: વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, રાષ્ટ્રપતિની આ રાજકીય મુલાકાત ભારત અને યુરોપિયન સંઘના સંબંધોને મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. ભારત અને પોર્ટુગલ તેમજ સ્લોવાકિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને આ મુલાકાતથી વધુ ગાઢ બનાવવાનો પ્રયાસ છે.


આ મુલાકાત દરમિયાન બંને દેશો સાથે આર્થિક, સાંસ્કૃતિક અને રાજનૈતિક સહયોગને વધારવા પર ભાર મૂકવામાં આવશે.


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો આ પ્રવાસ ભારતની વિદેશ નીતિના વિસ્તાર અને યુરોપ સાથેના સંબંધોને મજબૂત કરવાની દિશામાં એક મહત્ત્વનું પગલું છે.

(11:25 AM IST)